ક્રાઇમ:રિક્ષામાં નીકળ‌ી લોડિંગ ટેમ્પોને ધક્કો મારી ચોરી કરતી ટેમ્પો ગેંગના 3 સાગરિત ઝડપાયા

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા LCBની ટીમે શીલજ પાસેથી ગેંગને ઝડપી લીધી, અસંખ્ય ચોરીના ભેદ ઉકેલાયા

સાણંદ સરખેજ હાઇવે ઉપર આવેલ ચુનારાવાસ ખાતે રહેતા પ્રકાશભાઈ ભાઇલાલભાઇ ચુનારા ગત 8 સપ્ટેમ્બરના રોજ અતુલ લોડીંગ રીક્ષા ઘરની આગળ આવેલ પંજાબ નેશનલ બેંકની બાજુમાં રોડ ઉપર પાર્ક કરી રાત્રે સુઈ ગયેલ અને 9 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે બહાર રોડ ઉપર પાર્ક કરેલ લોડીંગ રીક્ષા મળી આવેલ નહીં જેથી સાણંદ પોલીસમાં ફરિયાદ કરી હતી.

એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી. એલ.સી.બી પી.આઈ આર.જી ખાંટ, પી.એસ.આઈ જે.એમ પટેલ, પી.એસ.આઈ આર.એસ.શેલણા અને એલસીબી ટીમે ઘટના સ્થળે વીજીટ કરી, વ્યુહાત્મક જગ્યાના સેલ આઈ.ડી અને સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદાર થકી હકીકત મેળવી આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા. તે દરમ્યાન પો.કો.હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પો.કો. પ્રદીપસિંહ રાઠોડને મળેલ ચોક્કસ બાતમી આધારે એસ.પી રીંગ રોડ ઉપર આવેલ શીલજ સર્કલ નજીક થી એલસીબી પો.ઇન્સની ટીમે વોચ ગોઠવી ચોરીમાં ગયેલ ટેમ્પો રીક્ષા જેની કિંમત 1 લાખ તેમજ 3 મોબાઇલ જેની કિંમત 10500 મળી કુલ 1.10.500ના મુદ્દામાલ સાથે ટેમ્પો ગેંગના એઝાજ અખ્તરહુસેન શેખ (ઉં.30 રહે.દરજીની ચાલી અસારવા), તોશીફ ઉર્ફે ટકો ઉર્ફે રૂતવીક અખબરભાઈ ઉર્ફે બનનભાઈ શેખ/ઠાકોર (ઉં.21 રહે. એ બ્લોક નવજીવન ફ્લેટ, વટવા), મહેબુબ અબ્દુલા ચબુરીયા (ઉં.42 રહે. જહુરપુરા, મસ્જીદની સામે, ગોધરા)ને ઝડપી પાડ્યા હતા.

એલસીબી ટીમે ટેમ્પો ગેંગના ઝડપાયેલા 3 આરોપીઓની અટકાયત કરી ઘનિષ્ઠ પુછપરછમાં છેલ્લા 2 મહિનામાં અમદાવાદ શહેરના સીટીએમ કૃષ્ણનગર, સરસપુર, પોટલીયા ચોકડી, કલોલ તેમજ સાણંદ શહેરમાંથી અડધો ડઝન લોડીંગ ટેમ્પો રીક્ષાની ચોરી કરી હતી. તમામ ટેમ્પો રીક્ષા ગોધરા ખાતે વેચી નાખી તેના પૈસા મોજ શોખમાં વાપરી નાખેલ હોવાની વિગત બહાર આવી છે. ઝડપાયેલા ટેમ્પો ગેંગના આરોપીઓએ અમદાવાદના ખોખરા પો.સ્ટે. ખાતે 1, ગોમતીપુર 1, કલોલ 2, તેમજ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે 1 મળી કુલ 5 ગુના નોધાયેલાની હકીકત હાલ તપાસમાં આવી હતી. ટેમ્પો રીક્ષાને ધક્કો મારવાથી ચાલુ થતી હોવાથી સહેલાઇથી ચોરી થઇ શકે અને માર્કેટમાં લોડીંગ વાહનની માગ વધુ હોઈ આરોપીઓ ફક્ત અને ફક્ત લોડીંગ ટેમ્પો રીક્ષાની ચોરી કરતા જેથી આ ટેમ્પો ગેંગ તરીકે કુખ્યાત છે. આરોપીઓ પોતાની પેસેન્જર રીક્ષામાં નીકળતા અને પાર્ક થયેલ લોડીંગ ટેમ્પો રિક્ષાને ધક્કો મારી થોડે દુર લઇ જઈ ચાલુ કરી ચોરી કરી ફરાર થઇ જતા હતા.

અન્ય સમાચારો પણ છે...