ઊર્જા વિભાગનું ભરતીકૌભાંડ:યુવરાજસિંહનું ટ્વીટ- 'પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત..', 'વ્યાપમ નહીં, મહાવ્યાપક' નામથી સોશિયલ મીડિયામાં કેમ્પેન

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊર્જા વિભાગની ભરતીપ્રક્રિયામાં 21 લાખમાં ઉમેદવારોને ઓનલાઇન પાસ કરાય છે
  • પરીક્ષા ઓનલાઇન લેવાય છે, જેમાં પટેલ, ચૌધરી પટેલ અને પ્રજાપતિ સમુદાય જ જોવા મળશે - યુવરાજસિંહ

ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા AAPના નેતા યુવરાજસિંહ દ્વારા ગઈકાલે વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતીપ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડમાં જે વચેટિયાનું નામ યુવરાજસિંહે લીધું છે તે અવધેશ પટેલ ધનસુરાના ભાજપ યુવા મોરચાનો મહામંત્રી છે. એ બાદ આજે યુવરાજસિંહે 'પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.......' એવું ટ્વીટ કર્યું છે, જે બાદ એવું લાગી રહ્યું છે કે હજુ પણ આ કૌભાંડમાં અનેક મોટાં માથાંનાં નામ સામે આવી શકે છે. સાથે #વ્યાપમ_નહીં_મહાવ્યાપક નામથી સોશિયલ મીડિયા પર નવું કેમ્પેન પણ શરૂ કરવામાં આવ્યું છે.

રૂ.21 લાખ લઈ ઉમેદવારોને પાસ કરાતા હતા: યુવરાજસિંહ
રાજ્ય સરકારના ઊર્જા વિભાગ હસ્તકની ચાર વીજ વિતરણ કંપનીઓ અને જેટકોમાં જુનિયર એન્જિનિયરની ભરતી માટેની પરીક્ષા ચાલુ હતી એ જ વખતે વિદ્યાર્થી નેતા અને હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યાનું જાહેર કરનારા યુવરાજસિંહ જાડેજાએ વીજ કંપનીઓની ભરતીમાં ચોક્કસ સમાજના ઉમેદવારોને રૂપિયા લઈને પાસ કરાવવાનું કૌભાંડ ચાલતું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જુનિયર એન્જિનિયરની ભરતી માટેની ઓનલાઇન પરીક્ષામાં 21 લાખ રૂપિયા લઈને ઉમેદવારોને પાસ કરાતા હોવાની માહિતી યુવરાજસિંહે ગઈકાલે જાહેર કરી હતી. તેમણે વચેટિયાઓનાં નામ પણ જાહેર કર્યાં હતાં, જે પૈકી કેટલાંક પરીક્ષા કેન્દ્રો પર હાજર હોવાની માહિતી તેમના વાહનનંબર સાથે જાહેર કરી હતી.

'યુવાનોને પાસ કરાવીને નોકરી અપાવવાનું ષડ્યંત્ર'
યુવરાજસિંહે કહ્યું હતું કે જેટકોની જુનિયર એન્જિનિયરની પરીક્ષામાં પણ ગેરરીતિ ચાલી રહી છે. પ્રાંતિજ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર મિતુલ પટેલ નામનો ઉમેદવાર હાજર હતો, જેનો કાર નં. જીજે-9એજી-0393 છે. ઉપરાંત આકાશ પટેલ, મહેન્દ્ર પટેલ, ઇશ્વર પટેલનાં નામ પણ જાહેર કર્યાં હતાં. આ પરીક્ષામાં પટેલ, ચૌધરી અને પ્રજાપતિ સમાજના યુવાનોને પાસ કરાવીને નોકરી અપાવવાનું ષડ્યંત્ર હોવાનો આક્ષેપ યુવરાજસિંહે કર્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ જ સમાજના સૌથી વધુ ઉમેદવારો પાસ થઈને આવશે.

'બેઠક નંબર એક જ સિરીઝમાં 6 ઉમેદવાર ટોપ 6માં આવ્યા'
ઊર્જા વિભાગ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં થયેલી ભરતીઓમાં વ્યાપક ગેરરીતિ થઈ છે. જેટકોમાં એક જ ગામ બાયડના ચોઇલા ગામના 18 યુવાનને નિમણૂક અપાઈ છે, જે સીધી રીતે શક્ય નથી. બેઠકનંબર એક જ સિરીઝમાં હોય તેવા 6 ઉમેદવાર મેરિટ લિસ્ટમાં ટોપ 6માં આવ્યા હતા. આ તમામના નંબર સિરિયલવાઇઝ ટોપ મેરિટમાં કેવી રીતે આવી શકે એ પ્રશ્ન છે. યુવરાજસિંહે પરીક્ષામાં પૈસા આપીને પાસ થયેલા કેટલાક ઉમેદવારોનાં નામ પણ જાહેર કર્યાં હતાં. આ ગેરરીતિઓમાં અરવલ્લી જિલ્લાનો બાયડ વિસ્તાર એપી સેન્ટર છે. ઊર્જા વિભાગ દ્વારા ઓનલાઇન પરીક્ષાના સંચાલન માટે મહારાષ્ટ્રની એનએસઇઆઇટી કંપનીને કામગીરી સોંપવામાં આવી છે. કંપનીના કર્મચારીઓ અને વીજ કંપનીના અધિકારીઓ પણ આ ગેરરીતિમાં સામેલ હોવાનો આક્ષેપ કરાયો છે.

સેટિંગવાળા ઉમેદવારને આ રીતે પાસ કરાય છે
ઊર્જા વિભાગ ઓનલાઇન એમસીક્યુ આધારિત પરીક્ષા લે છે. યુવરાજસિંહના આક્ષેપ મુજબ જે ઉમેદવાર સાથે રૂપિયાની લેવડદેવડ થઈ હોય તેનો સીટનંબર કંટ્રોલ રૂમમાં આપી દેવાય છે. આ ઉમેદવારે માત્ર કમ્પ્યુટર સામે બેસવાનું હોય છે. તેના ઓનલાઇન પેપરમાં કન્ટ્રોલ રૂમમાંથી સાચા વિકલ્પ પર આપોઆપ ટિક માર્ક થઈ જાય છે. ઉમેદવારો પાસેથી એક લાખ એડવાન્સ લેવાય છે.

કૌભાંડ આચરનારા વચેટિયાનાં નામ જાહેર કર્યાં
યુવરાજસિંહે કહ્યું હતું કે વચેટિયામાં બાયડના ભાજપના યુવા મોરચાનો મહામંત્રી અવધેશ પટેલ મુખ્ય છે. ઉપરાંત અરવિંદ પટેલ, પ્રજાપતિ શ્રીકાંત શર્મા- વડોદરા, ટ્યૂશન ક્લાસના સંચાલક અજય પટેલ, શિક્ષક હર્ષદ નાઇની ભૂમિકા છે.

સીએમએ તપાસના આદેશ કર્યા, પણ પરીક્ષા ચાલુ રખાઈ
યુવરાજસિંહે ટૂંકા ગાળામાં બીજું ભરતીકૌભાંડ બહાર પાડતાં સરકારમાં પણ ખળભળાટ મચી ગયો હતો. આ આક્ષેપોને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ કર્યા હતા. જોકે પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું હતું કે જે આક્ષેપો થયા છે એની તટસ્થ તપાસ થશે અને તથ્ય જણાશે તો કસૂરવારો સામે પગલાં લેવાશે. જેટકોની પરીક્ષા વધુ કડકાઈથી ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...