વૃક્ષો કાપીને ‘વિકાસ’?:એકબાજુ ગૃહમંત્રી અમિત શાહ 10 લાખ વૃક્ષો વાવવાની ઝુંબેશ ચલાવે છે, ત્યારે બીજી બાજુ નળ સરોવર રોડ પહોળો કરવા 327 ઘટાદાર વૃક્ષોનો ખાતમો બોલાવશે!

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાપેલા વૃક્ષોની તસવીર - Divya Bhaskar
કાપેલા વૃક્ષોની તસવીર

એક તરફ વૃક્ષો વાવોની જાહેરાતો અને વનમહોત્સવની ઉજવણી પાછળ કરોડો રૂપિયાના ધુમાડા થાય છે અને બીજી તરફ સાણંદ–નળસરોવર રોડ ઉપર વર્ષો જૂનાં ઘટાદાર વૃક્ષોનો ખાત્મો બોલાવવાનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. કુદરતનો કચ્ચરઘાણ કાઢે તેવો વિકાસ શું કામનો?, તેવી ચર્ચા સાણંદના રહીશોમાં ચાલી રહી છે. સાણંદ –નળસરોવર રોડ કે જે રોડ રોડ છે.

સાણંદમાં વિકાસની હરણફાળ સાથે જીઆઇડીસી બાદ હવે નવી નવી રહેણાક સ્કીમોને કારણે કોન્ક્રીટનું જંગલ બની રહ્યું છે ત્યારે સાણંદમાં આંખ ઠારે તેવો એક માત્ર નળસરોવર છે જેમાં હજારો ઘટાદાર અને લીલાછમ વૃક્ષો આવેલા છે જેને કારણે અહીં લાખો પક્ષીઓ પણ વસવાટ કરે છે ત્યારે નળસરોવર રોડના વાઈડનીંગ કામને કારણે અનેક વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કરાયું છે.

એક તરફ સાણંદ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની 10 લાખ વૃક્ષો વાવવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે બીજી તરફ કુદરતી સંપત્તિ સમાન વૃક્ષોનો ખાત્મો બોલાવાઈ રહ્યો છે. એક ગણતરી મુજબ માત્ર સાણંદથી ગોરજ વચ્ચે 6 કિમીના એરિયામાં જ વર્ષો જૂના 700થી પણ વધારે ઘટાદાર વૃક્ષો આવેલા છે. આ વૃક્ષોનું નિકંદન અટકાવાય એવી સ્થાનિકો અને સ્થાનિક સંસ્થાઓની ઉગ્ર માંગણી છે .

સવા કિમીના વિસ્તારમાં 327 વૃક્ષ કપાશે
માર્ગ અને મકાન વિભાગના અધિકારી અલ્પેશભાઈ રાવતનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે નળસરોવર રોડના 1250 મીટરના વિસ્તારમાં 327 વૃક્ષ કપાશે, જેમાં વન વિભાગની સત્તાવાર મંજૂરી લેવામાં આવી છે.

પશુ-પક્ષીઓનો છાંયડો છીનવી થતો વિકાસ અમારે નથી જોઈતો
વિકાસની આંધળી દોટમાં આડેધડ કપાત વૃક્ષોની ચિંતા કરી સરકાર નવા વૃક્ષો વાવવાની જવાબદારી જે તે કંપનીને આપતી હોય છે પરતું આજ સુધી ક્યાંય આવી રોડની સાઇડમાં આવી હરિયાળી લગાવી હોય તેમ દેખાતું નથી. માનવીના સુખાકારીમાં માટે વિકાસ જરૂરી છે પરંતુ પર્યાવરણના ભોગે એ વિકાસ ગળ્યો નહીં પણ કડવો ઝેર લાગશે. અમે રોડ પહોળા થાય તેમાં અડચણ રૂપ નથી બનવા માંગતા પણ જો લોકોને વાહન વ્યવહારની ઉત્તમ સુવિધા મળે તો રોડ પરનો ટ્રાફિક આપોઆપ ઓછો થાય અને હજારો રૂપિયાનો ઇંધણનો ધુમાડો પણ ન નીકળે. જ્યાં પણ રોડ બનાવવામાં આવે ત્યાં ત્રણ વર્ષ પહેલા ત્રણ ગણા વૃક્ષો વાવવામાં આવે જેથી કાપેલા વૃક્ષોની ભરપાઈ થઈ શકે. - મનુભાઈ બારોટ,માનવ સેવા ટ્રસ્ટ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાણંદની મુલાકાતે
સાણંદ–નળસરોવર રોડ ઉપર વર્ષો જૂનાં ઘટાદાર વૃક્ષોનો ખાત્મો બોલાવવાનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરાયું છે. કુદરતનો કચ્ચરઘાણ કાઢે તેવો વિકાસ શું કામનો?, તેવી ચર્ચા સાણંદના રહીશોમાં ચાલી રહી છે. ત્યારે રાજ્યના નવા વરાયેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે સાણંદની મુલાકાતે આવી રહ્યા હોઈ સમગ્ર તંત્ર કામે લાગ્યું છે . રાજ્યના મુખ્યમત્રી શુક્રવારે સવારે સાણંદ તાલુકાના મણીપુર ખાતે સવારે ૯-૩૦ કલાકે સેવા સેતુ કાર્યક્રમમાં હાજર રહેશે ત્યાર બાદ સાણંદ શહેરમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ દાદાગ્રામ આશ્રમશાળા અને ભગીની સમાજ કન્યા છાત્રાલયની મુલાકાત લેશે.