સાણંદ તથા આસપાસમાં ઈંગ્લીસ દારૂનો વેપલો વધ્યો હોવાનું પોલીસને ધ્યાને આવતા પોલીસે સાણંદ કાણેટીરોડ પર, તેલાવ અને ચાંગોદાર છાપો મારી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે 3 ઈસમને દબોચી લીધો હતો. આ અંગે સાણંદ અને ચાંગોદર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ પોલીસને બાતમી મળી હતી કે સાણંદથી કે.ડી.ફાર્મ થઇ કાણેટી ચોકડી ખાતે એક વાદળી કલરના એક્ટીવામાં ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલો લઇ નીકળનાર છે.
જેથી શનિવારે રાત્રે પોલીસે વોચ ગોઠવી રાહુલ વજાજી ઠાકોર ઉ.વ.૨૦ (હાલ રહે.શેલા મૂળ.વિરસોડા મહેસાણા)ને પકડી લઈ એકટીવાની ડેકીમાંથી 2 નંગ બોટલો જેની કીં.રૂ.૧૦૦૦ અને એક્ટિવા જેની કિં.૩૦૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે પકડેલ રાહુલ વજાજી ઠાકોરની પૂછપરછ કરતાં વિદેશી દારૂની બોટલો ભાટિયા વાસમા રહેતો રવી ભોપાભાઇ ઠાકોરએ આપેલ હોવાનું સામે આવતા સાણંદ પોલીસે ૨ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ ચાંગોદર પોલીસને બાતમી મળેલ કે એક ઇસમ ચાગોદર ગામ રેલ્વે ફાટક પાસે થેલો લઇને ઉભો રહેલ છે જેની પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે જેથી પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરી મનીષકુમાર હસમુખભાઈ ઠાકોર (હાલ રહે.સનસાઈન એસ્ટેટ ચાંગોદર મુળ રહે. ઉપરીયાડા ગામ તા.પાટડી)ને પકડી લઈ થેલામાથી એક વિદેશી દારૂની બોટલ જેની કિં.રૂ.૫૦૦ના મુદ્દામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
જ્યારે રવિવારે સાંજે સાણંદ પોલીસે બાતમી મળેલ કે તેલાવ ગામે કાશીન્દ્રા વાસમાં રહેતો રાજેશ ગોપાલ ઠાકોર પોતાના ઘર ભારતીય બનાવટના વિદેશીદારૂનું વેચાણ કરે છે જેથી પોલીસે છાપો મારી વિદેશી દારૂની ૧૨ નંગ બોટલો જેની કીં.રૂ.૬૦૦૦ના મુદ્દામાલ સાથે રાજેશ ગોપાલ ઠાકોરને પકડી લઈને તેના વિરુદ્ધ સાણંદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
તેમજ વધુમાં દારૂ કોની પાસેથી ક્યારે લાવ્યો અને કેટલા સમયથી વેચાણ કરતો હતો તેની પોલીસે તપાસ હાથ ધરી છે.આમ પોલીસે અલગ અલગ ત્રણ સ્થળોએ રેડ કરતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. નોંધનીય છે કે સાણંદ આજુબાજુમાં મોટાપાયે દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ ચાલે છે તાજેતરમાં સાણંદના સોયલા, મૌરૈયા, ચા.વાસણા ગામ નજીક બુટલેગરો થેલામાં ઈંગ્લીસ દારૂ રાખી વેપલો કરતાં પોલીસે દબોચી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.