પશુપાલકોમાં ફફડાટ:નિધરાડના કિસાન સંઘના પ્રદેશ કોષાધ્યક્ષના ઘરેથી પશુની ઉઠાંતરી

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના ગામોમાં રાતના સમયે પશુઓની ચોરી કરતી ટોળકી સક્રિય થતાં પશુપાલકોમાં ફફડાટ

સાણંદ શહેર તેમજ તાલુકા વિસ્તાર ફરી એક વખત ઢોર-પશુઓની ચોરી થવાની રાવ ઉઠી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં સાણંદ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં રાત્રિના સમયે પશુઓની ચોરી કરતી ટોળકી સક્રિય થતાં પશુપાલકો પણ ચિંતાતૂર બન્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લા કિસાન સંઘ દ્વારા તાકીદે ચોરોને શોધીને કાર્યવાહી કરવા માંગ કરી છે.

અમદાવાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ડી.કે પટેલના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાના વસોદરા, રૂપાવટી અને નિધરાડ ગામે થોડાક સમયથી રાત્રે 2 થી 3 વાગ્યાના સુમારે પશુ-ઢોરની ચોરી થઈ રહી છે. જેને લઈને પશુપાલકો પણ ચિંતાતુર બન્યા છે. સાણંદના નિધરાડ ગામના અને ભારતીય કિસાન સંઘના પ્રદેશ કોષાધ્યક્ષ જયંતીભાઈ લક્ષ્મણભાઈ ડાભી અને વસોદરા ગામના કો.પટેલ વિક્રમભાઈ રામભાઇના પશુની ઉઠાંતરી થઈ છે. તાકીદે ચોરોને ઝડપી લેવા પશુપાલકોએ માંગ કરી છે.

અત્રે નોંધપાત્ર છે કે સાણંદ શહેર તેમજ નજીકના ગામડાઓમાં મોડી રાત્રીના સમયે પશુઓની ચોરી થવી એ જાણે સમાન્ય ઘટના બની ગઈ હોય તેમ પશુપાલકોને લાગી ગયું છે. ચોરોને મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સાથે રાત્રીના સમયે શહેરના નાકાબાંધી પોઈન્ટ પર વાહન ચેકિંગ કરવા અને ગામડાઓમાં પોલીસ પેટ્રોલીંગમાં વધારો કરવા સ્થાનિકોની ઉગ્ર માંગ છે.

અન્ય સમાચારો પણ છે...