હવામાન:સાણંદ પંથકમાં શનિવાર સાંજથી રવિવાર સુધીમાં 3 ઈંચ વરસાદ: બાવળામાં 1 કલાકમાં સવા ઈંચ

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં મોસમનો 50% વરસાદ: અસલાલી માર્ગ પર પાણી ભરાતાં એક સાઈડ બંધ કરાઈ

સાણંદ પંથકમાં શનિવારે સાંજથી રવિવાર સુધી 3 ઇંચ પાણી વરસી ગયું હતું. ગ્રામ્ય વિસ્તારના કેટલાક રસ્તાઓમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. બાવળા શહેર અને તાલુકામાં શનિવારે રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. 1 કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારો અને રોડ - રસ્તાઓ ઉપર પાણી ભરાય જવા પામ્યા હતા.શનિ રવિ મેઘરાજાએ ધમાકેદાર ધોધમાર વરસતા અમદાવાદ મુંબઈ હાઇવે અસલાલી માર્ગ પર પાણી ભરાઈ જતા એક સાઈડનો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો.

સાણંદ: સાણંદ શહેર અને તાલુકા વિસ્તારમાં શનિવારે સમી સાંજે શરૂ થયેલ ઝરમર વરસાદ રાત્રીથી સવાર સુધી ચાલુ રહેતા 53 મીમી વરસાદ પડ્યો હતો. આ સાથે મોસમનો કુલ 50% જેટલો વરસાદ વરસી ગયો છે. રવિવારે પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સાણંદ પંથકના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા. હવે જો સતત વરસાદ ચાલુ રહે તો ખેતીમાં સમયસર વાવેતર થાય નહીં અને થયેલું વાવેતર પણ ડૂબમાં જાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવે તેમ હોવાથી ખેડૂતો હવે વરાપ નીકળવાની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ કાયમની જેમ ચાંગોદર નેશનલ હાઇવે પર પાણી ભરાયા હતા જે વરસાદ બંધ રહેતા ઉતરી ગયા હતા. સરી ગામથી નેશનલ હાઈ-વેને જોડતા રોડ ઉપર ઢીંચણ સમા પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

બાવળા : બાવળા શહેર અને તાલુકામાં શનિવારે રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. 1 કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જવા પામ્યા છે. બાવળામાં ગર્લ્સ સ્કૂલ રોડ પર ડિવાઇડર પણ ડૂબી જવા પામ્યા હતાં અને 3થી 4 ફૂટ પાણી ભરાઇ જવાથી વાહન ચાલકો અને રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકા બહારનાં રોડ ઉપર, ગોરવ પથ રોડ, ન્યૂ રજોડા રોડ ઉપર, બળીયાદેવ વિસ્તારમાં, કુમાર શાળા પાછળ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. તેમજ રેલ્વેનાં બંને અંડરગ્રાઉન્ડ બ્રિજમાં પણ પાણી ભરાઇ જવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...