ગાંધીનગરમાં પોલીસ સાથે ઘર્ષણના કેસમાં જેલમાંથી 11 દિવસ બાદ છૂટેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ અમદાવાદમાં પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, યુવાનો, પરિવારોએ સંઘર્ષમાં સાથ આપ્યો એમનો હું આભાર કરું છું. 11 દિવસ જેલવાસ કર્યો અને પડકારોનો સામનો કર્યો. તમામ વિદ્યાર્થીઓ, યુવાનો, સર્વ સમાજ, રાજકીય પાર્ટીઓ, સેના-સમિતિઓ અને પરિવારો તેમજ મીડિયાનો પણ આભાર માનું છું. બિનસચિવાલયની પરીક્ષા આવી રહી છે. ક્યાંય પણ નાની મોટી ગેરરીતી ન થાય તેના માટે યુવા નવનિર્માણ સેના શરૂ થશે એ પહેલાં જ અમે ગેરરીતી થઈ શકે તેની જાણ કરીશું. અમારી પાસેના જે ઇનપુટ હશે તે પોલીસને અને સરકારને આપીશું.
'આગામી દિવસોમાં ચોક્કસ ખુલાસો કરીશ'
તમામ પાર્ટીના સંગઠનો છે પરંતુ જ્યારે અવાજ ઉઠાવીએ ત્યારે રાજકીય મુદ્દો કરી અને રાજકરણ થાય છે. જેથી કોઈ રાજકારણ ન થાય તેના માટે બિનરાજકીય રીતે યુવાનો, વિદ્યાર્થીઓના પ્રશ્નો રજૂ થાય તેના માટે આ સંગઠન બનાવ્યું છે. આવનાર સમયમાં યુવાનોના પ્રશ્નો અને માગને લઈ અવાજ ઉઠાવીશું, જેથી સત્તાપક્ષને તકલીફ પડશે. અમે આંદોલન અને વિરોધ પણ કરીશું. આવનારી ચૂંટણીમાં પ્રભાવ પડશે. આગામી સમયમાં વ્યક્તિગતપણે લાગશે અને વેદનાને વાચા આપવા ચૂંટણી લડવી જોઈએ તો હું ચોક્કસ લડીશ.ચૂંટણી લડવાનો મારો વ્યક્તિગત નિર્ણય હશે. કોઈ પક્ષ, પાર્ટી, સંગઠન કે સેનાનો નહિ હોય. 10મીએ ભૂતકાળમાં ભરતી પ્રક્રિયા મામલે હું મોટો ખુલાસો કરવાનો હતો પરંતુ તે પહેલાં મારી ધરપકડ થઈ હતી. પરંતુ હું આગામી દિવસોમાં હું ચોક્કસ પ્રેસ કોનફરન્સ કરી ખુલાસો કરીશ.
'અમારે કોઈને મારવા નહિ, બચાવવાનો ઈરાદો હતો'
યુવાહિત, રાષ્ટ્રહિત માટે નવા અભિયાનની શરૂ કરી રહ્યા છીએ. યુવાનો, વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે બિનરાજકીય રીતે રજૂ કરવા આજે યુવા નવનિર્માણ સેનાની જાહેરાત કરીએ છીએ. ગુજરાતના બેરોજગાર યુવાનો ના મંતવ્યોથી રાજ્યના યુવાનોના હક અધિકાર અને ન્યાય માટે લડવા આ સંગઠન બનાવ્યું છે. અત્યારે જેલમાંથી બહાર આવી જે ઘટનાક્રમ જોયો એમાં અમારે કોઈને મારવા નહિ પરંતુ બચાવવાનો ઈરાદો હતો. પરંતુ જે રીતે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. અમે કાયદાકીય રીતે લડીશું.
'LRD પરીક્ષા મામલે CCTV તપાસ કરીશું'
LRD પરીક્ષામાં થયેલી નાની મોટી છેતરપિંડીના મામલાની ફરિયાદ આવી છે. જે મામલે અમે હસમુખ પટેલને રજુઆત કરી ત્યાંના સીસીટીવીની તપાસ કરીશું. પહેલા અમે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ અને ગૃહમંત્રીને રજૂઆત કરી મીડિયામાં જાહેર કરીશું. તેઓએ જણાવ્યું હતું કે, યુવા નવનિર્માણ સેના રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષા પર શિક્ષિત યુવાનોના હક, અધિકાર અને ન્યાય માટે બિનરાજકીય લડત આપતા સંગઠન તરીકે કામ કરશે.
'બેરોજગાર યુવાનોના હક્ક માટે સંગઠન કાર્ય કરશે'
દરેક સમાજના યુવાનો એક મંચ પર રહી રાષ્ટ્રહિતમાં ભારતને સાચા અર્થમાં વિશ્વગુરુ બનાવવા એક પણ યુવાન શિક્ષા પ્રાપ્તિ વગર રહી ન જાય અને શિક્ષિત બેરોજગાર યુવાનોને પોતાના હક્કની નોકરી મળે તે માટે આ સંગઠન કાર્ય કરશે. આ સંગઠન પહેલા વિનંતીથી કોઇ પણ સરકાર સમક્ષ પોતાની રજુઆત કરશે. ત્યારબાદ આવેદન પત્ર આપી પોતાનો હક માંગશે અને તેમ છતાં પણ જો કોઈ પરીણામ નહી મળે તો વિરોધ પ્રદશન કરીને પણ શિક્ષિત યુવાનોનો અવાજ બની ન્યાય અપાવશે. શિક્ષિત બેરોજગાર યુવાનોના હક અને અધિકાર માટેની યુવા અધિકાર ન્યાય ચળવળ અને જનજાગૃતિ આ સંગઠનના માધ્યમથી ચાલુ જ રહેશે. યુવાનોનું આ સંગઠન ગુજરાતના યુવાનોનો અવાજ બનશે. બેરોજગાર યુવાનોના ન્યાય, અધિકાર, વેદના, વ્યથા માટે દરેક રાજકીય પાર્ટીના આગેવાનોએ આગળ આવી બોલવું જોઈએ. યુવાનો પોતાનો હક્ક અને અધિકાર માંગતા હોય છે તેના મુદ્દાને દરેકે સમજવો જોઈએ અને તેનું નિરાકરણ લાવવું જોઈએ તેમને કોઈ રાજકીય પાર્ટીના ગણાવી રાજકારણ ના કરવા દરેક રાજકીય પાર્ટીને હું વિનંતી કરું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.