શિયાળો જામ્યો છે. ઠંડીમાં તસ્કરો રહેણાક મકાનોને નિશાન બનાવી રહ્યા છે જેમાં સાણંદના ચાંગોદર વિસ્તારમાં ચોરીની વધુ એક વખત રાવ ઉઠી છે. ચાંગોદરના આર.જી.સિટી મોલની અન્નપુર્ણા પાર્લરના તાળું તોડી દુકાનમાથી રોકડ રૂ.1.50 લાખની ચોરી કરી ચોરી ઇસમો ફરાર થયા હતા. અને ચોરે જતાં જતાં સીસીટીવીમાં જોઈ ઈશારો કરી જાણે હિંમત હોય તો પકડી લેવાનો ખુલ્લો પડકાર ફેકયો હતો.
સમગ્ર ઘટના એવી છે કે સાણંદ તાલુકાનાં ચાંગોદર જી.આઇ.ડી. સી. એવા સરખેજ બાવળા હાઇવે પર આવેલ આર.જી.સિટી મોલમાં અન્નપુર્ણા પાર્લર નામની દુકાન ભલાભાઈ વિરમાજી ચૌધરી ચલાવી રહ્યા છે. અને દૂધનું વેચાણ કરે છે. 6 જાન્યુઆરી સવારે આશરે 5:30 કલાકે દૂધના કેરેટ ઉતારવા આવેલ કાળુભાઇને જાણ થતાં ભલાભાઈને જાણ કરી હતી. જેમાં દુકાનનું શટર તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. ઘટના બનતા ભલાભાઈ તાત્કાલિક દોડી આવી ચેક કરતાં ધંધાના 50 હજાર અને એક ઓર્ડરના એડવાન્સ લીધેલ 1 લાખ મળી કુલ રૂ.1.50 લાખ રોકડની ચોરી થઈ હતી.
દુકાનના સીસીટીવી ચેક કરતાં ચોર ઇસમો દુકાનમાં ચોરી કરતાં જોવા મળ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ જાણે ચોરને પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ આ ચોર ઇસમે દુકાનના સીસીટીવીમાં જોઈ જાણે હિંમત હોય તો પકડી લેવાનો ઈશારો કરી ખુલ્લો પડકાર ફેકયો હતો. ચોરીની ઘટના બનતા ચાંગોદર પોલીસને જાણ કરી હતી.
આમ છેલ્લા ઘણા સમયથી સાણંદ અને ચાંગોદર વિસ્તારમાં ચોરીઓ થવાની રાવ ઉઠી છે અને અનેક વખત ચોર ટોળકીના સીસીટીવી સામે પણ આવ્યા છે પણ હજી સુધી આવી ચોર ટોળકી પોલીસની પકડથી દૂર છે. જેને લઈને સ્થાનિક લોકોએ પોલીસ પેટ્રોલીંગ વધારવા આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.