અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:ચાઈનીઝ દોરીઓનું વેચાણ કરતા બે આરોપીઓ ઝડપાયા, કોર્પોરેશનના કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાય સમયથી ચાઈનીઝ દોરીના વેચાણને લઈને પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાવતા પર કેસ કરવામાં આવ્યો હતો તથા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે ઝોન-1 ડીસીપીના એલસીબી દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ કરતા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. બંને વ્યક્તિઓ પાસેથી 26 રીલ પણ કબજે કરવામાં આવી છે.

આરોપીઓ પાસેથી 26 રીલ કબજે કરવામાં આવી
ઝોન-1 ડીસીપીના એલસીબીએ બાતમીના આધારે ગોતા વીર સાવરકર હાઈટસ ખાતે રહેતા અક્ષય પટેલ તથા મિલન મિસ્ત્રીની ચાઈનીઝ દોરીના રીલ સાથે ધરપકડ કરી છે. ચાઈનીઝ દોરી વેચવી પ્રતિબંધિત હોવા છતાં બંને આરોપીઓ પાસેથી 26 રીલ કબજે કરવામાં આવી છે. 6,500ની ચાઈનીઝ દોરી કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કોર્પોરેશનના કર્મચારીઓ જાનથી મારી નાખવાની ધમકી
હાઇકોર્ટ વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ આર.સી ટેકનીકલ પાસે રસ્તે રખડતી ગાયને પકડી ડબ્બામાં પુરવા જતા હતા. ત્યારે બાઈક પર બે અજાણ્યા વ્યક્તિઓ લાકડી લઈને ત્યાં આવ્યા હતા. કોર્પોરેશનની ટીમના એસ.આઈ વેદાંગ પટેલ તથા અન્ય કર્મચારીઓ સાથે તકરાર કરી રહ્યા હતા. આ દરમિયાન એક શખ્સે ધમકી પણ આપી હતી કે હવે આ વિસ્તારમાં દેખાવા ના જોઈએ. જો ક્યાંય દેખાશો તો તમને જાનથી મારી નાખીશું. આસપાસ લોકોનું ટોળું પણ ભેગું થયું હતું. જેથી પોલીસને જાણ કરતા લોકો વિખરાઈ ગયા હતા. જોકે ધમકી આપીને તકરાર કરી રહેલા બંને શખ્સ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...