ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સાણંદમાં 18 દિવસથી વાઇરલ તાવના 100 કેસ ,આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ગંદકી અને ઠેરઠેર પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ
  • વરસાદ બંધ થયો છે ત્યારે કેટલાક જાહેર સ્થળોએ જામેલ ગંદકીના ઢગ સામે પાલિકા તંત્રએ સ્વચ્છતા અભિયાન શરૂ કરવું જરૂરી બન્યું છે, જંતુનાશક દવાનો જથ્થો ગોડાઉનમાં બંધ

સાણંદ વિસ્તારમાં કેટલાક દિવસથી વાદળછાયા હવામાન અને વરસાદી માહોલના પગલે હાલ વાઈરલ તાવ અને ડેન્ગ્યુ તેમજ જાણે ભરડો લીધો હોય તેમ ઘેર-ઘેર માંદગીના ખાટલા છે. ત્યારે મોટી સંખ્યામાં બાળકો થી માંડી આબાલવૃદ્ધ આ બીમારીમાં પટકાયા છે. ત્યારે બીજી તરફ શહેર અને ગ્રામ્યના અનેક વિસ્તારમાં જાહેરમાં ગંદકી અને વરસાદી પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે.

સાણંદ મોટી હોસ્પિટલો કે પછી પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા ડોક્ટર્સનાં કલીનીક તમામ જગ્યાએ રોજ સવારથીજ દર્દીઓની મસ મોટી કતારો લાગી રહી છે. દિવ્ય ભાસ્કરે આ અંગે પ્રાઇવેટ લેબ, કલીનીક તેમજ ખાનગી દવાખાનાઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ લેતા છેલ્લા 18 દિવસમાં વાઈરલ તાવના દરરોજના 100થી પણ વધુ કેસો નીકળ્યા છે. ત્યારે રહીશોમાં ફફડાટ ફેલાયો છે. અને વળી ડેન્ગ્યુના 10 જેટલા કેસો સામે આવ્યા છે. સાણંદના મોટા ભાગના દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. શહેર અને ગ્રામ્યકક્ષાએ ઠેરઠેર વરસાદી પાણીના ખાબોચિયાં ભરેલ છે જેમાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. સાણંદના નળ સરોવર ત્રણ રસ્તાના લવકુશ ફ્લેટ નજીક જાહેર રોડઉપર વરસાદી પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળ્યો છે.

નગરપાલિકા તંત્ર દ્વારા હજી સુધી ફોગીંગ કે જતુંનાશક દવાનો છંટકાવ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી નથી. તેથી શહેરીજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પાણી ભરેલ ખાબોચિયાંમાં બળેલા ઓઈલનો છંટકાવ કરવો જોઈએ તેમજ ખુલ્લા પ્લોટોમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થયા ત્યાં સુધી પોરાભક્ષક માછલીઓ છોડીને મચ્છરોના ઉપદ્રવને અટકાવો જોઈએ. પણ હાલ વરસાદ બંધ થયો છે ત્યારે કેટલાક જાહેર સ્થળોએ જામેલ ગંદકીના ઢગ સામે પાલિકા તંત્રએ સ્વચ્છતા અભિયાન શરુ કરવું જરૂરી છે. જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી છે. પણ પાલિકા તંત્રના ઘોડાગાડી પાસેના ગોડાઉનમાં જંતુનાશક દવાનો જથ્થો શોભાના ગાઠીયા સમાન પડ્યો છે. ત્યારે આ જંતુનાશક દવાનો છંટકાવ ક્યારે કરશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...