સાણંદના તેલાવ ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં તાજેતરમાં અજાણ્યા ૨ યુવકોની લાશ મળી હતી જેમાં એક યુવકના ખિસ્સામાંથી ડ્રાઈવીંગ લાઇસન્સ મળી આવ્યું હતું. જેના આધારે અમદાવાદના જમાલપુરમાં રહેતો રીક્ષા ચાલક હોવાનું સામે આવતા પોલીસ તેના પરિવારને લાશ સોંપી વધુ તપાસ હાથ ધરતા મિત્રો સાથે કેનાલ ઉપર દારૂ પીવા બેઠા હતા ત્યારે મિત્રએ મોબાઇલ માંગતા ન આપતા મિત્રને કેનાલમાં ધક્કો મારી દેતા અન્ય મિત્ર તેને બચાવા પડતા બન્નેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને અમદાવાદના જુહાપુરાના એક ઇસમ વિરુદ્ધમાં હત્યાનો ગુનો પોલીસે નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર વિગતો એવી છે સાણંદ પોલીસમાં કેનાલમાંથી લાશ મળી આવેલ મૃતક હારૂનભાઈ અબ્દુલગની શેખની બહેન મેમુનાબીબી જફરઉલ્લાખાન પઠાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર સાણંદ તાલુકાના તેલાવ ગામ પાસે આવેલ સરદાર સરોવર નર્મદા નિગમની કેનાલમાં 10 જૂને લાશ મળી આવી હતી. જેની લાશનો કબજો તેઓએ લઇ તેની અંતિમવિધિ કરી હતી.
મંગળવારે તેઓના ઘરે મૃતક હારૂનભાઈ અબ્દુલગની શેખનો મિત્ર રમઝાનીખાન સફીખાન પઠાણ (રહે.જુહાપુરા) ઘરે આવ્યો હતો અને મેમુનાબીબીને વાત કરી કે 9 જૂને રમઝાનીખાન, ફારૂકભાઈ ઉર્ફે મામા ફરીદભાઈ કુરેશી(રહે.જુહાપુરા), જીયાઉલહક ઉર્ફે અઝહરભાઈ શેખ (રહે.જમાલપુર),નો સાણંદ સરખેજ ચોકડીએ બપોરે અઢી વાગે ભેગા થઇ સાણંદના તેલાવ ગયેલા જ્યાં આગળ હારૂનભાઈ અબ્દુલગની શેખ, મોઈનભાઈ (રહે.છારોડી તા.સાણંદ), યાસીન ઉર્ફે મુન્નો સફીભાઈ મલેક(રહે.ફતેવાડી) રીક્ષા લઇ મળે અને અમો બધા તેલાવ પાસેની કેનાલના ગેટ ઉપર દારૂ પીવા માટે ગયા હતા.
જ્યાં દારૂ પીધેલો અને સાંજે 4 વાગે ફારૂકભાઈ ઉર્ફે મામા ફરીદભાઈ કુરેશીએ હારૂનભાઈ પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો. જેથી હારૂનભાઈએ મોબાઇલ આપવાની ના પાડતા ફારૂકભાઈએ હારુનભાઈ પાસથી તેનો મોબાઇલ ફોન ખેચી લીધો હતો. કેનાલ પાસે રોડ ઉપર પછાડી દીધો હતો. જેથી મોબાઇલ કેનાલમાં પડી ગયો અને બેટરી રોડ ઉપર પડી ગઈ હતી. જેથી ફારૂકભાઈ અને હારૂનભાઈ વચ્ચે ઝપાઝપી થયેલ તે વખતે મોઈનભાઈ વધારે દારૂ પી ગયા હોય યાસીન ઉર્ફે મુન્નો તેની રીક્ષામાં મોઈનભાઈને બેસાડી ત્યાંથી નીકળી ગયા હતા. ફારૂકભાઈ અને હારૂનભાઈ વચ્ચે ઝઘડો થતા હારુનભાઈએ ફારૂકની હાથની આંગળી ઉપર બચકું ભરી લીધું હતું.
જેથી ફારૂકભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને હારૂનભાઈને પાણી તરતા આવડું નથી હોવાનું જાણતો હોવા છતાં તેને ધક્કો મારી પાણીની કેનાલમાં નાખી દીધો હતો. જેથી અઝહરભાઈએ હારૂનભાઈને બચાવવા માટે પાણીની કેનાલમાં પાણી ની કેનાલમાં કૂદી પડેલ અને પાણી વધારે હોવાથી બન્ને જણા પાણીમાં ડૂબવા લાગેલ જેથી રમઝાની ખાને હારુનભાઈ અને અઝહરભાઈને બચાવવા માટે પ્રયત્નો કરેલ પરંતુ ફારૂકએ રમઝાનીને તેઓને બચવાની ના પાડેલ અને રમઝાની નજીકમાંથી દોરડું લાવી પાણીમાં નાખેલ પરંતુ દોરડું નાનું હોવાથી આ બન્ને સુધી પહોંચી શક્યું ન હતું. અને બન્ને જણા પાણીમાં ડૂબી ગયા હતા.
તે પછી રમઝાની અને ફારૂકભાઈ ત્યાંથી ચાલતા રોડ ઉપર આવી શટલ રીક્ષામાં બેસીને સરખેજ જતા રહ્યા હતા. આ બનાવથી રમઝાની ગભરાઈ ગયો હતો.જેથી કોઈને વાત કરેલ નહી અને 15 જૂને મૃતકની બહેનને સમગ્ર મામલો જણાવ્યો હતો. જેથી તેઓએ સાણંદ પોલીસમાં ફારૂકભાઈ ઉર્ફે મામા ફરીદભાઈ કુરેશી વિરુદ્ધમાં ફરિયાદ કરતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આરોપી ફારૂકભાઈ ઉર્ફે મામા ફરીદભાઈ કુરેશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.