ભાજપ સરકારની નીતિ રહી છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ લખલૂંટ રૂપિયા ખર્ચાય છે અને એમાં પણ સૌથી વધુ રૂપિયા રોડ બનાવવામાં ખર્ચાય છે. સારી બાબત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સાણંદ તાલુકામાં કરોડોના ખર્ચે અનેક માર્ગ બન્યા પરંતુ ઘણા ખરા માર્ગો બન્યા પરંત આ માર્ગો બન્યાના માત્ર એક વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં તૂટી જવા પામ્યા છે.
સાણંદ તાલુકાના અનેક માર્ગોની દયનિય પરિસ્થિતિ છે તૂટેલા માર્ગોને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો બીજી તરફ ફળવાયેલા રૂપિયામાંથી અડધા રૂપિયા ઘરભેગા કરનારા કોન્ટ્રાકટરોને બખ્ખા છે. પરંતુ આ કરોડો રૂપિયા ઘરભેગા કરનારા કોન્ટ્રાક્ટરો કોની રહેમ નજરથી પ્રજાના પૈસે લહેર કરે છે.
સ્વાભાવિક છે અધિકારીઓની રહેમ નજરથી જ તો . આવો આજે વાત કરીએ સાણંદ તાલુકાના આવા માર્ગોની જેમાં પ્રજાના કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ આ માર્ગો માથાના દુખાવા સમાન બન્યા છે. આ અંગે લોકોની વારંવાર રજૂઆતને પગલે ભાસ્કરે સાણંદ તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદસિંહ વાઘેલાની મુલાકાત લીધી તેઓએ જણાવ્યું કે મે સાંસદ અમિતભાઇ શાહ સુધી આ અંગે લેખિત રજૂઆત કરી છે અને ગેરંટી પીરીઅડ બાકી હોવાથી રોડનું નવીનીકરણ થવું જ જોઈએ તેવી માંગ કરી છે.
તમામ ડામર ક્વોરી હાલ બંધ છે ટૂંક સમયમાં રોડનું સમારકામ શરૂ કરાવી દઈશું
આ સમગ્ર માર્ગોની ટેન્ડર પ્રક્રિયા માટે જે જવાબદાર અધિકારી છે તે અમદાવાદ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના ઈજનેર એમ એસ ભુવા સાથે ભાસ્કરે વાત કરતા તેઓ કોન્ટ્રાક્ટરની ભાષા બોલવા લાગ્યા હતા અને જણાવ્યું હતું કે ડામર ક્વોરીઓ હાલ બંધ છે ટૂંક સમયમાં બન્ને માર્ગોનું કામ શરુ કરાવી દઈશું .કોન્ટ્રાકટર સામે પગલાં કેમ નથી લીધા તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે નોટિસો પાઠવી છે. > એમ એસ ભુવા, નાયબ ઈજનેર , માર્ગ અને મકાન વિભાગ , અમદાવાદ જિલ્લા પંચાયત
સાણંદ -કોલટ-ચાંગોદર રોડ
રસ્તાની લંબાઈ 8.60 કિમી
ફાળવાયેલી રકમ 798.00 લાખ
કોન્ટ્રાક્ટરનું નામ આકાશ ઇન્ફ્રા
કામ પૂર્ણ કાર્ય તા.25-9-2018
ગેરન્ટી પીરીઅડ 24-9-2023
પરિસ્થિતિ
સાણંદથી ઇન્ડસ્ટ્રીઅલ હબ ચાંગોદર જવાનો આ માર્ગ વાયા કોલટ થઇને પસાર થાય છે જે વર્ષ 2018માં પૂર્ણ કરાયો હતો જે માત્ર એક જ વર્ષમાં તૂટી જવા પામ્યો છે આ રોડ એટલી હદે તૂટ્યો છે કે કિમીએ કિમીએ હજાર ખાડા જોવા મળે ટૂંકમાં ચાળણી જેવો રોડ થઇ ગયો છે. ટુ વ્હલીરમાં આ રોડ પર જઈએ તો કમરનો દુખાવો થઇ જાય છે.
સાણંદ -મોટીદેવતી -મોરૈયા રોડ
રસ્તાની લંબાઈ 8.60 કિમી
ફાળવાયેલી રકમ 342.00 લાખ
કોન્ટ્રાક્ટરનું નામ : ગાયત્રી કન્સ્ટ્રકશન
કામ પૂર્ણ કાર્ય તારીખ 12-9-2018
ગેરન્ટી પીરીઅડ 11-9-2023
પરિસ્થિતિ
સાણંદ તાલુકાનો મોરૈયા વિસ્તાર ઇન્ડ હબ હોવાની સાથે સાથે રહેણાક વિસ્તાર તરીકે પણ વિકાસ પામ્યો છે વળી સાણંદથી મોરૈયા તરફ દરરોજ અનેક નોકરિયાતો અપડાઉન કરે છે ત્યારે વર્ષ 2018માં બનેલો આ માર્ગ ટૂંક સમયમાં જર્જરિત થઇ જવા પામ્યો છે સાણંદથો મોટી દેવતી પટ્ટો જે ૬ કિમી જેટલો છે તેમાં તો શરૂઆતથી જ ઠેર ઠેર ખાડા પડી ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.