સાણંદમાં યુજીવીસીએલના કર્મી પર હુમલાની બીજી ઘટના સામે આવી છે. સાણંદના નિધરાડ ગામે ગૌશાળામાં શખ્સે યુજીવીસીએલના નાયબ ઇજનેરને ફોન કરી વીજ કરંટ ન લાગ્યો હોવા છતાં કરંટ લાગ્યો હોવાનો ફોન કરતાં કર્મી ઘટના સ્થળે જતાં શખ્સે અપશબ્દો બોલી લાકડી ફટકારી હુમલો કર્યો હતો. અને સાણંદની ઓફિસે આવી દરવાજાને લાત મારતા પોલીસ દોડી આવી હતી. શખ્સ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે.
રાહુલભાઈ રમેશભાઇ રામી સાણંદ યુજીવીસીએલમાં ઇલેક્ટ્રિકલ આસીસ્ટંટ તરીકે ફરજ બજાવે છે. તા. ૧ જૂનના બપોરે નાયબ ઇજનેર સાણંદના મોબાઈલ પર પરેશભાઇ દલસુખભાઇ પટેલ (ઉ.42 રહે સેટેલાટ મૂળ રહે. નિધરાડ ગામ)નો ફોન આવ્યો હતો અને જણાવ્યુ કે નિધરાડની જય મહાકાલ ગીર ગૌશાળામાં મને વીજ કરંટ લાગ્યો છે તેથી અમારી મદદ માટે તાત્કાલીક માણસ મોકલી આપો.
ઘટના અંગે કર્મી રાહુલભાઈને સ્થળ પર જવા કહેવામા આવ્યું હતું. કર્મી સ્થળ પર પહોંચ્યો ત્યારે આ શખ્સ એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગ્યો હતો અને કર્મીએ અપશબ્દો બોલવાની ના પાડતા પરેશભાઇએ લાકડી ફટકારી હતી. અને પરેશભાઇએ કર્મીને જણાવ્યું હતું કે કોઇ કરંટ લાગ્યો નથી પરંતુ આપના દ્વારા ફરીયાદનું નિવારણ થતું ન હોય જેથી આવુ કરાયું છે.
સ્થળ પર ઝાડ કાપવા દબાણ કરતાં આ અંગે કર્મીએ નાયબ ઇજનેરને ફોન પર જાણ કરતા નાયબ ઇજનેરે સ્થળ પર ચિરાગ બળદેવજી ડાભી( ઇલેક્ટ્રિકલ આસીસ્ટંટ) અને 2 મજુર ઝાડ કાપવા માટે મોકલ્યા હતા. ત્યારબાદ પરેશભાઇ પટેલ પેટા વિભાગીય કચેરી ખાતે જઇને ના.ઇજનેર મયુરભાઈ તેમજ કર્મીઓને અપશબ્દો બોલ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.