સાણંદ પોલીસે બાતમીના આધારે છારોડી અને પોપટપુરા ગામે છાપો મારી નશાકારક કફ સિરપના જથ્થા સાથે એક ઈસમને પકડી કુલ 3 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સાણંદ જીઆઈડીસી પોલીસના પો.કો દીલાવરસિંહ હમીરસિંહને બાતમી મળી હતી કે, છારોડીના સલીમભાઈ હમજીભાઈ વાઘેલા પોતાના રહેણાંક મકાનમાં નશાકારક કોડેઈનયુક્ત કફ સિરપની બોટલો ગેરકાયદેસર રીતે કબજામાં રાખીને તેનું ઉંચા ભાવે આર્થિક ફાયદા માટે વેચાણ કરે છે.
જેથી પીઆઈ જે. આર. ઝાલા, એએસઆઈ રાજુભાઈ કનુભાઈ, હે.કોન્સ. કુલદીપસિંહ કમલસિંહની ટીમે બાતમી વાળા સ્થળે છાપો માર્યો હતો. તેમણે રહેણાંક મકાનમાંથી નશાકારક કોડેઈનયુકત કફ સિરપની 142 નંગ બોટલો જેની કિંમત રૂ. 24,850નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેડમાં સલીમભાઈ હમજીભાઇ વાઘેલા ત્યાં હાજર ન હોવાથી જીઆઈડીસી પોલીસે તેના વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી તેને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય બાતમી પ્રમાણે પોપટપુરામાં રહેતો સવઘણભાઈ ભાવુભાઈ કો.પટેલ અમુક પ્રકારની નશાકારક કફ સિ૨૫ની બોટલો રાખી વિહત માતાજીના મંદિર સામે લાલ કલરના શર્ટમાં છુપાઈને વેચાણ કરતો હતો. જેથી પી.આઈ આર.એ. જાદવ સહિતની ટીમે રેડ કરીને સવઘણને પકડી લીધો હતો અને રૂ. 525ની કફ સિરપની 3 બોટલો જપ્ત કરી હતી. તેણે પોતે રસિકભાઇ કો.પટેલ (રહે.પોપટપુરા) પાસેથી બોટલ મેળવી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને રસિકભાઈને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.