સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ એક વખત વીજ ચોરી અટકાવવા માટે વીજ તંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુરુવારે વહેલી સવારથી 10 જેટલા વાહનો સાથે અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અલગ 14 જેટલા ગામોમાંથી 75 લોકો વીજ ચોરી કરતાં પકડાતા તંત્ર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાણંદ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરીની વ્યાપક રાવ ઉઠતા યુજીવીસીએલ ટીમે ગુરુવારે સવારે 6 કલાકે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
લોકો સવારે મીઠી નિંદ્રામાં હતા ત્યારે સાણંદના ખીંચા, ગોકુળપૂરા, જબૂથલ, વડનગર,વસોદરા, રૂપાવટી, ફાંગડી, લેખંબા,વીંછિયા, શ્રીનગર, હિરજીનું પરુ, ગોરજ, રણમલગઢ, કોદારિયા વગેરે ગામોમાં વિજિલેન્સની 18 ટિમ અને સાણંદ, બોપલની 7 ટીમો મળી કુલ 24 ટીમોના અધિકારીઓ અને કર્મચારીઓએ દરોડાની કામગીરી શરૂ કરી હતી.
જેમાં આશરે રૂ. 26 લાખની વીજ ચોરી પકડાઈ છે. 75 જેટલા કનેક્શનમાં ચોરી પકડાતાં તેઓના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી તંત્ર કરશે. વીજ કંપનીના ચેકિંગમાં 3 ગાડીઓ સાથે પોલીસ ટિમ પણ જોડાઈ હતી. વીજ કંપનીની દરોડાની કાર્યવાહીને પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, વીજચોરીને સંપૂર્ણ પણે ડામવા માટે આગામી સમયમાં વીજ કંપની દ્વારા સાણંદ તાલુકામાં કડક હાથે કાર્યવાહી કરવા દરોડાની પ્રક્રિયા ચાલુ રખાશે. તેવું યુજીવીસીએલ સૂત્રોએ જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.