સાણંદ-સરખેજ હાઇવે પાસે આવેલા સાણંદના તેલાવ ગામ પાસે કેબલનું ખોદકામ કરી પરત કેમ્પ ઉપર જતાં મજૂરને ડમ્પર ચાલકે અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ અંગે સાણંદ પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર સરખેજ- સાણંદ હાઇવે રોડ ઉપર ઉલાળીયા ગામના પાટીયા નજીક ટોરેન્ટ પાવર કંપનીના કેબલનુ ખોદકામ ચાલુ છે. જેમાં રાજેસ્થાનના બાંસવાડા જિલ્લાના 50 જેટલા માણસો ખોદકામની મજુરીએ આવેલા છે. જેમાં 57 વર્ષીય સમસુભાઈ ચુનીયાભાઈ ગરાસિયા આખો દિવસ ખોદકામની મજુરી કરી કંપનીના કેમ્પ ઉપર જવા માટે ચાલતા નીકળ્યાં હતા અને તેલાવ પાસે હાઈવે પર આવેલી નેશનલ વજન કાંટાની સામે રોડ પર માતેલા સાંઢની માફક જતાં ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રોડ પર જતાં સમસુભાઈ ચુનીયાભાઈ ગરાસિયાને અડફેટે લીધા હતા. અકસ્માત કરી ડમ્પર ચાલક ડમ્પર લઈ ફરાર થઇ ગયો હતો.
બીજી બાજુ અકસ્માતની ઘટના સ્થળે તેના પરિવારજનો અને બીજા મજૂરો એકઠા થઇઇજાગ્રસ્ત સમસુભાઈને સારવાર માટે 108 અમ્બ્યુલ્સ દ્વારા ખાનગી હોસ્પિટલ જવા પામ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ સાણંદ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને લાશને.પી.એમ માટે ખસેડી હતી. આ અંગે મૃતકના ભાઈ લાલસિંહ ચુનીયાભાઈ ગરાસિયાએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ફરાર ડમ્પર ચાલકના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આમ સાણંદ સરખેજ હાઇવે રોડ પર પર વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે.
જેમાં નિર્દોષ લોકોનો જીવ પણ જાય છે તો કોઈને ઈજાઓ થવા પામે છે. ઉલ્લેખનીય છે કે રોડ પર માતેલા સાંઢની માફક દોડતા વાહનચાલકો ખાસ કરીને ઓવર સ્પીડે જતા ડમ્પરચાલકોને કાયદાનું ભાન કરાવવાની તાતી જરૂરીયાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.