સાણંદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય કનુભાઈ પટેલે મંગળવારે ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે તેમની સામે તલવાર તાણીને બેઠા થયેલા સાણંદ APMCના ચૅરમૅન ખેંગાર સોલંકી પણ નાટ્યાત્મક રીતે હાજર રહ્યા હતા. કનુભાઈ સામે ઉકળેલા વિરોધના ચરૂને ઠારવા ખુદ અમિત શાહ ઉમેદવારી નોંધાવવા ટાણે હાજર રહ્યા હોવાનો પક્ષમાં ગણગણાટ ચાલી રહ્યો હતો. બીજી તરફ સોમવારે 2000 માણસ એકઠું કરીને શક્તિ પ્રદર્શન કરનારા ખેંગારભાઈ મંગળવારે ખુશીખુશી કનુભાઈની રેલીમાં જોડાતાં તર્ક-વિતર્ક વહેતા થયા હતા.
સાણંદના ભાજપના ઉમેદવાર અને હાલના ધારાસભ્ય કનુભાઈ પટેલે શહેરના કોલટ રોડ ઉપર જલધારા પાર્ટી પ્લોટ ખાતે ભાજપના હોદ્દેદારો, ઉમેદવારના ટેકેદારો સાથે સભા યોજી હતી અને ત્યાંથી વાજતેગાજતે ઢોલ–નગારા સાથે રેલી સ્વરૂપે નીકળી મહેસૂલ ભવન ખાતે કનુભાઈ પહોંચ્યા હતા. સાથેસાથે થોડીક મિનિટોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવા કનુભાઈ પટેલની સાથે કેન્દ્રીય મંત્રી અમિત શાહ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, તાલુકા પ્રમુખ ખોડાભાઈ પટેલ, અજમલભાઈ બારડ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રીએ બાયપાસ પાસે ભાજપના ઉમેદવારનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું. મહત્ત્વનું છે કે કનુભાઈનું નામ જાહેર થતાં જ ખેંગારભાઈએ વિરોધ નોંધાવ્યો હતો અને સાણંદ, બાવળામાં માણસો એકઠાં કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. સાથેસાથે 15000 માણસ સાથે અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભરવા જવાની જાહેરાત પણ કરી હતી. જોકે અમિત શાહના આગમન પહેલાં જ ખેંગારભાઈને મનાવી લેવાયા હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ ફોર્મ ભરવાનું શરૂ થયાના બીજા દિવસે પણ મોડી સાંજ સુધી કૉંગ્રેસે ઉમેવાર જાહેર ન કરતાં ચર્ચાનો વિષય બન્યો છે.
સન્માનનીય હોદ્દોના શાહના વચને સોલંકી માની ગયા
સાણંદ સીટ પર ભાજપે હાલના ધારાસભ્ય કનુ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરતાં સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકીએ રોષે ભરાયા હતા, BJPના ઉમેદવાર સામે અપક્ષ લડવાનો મક્કમ મૂડ બનાવીને સાણંદ બાવળામાં 3-4 દિવસ સમર્થકો સાથે જાહેર સભાઓ યોજી અને અપક્ષ લડવાનું એલાન કર્યું હતું. જેને લઈને ભાજપે બળવો કરનારા ખેંગારભાઈને સમજાવવા અનેક પ્રયત્ન કર્યા હતા પરંતુ તેઓ માન્યા નહોતા. અંતે સોમવારે મોડી રાત્રે ખેંગારભાઈને એક મીટિંગમાં શાંત પાડ્યા હતા. આ અંગે ખેંગાર સોલંકીએ જણાવ્યું હતું કે અમિત શાહે મને રૂબરૂ બોલાવીને વચન આપ્યું છે કે આગામી સમયમાં મને સન્માનનીય હોદ્દો આપવામાં આવશે, જેથી મેં તેમનું માન રાખીને ચૂંટણી લડવાનું ટાળ્યું છે.
કૉંગ્રેસે કોઈને ટિકિટ આપી નથી ને લાખાભાઈ, મનુજી ફોર્મ લાવ્યા
સાણંદની જેમ વિરમગામ બેઠકના ઉમેદવાર મુદ્દે પણ કૉંગ્રેસમાં ગડમથલ જોવા મળી રહી છે. કૉંગ્રેસે હજી પણ ઉમેદવાર જાહેર કર્યા નથી ત્યારે બીજી તરફ વર્તમાન ધારાસભ્ય લાખાભરવાડ ઉમેદવારી પત્ર લઈ આવ્યા છે. સાથે જ ઠાકોર આગેવાન મનુજી ઠાકોરે પણ ફોર્મ લીધું હોવાથી રાજકારણમાં ગરમાટો આવ્યો છે. એટલું જ નહીં, ઠાકોર સમાજને ટિકિટ નહીં અપાય તો સામૂહિક રાજીનામાં આપવાની પણ ચીમકી અપાઈ છે. વિરમગામ મતવિસ્તાર ઠાકોર સમાજના પ્રભુત્વવાળો હોઈ સમાજના આગેવાનો દ્વારા કૉંગ્રેસ મોવડી મંડળને ઠાકોર અગ્રણીને ટિકિટ આપવા રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.