યુવરાજના ‘હર્ષ’નાં આંસુ:પેપર લીક મામલે યુવાનોનો 'હીરો' બનનાર યુવરાજસિંહના 72 કલાકમાં આંદોલનના અલ્ટિમેટમનું સુરસુરિયું, હવે સરકાર પર ભરોસો

એક મહિનો પહેલા
  • પરીક્ષા રદ કરવાની જાહેરાત વેળાએ હર્ષ સંઘવીની અસિત વોરાને પરોક્ષ ક્લીન ચિટ છતાં યુવરાજસિંહે ગૃહ રાજ્યમંત્રીની પ્રશંસા કરી
  • વારંવાર 72 કલાકના અલ્ટિમેટમનું યાદ દેવડાવ્યું તોપણ યુવરાજસિંહનું રટણ-"સરકારની તપાસ પર ભરોસો રાખવો જોઈએ"

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કના પેપર લીકના પુરાવા રજૂ કરીને હીરો બનવા નીકળેલો યુવરાજસિંહ 72 કલાકમાં ઝીરો થઈ ગયો હતો. પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની હકાલપટ્ટીની માગ કરનાર યુવરાજસિંહે એકાએક ‘હર્ષ’ના બોલ બોલવા લાગ્યો હતો. એટલું જ નહીં, સરકારની તપાસ કામગીરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કુનેહને વખાણી હતી તેમજ તપાસ નિષ્પક્ષ હોવાનું રટણ કર્યું હતું.

વિદ્યાર્થી નેતા અસિત વોરાને બદલે હર્ષ સંઘવીને મળ્યા હતા
હેડ ક્લાર્કના પેપર લીકના મામલે પુરાવા આપીને તપાસની માગણી કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છેલ્લા કેટલાક દિવસથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સાથે વાત કરવાને બદલે સીધા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે પહોંચી ગયા હતા. તેમની સાથેની બેઠક બાદ આ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે તપાસ નિષ્પક્ષ અને અસરકારક થશે તેવો રાગ અલાપતા હતા, જેને પગલે આજે ગૃહ રાજ્યમંત્રીએ આજે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતાં જ યુવરાજસિંહ 72 કલાક બાદ જાહેરમાં દેખાયા હતા.

પેપર લીક થયાનો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યો હતો.
પેપર લીક થયાનો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યો હતો.

પત્રકારો સમક્ષ હર્ષ સંઘવીનાં ભરપૂર વખાણ
ગાંધીનગર અખબાર ભવન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીની જાહેરાતને સહર્ષ સ્વીકરતા હોય તેમ તપાસથી સંતોષ માન્યો હતો. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીને પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સાહેબથી સંબોધન કર્યું હતું. ગૌણ સેવા પસંદગીના ચેરમેન સામે પગલાં ભરવાની વાતને પણ તેમણે હળવાશથી લઈને તપાસમાં જે જવાબદાર નીકળે તેની સામે કડક પગલાં ભરવા જોઈએ એવી માગ કરી હતી.

આપના વિરોધનો પણ વિરોધ કર્યો
સોમવારે 20મી ડિસેમ્બરે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ હેડ ક્વાર્ટર કમલમ ખાતે થયેલા વિરોધ પ્રદર્શનને પણ યુવરાજસિંહે અયોગ્ય ગણાવ્યું હતું. એટલું જ નહીં, વિરોધ કરવા માટે સરકારી ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવાની સોનેરી સલાહ આપી હતી.

જાડેજાએ મંડળના સચિવ પરમારને પુરાવા આપ્યા હતા
12 ડિસેમ્બરે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક 9 ડિસેમ્બરે થવાની ઘટનાથી રાજ્યના 88 હજાર બેરોજગારોનું ભવિષ્ય બગડ્યું છે. આ પેપર લીક થયું હોવાનો સૌથી પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઘટસ્ફોટ કર્યો હતો તેમજ યુવરાજસિંહે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ પરમાર સાહેબને પુરાવાઓ પણ આપ્યા હતા. આમ છતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા પુરાવા ન હોવાનું કહી લૂલો બચાવ કરી રહ્યા હતા. જોકે બીજા દિવસે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ પેપર ફૂટ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ યુવરાજસિંહે અસિત વોરાને જો ચેરમેનપદેથી હટાવવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બિલાડીને જ કહીએ કે તું દૂધનું ધ્યાન રાખજે એના જેવું છે. યુવરાજસિંહે અસિત વોરા સામે આરોપ લગાવ્યો હતો.

અસિત વોરાને યુવરાજસિંહે પુરાવા સાથે આવેદન આપ્યું હતું.
અસિત વોરાને યુવરાજસિંહે પુરાવા સાથે આવેદન આપ્યું હતું.

યુવરાજસિંહ જાડેજાએ પુરાવા આપ્યા હતા
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવા પસંદગી મંડળને કેટલાક પુરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજસિંહે જણાવ્યું હતું કે તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી એની ગોપનીયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી હતી.

પેપરની નકલ 10થી 15 લાખ રૂપિયામાં વેચવાની હતી
પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને તેને 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વીસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમનાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી.

186 જગ્યા પર ભરતી યોજાઈ હતી
કોરોનાને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. હેડ ક્લાર્કની 186 જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરનાં 6 શહેરમાં 782 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં 88 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે અગાઉ કોરોનાને કારણે મોકૂફ રખાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...