બોટાદમાં કેમિકલયુક્ત દેશી દારૂ પીવાથી 50થી વધુ લોકોનાં મોત થયાનો મામલો હજી ઠંડો થયો નથી ત્યાં બૂટલેગરો પોલીસને નવો પડકાર ફેંકી રહ્યા છે. અમદાવાદમાં દારૂબંધીના કાયદાની સરેઆમ મજાક બનાવવામાં આવી રહી છે. શહેરમાં હાલમાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એક યુવકે દારૂ અને બિયરનાં ટિન સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે.
પોલીસે વીડિયોને લઈને તપાસ શરૂ કરી દીધી
આ વીડિયો અમદાવાદના રિવરફ્રન્ટ પાસેનો હોવાનું જણાઈ રહ્યું છે. કાર ચલાવતો નબીરો હાથમાં બિયરનું ટિન બતાવી રહ્યો છે. આ યુવક શહેરના જમાલપુર વિસ્તારનો રહેવાસી હોવાનું અનુમાન છે. પોલીસે વીડિયોને લઈને તપાસ શરૂ કરી દીધી છે. રિવરફ્રન્ટ બ્રિજ પર બિયરની બોટલ સાથેનો વીડિયો બનાવીને યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
વીડિયોમાં યુવક બેખૌફ બનીને દારૂની મજા માણે છે.
વીડિયો બનાવી જાણે પોલીસને પડકાર ફેંકયો
ચાલુ ગાડીએ યુવક બિયર પી રહ્યો હોવાનું પણ વીડિયોમાં સામે આવ્યું છે. આટલું ઓછું હોય એમ દારૂ ભરેલી ટ્રકની પાછળ કાર હંકારતો હોવાનું પણ વાઇરલ વીડિયોમાં દેખાય છે. વીડિયોમાં દેખાઈ રહેલો યુવક આ વીડિયો બનાવી જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં યુવક બેશર્મીથી બેખૌફ થઈને દારૂની મજા માણતો હોય એવું દેખાઈ રહ્યું છે.આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પી આઈ આર એચ સોલંકીએ જણાવ્યું કે આ વીડિયો તપાસ કરી પણ જૂનો હોવાનું લાગતા કાર્યવાહી નથી કરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.