ડ્રગ્સ વિરોધી કેમ્પેઇન:અમદાવાદમાં ડ્રગ્સ નાબૂદી માટે યુવાનોએ મહોલ્લા સભા શરૂ કરી, ડ્રગ્સમાંથી બહાર આવવા કલાકો સુધી સમજાવે છે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડ્રગ્સની બદી દૂર કરવા યોજાયેલી મહોલ્લા મિટિંગ - Divya Bhaskar
ડ્રગ્સની બદી દૂર કરવા યોજાયેલી મહોલ્લા મિટિંગ

અમદાવાદમાં ડ્રગ્સ વધી રહ્યું છે તેની વાતો અનેક જગ્યાએ થતી હશે પણ તેની અસર ઘરમાં થઈ રહી અને પરિવારજનો પર થઈ રહી છે. જેને પગલેશહેરમાં યુવાઓએ ડ્રગ્સ વિરોધી અભિયાન શરૂ કર્યું છે. ડ્રગ્સ વેચનાર અને ડ્રગ લેનારને બેનકાબ કરવાનું આખું કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે.શહેરના વિવાદિત ગણાતા અમુક વિસ્તારો જ્યાં કફ સિરપ અને એમ.ડી. ડ્રગ્સ તેમજ અન્ય નશાકારક પદાર્થો મળે છે અથવા સપ્લાય કરનારા એક્ટિવ હોય છે તેને ખુલ્લાં પાડવા માટે અલગ અલગ વિસ્તારમાં હવે રાત્રે મહોલ્લા મિટિંગો કરી રહ્યા છે.

મહોલ્લા મિટિંગમાં આવી રહ્યા છે આખે આખા પરિવારો
દરિયાપુરમાં અમીનાની ધરપકડ બાદ શરૂ થયેલી મહોલ્લા મિટિંગ હવે અલગ અલગ વિસ્તારો સુધી પહોંચી રહી છે. જેમાં તાજેતરમાં જમાલપુર અને હવે પટવા શેરીમાં પણ આ મિટિંગ થઈ ગઈ છે. અમદાવાદનો વિવિધ વિસ્તારમાં થઈ રહેલી મિટિંગો કોઈ રાજકીય પાર્ટીની મિટિંગમાં નથી પણ યુવાનો દ્વારા એકઠા થઈને પરિવારોને ડ્રગ્સની બદીમાંથી દૂર કરવા અને આવનારી પેઢીને ડ્રગ્સ મુક્ત કરવા માટે કરવામાં આવી રહી છે. જેમાં પહેલા એકલદોકલ લોકો આવતા હતા પરંતુ હવે આખા પરિવાર આવી રહ્યા છે.

‘નશે કા નાશ’ કેમ્પેઇન મહોલ્લા મિટિંગ સુધી વિસ્તર્યું
યુવાનોની સાથે કેટલાક પરિવારમાં મહિલાઓ પણ અલગ અલગ નશાઓ કરવા લાગી છે. જે તેના પરિવારના બાળકો માટે ખૂબ જોખમકારક છે. અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં રહેતા જાવેદ સૈયદ નામના યુવાને ‘નશે કા નાશ’ નામથી સોશિયલ મીડિયા કેમ્પેઈન શરૂ કર્યું હતું. જે હવે મહોલ્લા મિટિંગ અને જાહેર સભાઓ સુધી આગળ વધ્યું છે.

ડ્રગ્સનો વેપાર કરનારાને પણ બે કલાલ સમજાવાય છે
જાવેદ સૈયદના કહેવા પ્રમાણે તેની સાથે સૌથી વધુ યુવાઓ જોડાયા છે, જેમાં યુવતીઓ પણ સામેલ છે. જે શહેરના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા લોકોને સમજાવે છે. તેમજ ડ્રગ્સ પેડલરને કે તેની સાથે ડ્રગ્સનો વેપાર કરનાર લોકોને પણ બે કલાક સુધી લોકોને સમજાવે છે, કારણ કે એ ઘરથી શરૂ થયેલી ઝુંબેશ લોકોના મનમાં પ્રવેશે છે અને પહેલા મહોલ્લા પછી વિસ્તાર અને પછી શહેરમાં ફેલાઈ છે. જેથી ડ્રગ્સ નાબૂદી માટેનો કાર્યક્રમ આગળ વધારી રહ્યા છે. આગમી દિવસોમાં વધુ લોકો જોડાશે અને શેરીથી, મહોલ્લા, ત્યાંથી વિસ્તાર અને આખા શહેરને નશામુક્ત બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...