બેદરકાર તંત્ર:સાણંદમાં પ્રિ-મોનસૂન કામના 20 દિવસ થયા છતાં અનેક વિસ્તારમાં કામગીરી બાકી

સાણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ એક જ વિસ્તારમાં કેનાલની કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ અન્ય વિસ્તારમાં સ્થિતિ જૈસે થે જેવી, જર્જરિત ઇમારતો પણ ઠેરની ઠેર

સાણંદ શહેરમાં આવેલા ગઢિયા ગરનાળાથી લઇ વાઘેલા પાર્ક બાવળા રોડની કેનાલની સફાઈ છેલ્લા 20 દિવસથી કરવામાં આવી રહી છે. જ્યારે ચોમાસું સામે બારણે ઉભું હોવા છતાં શહેરના અનેક વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવો થતો હોય છતાં એ વિસ્તારમાં તો કામગીરી બાકી છે. ત્યારે સાણંદ નગરપાલિકા તંત્ર કામગીરીના નામે માત્ર દેખાડો કરી હોવાનું સ્થાનિકોને લાગી રહ્યું છે.સાણંદ શહેરમાં દર વર્ષે પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે મસ મોટા દાવા કરવામાં આવે છે. પણ જો 24 કલાક દરમિયાન 5 ઇંચ કે તેથી વધુ વરસાદ થાય તો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે.

સાણંદના ખાસ કરીને નાળા ભાગોળ, ગેપપરાના રામજીમંદિર પાસે, લાભશુભ સોસાયટી, નળ સરોવર રોડની યોગેશ્વર પાર્ક, યસ પ્રકાસ, બસ સ્ટેશન સામે આવેલ મહોલ્લામાં તો 3થી 5 ઇંચ વરસાદમાં સ્થાનિકોની સ્થિતી કફોડી બની જતી હોય છે. પાલિકા દ્વારા 20 દિવસ પહેલા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી છે. જે 10 દિવસ સુધી ચાલવાની છે અને આ માટે 1.50 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. અને તેના માટે ખાનગી કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો છે. પ્રી મોન્સૂન કામગીરી શરૂ થયાને 20 દિવસ કરતા વધુ સમય થઈ ચૂક્યો છે.

જો કે પાલિકા તંત્ર દ્વારા માત્ર શહેરના ગઢિયા ગરનાળાથી લઇ વાઘેલા પાર્ક બાવળા રોડની કેનાલની સફાઈની કામગીરી કરી છે જયારે શહેરની હાઈવેની ગટર, નાળાની ભાગોળ સહીત નળ સરોવર રોડના સ્મશાનની બાજુમાં આવેલ નેળિયાની સફાઈ થઈ નથી. તો ચોમાસુ પણ ગણતરીના દિવસોમાં દસ્તક દે તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે સાણંદ પાલિકા બાકીની કામગીરી પૂર્ણ નહિ કરે તો શહેરમાં જળબંબાકાર સ્થિતિ સર્જાતા કોઈ અટકાવી શકશે નહીં.

શહેરમાં જોખમી ઇમારતો પણ હજુ જેમને તેમ ઉભી છે. આ ઇમારતો વહેલી તકે દૂર કરવામાં આવે કે સમારકામ કરાય તે જરૂરી છે. પાલિકા તંત્ર દ્વારા 7 લોકોને આ અંગે અગાઉ નોટીસ પણ પાઠવી હતી. આ ઉપરાંત હાલ અનેક વિસ્તારોમાં ચોમાસા પહેલા સ્ટ્રીટ લાઈટ બંધ છે ઉપરાંત શહેરના વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો ગટરના ઢાકણા તૂટેલા છે.

અન્ય સમાચારો પણ છે...