સાણંદ તાલુકાના કાણેટી ગામની સીમમાં આવેલી જમીન મુદ્દે અમદાવાદના બિલ્ડરને માર મારી ધમકી આપનાર ત્રણ ઈસમો વિરુદ્ધ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તાપસ હાથ ધરી છે.
સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ પ્રહલાદ નગર ખાતે રહેતા બિલ્ડર પ્રિન્સ વિનોદભાઈ પટેલ તેમના મિત્ર માહિર સાથે પોતાની સાણંદ તાલુકાના કાણેટી ગામે સર્વે નંબર 31માં આવેલ જમીનમાં કમ્પાઉન્ડ વોલનું કામ ચાલુ હોઈ ગઈ તા 7 જાન્યુઆરીના રોજ હાજર હતા ત્યારે ત્યાં કાણેટી ગામના વિજયસિંહ રણુભા વાઘેલાએ આવીને જમીનમાં થાંભલા કોણે નાખ્યો છે તેમ કહી ઉશ્કેરાઈ જઈને ગાળો બોલવા લાગ્યા હતા. થાંભલા અત્યારે જ કાઢી લો નહીંતર જીવતા નહીં જવા દઉં તેમ કહી ગામ તરફ ગયેલા ત્યાર બાદ ગામના અન્ય બે ઈસમો ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલા, જીતુભા ગંભીરસિંહ વાઘેલા આવેલા અને પ્રિન્સ તથા માહીરને માર મારી 25 લાખની માંગણી કરી હતી.
ત્યાર બાદ ફરીથી રવિવારના રોજ પ્રિન્સ, વિનોદભાઈ તથા માહિર કાણેટી ગયા હતા ત્યારે વિજયસિંહે તેમની ગાડી રોકીને ફરીથી ધમકી આપીને વિનોદભાઈને લાત મારતાં પ્રિન્સ વિનોદભાઈ પટેલે સાણંદ પોલીસમાં ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સાણંદ પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બિલ્ડરને ધમકી આપ્યાની વાત બહાર ફેલાતા ચકચાર મચી ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.