ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:દીપડાથી સાણંદ તાલુકાના 3 ગામના 25 કિલોમીટરના વિસ્તારમાં ભય, સાંજે ખેતરમાં જવાનું ટાળતા લોકો

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દીપડાને પકડવા માટે વનવિભાગે કેમેરાવાળા પાંજરા ગોઠવ્યા છે. - Divya Bhaskar
દીપડાને પકડવા માટે વનવિભાગે કેમેરાવાળા પાંજરા ગોઠવ્યા છે.
  • 6 દિવસ પહેલા દીપડો દેખાતાં વનવિભાગે કેમેરાવાળા 8 પાંજરા મૂક્યાં
  • સાણંદ તાલુકાનાં સનાથલ, વાઘજીપુરા ગામ અને દસક્રોઈ તાલુકાના વિસલપુર ગામના લોકોમાં ફફડાટ ફેલાયો
  • ગામલોકો​​​​​​​ અજાણ : ગામોમાં જાગૃતિ માટેનાં કોઇ બેનરો લગાડાયાં નથી કે વનવિભાગે જાણ કરી નથી

સાણંદ તાલુકાના સનાથલ, વાઘજીપુરા અને દસક્રોઈ તાલુકાનું વિસલપુર આ ત્રણે ગામનો સીમાડો જે એક બીજા સાથે અડેલો છે અને આ સીમાડામાં છેલ્લા પાંચેક દિવસથી દીપડાએ દેખા દેતા ત્રણેય ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ મહત્વની ઘટના અંગે દિવ્ય ભાસ્કર સાણંદ ટીમે ત્રણે ગામના સીમાડાની આસપાસના ગામો સહિતનું લગભગ 25 કિમીનું ગ્રાઉન્ડ ચેક કરીને માહિતી મેળવી હતી.

સાણંદ તાલુકાના નવાપુરા ગામની સામે આવેલા વાઘજીપુરા ગામ પહેલા આવેલા નર્મદા કેનાલ રોડ ઉપર આવેલી સીમમાં સનાથલ ,વાઘજીપુરા અને વિસલપુરના સીમાડા એક થાય છે જ્યાં ગત બુધવારે રાત્રે દીપડાએ નીલગાયનું મારણ કાર્યના અવશેષો મળી આવ્યા હતા અને દીપડાના ફૂટ પ્રિન્ટ પણ મળી આવ્યા હતા ત્યારે આ ઘટનાને છ –છ દિવસ છતાં દીપડાનો કોઈ પત્તો કે અણસાર નહિ મળતા આ ત્રણે ગામના લોકો હાલ ભયના ઓથાર હેઠળ છે. બીજી તરફ વન વિભાગે પણ અહી ડેરા નાખ્યા છે.

સોમવારે કોઈ ખેતમજૂરે દીપડો ઝાડ ઉપરથી કુદ્યો હોવાની વાત કહેતા વનવિભાગની એક ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આસપાસના ખેતરોમાં નિરીક્ષણ કર્યું હતું પરંતુ કોઈ ભાળ મળી ન હતી આ સિવાય વન વિભાગનીઅન્ય ત્રણ ટીમ મળીને કુલ 4 ટીમો આ વિસ્તારમાં દેખરેખ માટે ફાળવાઈ છે દરેક ટીમમાં ત્રણ કર્મીઓ સામેલ છે. વનવિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કુલ 8 પાંજરા ગોઠવ્યા છે અને દરેકમાં કેમેરા પણ લગાવાયા છે જેથી જો કોઈ પ્રાણી કે દીપડાની ચહલ પહલ થાય તો કેમેરામાં કેદ થઇ જાય .

દીપડો લલચાઈને આવે તે માટે ચારા માટે પાંજરામાં મુકવા બકરીઓ લાવવામાં આવી છે બધા પાંજરામાં નહિ પણ સૌથી વધુ શક્યતા વાળા પાંજરામાં દીપડાના ખોરાક માટે બકરીઓ મુકવામાં આવે છે જેથી દીપડાને ઝડપી શકાય.

વાઘજીપુરા સીમની બાવળીમાં દીપડો હોવાની વાત
આ સીમમાંજ ખેત મજુરી કરીને ગુજરાન ચલાવતા રામાભાઈએ જણાવ્યું હતું કે વાઘ્જીપુરના સીમમાં આવેલી બાવળી તરફ દીપડાના પગલાના નિશાન દેખાયા છે ત્યારે હું પહેલા રાત્રી રોકાણ કરતો પણ અત્યારે ભય ને કારણે સીમમાંથી છ વાગે પરત ફરી જવું છું આ વિસ્તારના રોડ ઉપરના લારી ગલ્લા કીટલી વાળા 7વાગે ઘરે ચાલ્યા જાય છે. > રામાભાઈ વસાવા, ખેત મજુર

ગામમાં માત્ર ભાસ્કરના અહેવાલથી જાણ થઇ
વિસલપુર ગામના વેપારી રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે અમારા ગામની સીમમાં દીપડો હોવાની વાત આજે સવારે દિવ્ય ભાસ્કરમાં વાંચ્યું ત્યારે જાણવા મળી બીજી તરફ આ ગામોમાં કોઈ જાગૃતિ માટે સૂચનો કે બેનર કે વનવિભાગ દ્વારા કરાયા હોય તેવું જોવા મળ્યું નથી ત્યારે ગામ લોકોએ સીમમાં જવાનું પણ ચાલુ રાખ્યું છે > રાજેન્દ્રભાઈ પ્રજાપતિ –વિસલપુર

અન્ય સમાચારો પણ છે...