'બડી'ની યાદો જીવંત થઈ:અમદાવાદમાં યોગ્ય સારવારના અભાવે પાલતું શ્વાન ગુમાવનારા યુવકે ખોલી દેશની પહેલી વેટરનરી વેન્ટિલેટર હોસ્પિટલ

અમદાવાદ12 દિવસ પહેલા
બેસ્ટ બડી પેટ હોસ્પિટલની તસવીર
  • બેસ્ટ બડી પેટ હોસ્પિટલમાં પ્રાણી, પક્ષી, કાચબા, ખિસકોલીની પણ સારવાર થાય છે
  • હોસ્પિટલમાં ફુલ્લી ફ્લેટેડ પેથોલોજી લેબ, એક્સ-રે, અલ્ટ્રા સાઉન્ડની સુવિધા

અમદાવાદમાં સુવિધાઓના અભાવે 1 વર્ષ પહેલા પોતાનું પાલતું શ્વાન ગુમાવનારા યુવકે દેશની પહેલી વેટરનરી વેન્ટિલેટર હોસ્પિટલ શરૂ કરી છે. 'બેસ્ટબડી પેટ હોસ્પિટલ' નામની આ હોસ્પિટલમાં પાળતું પ્રાણીને લગતી તમામ સમસ્યાઓનું સમાધાન મળે છે. અમદાવાદમાં તૈયાર કરાયેલી આ હોસ્પિટલમાં પાળતું પ્રાણીઓ માટે સંપૂર્ણ સુવિધાથી સુસજ્જ ઓપરેશન થિયેટર પણ ઉપલબ્ધ છે.

1 વર્ષના ડોગીનું યોગ્ય સારવારના અભાવે મોત થયું
આ વિશે દિવ્યભાસ્કર સાથે વાત કરતા અમદાવાદના શૈવલ દેસાઈએ જણાવ્યું હતું કે, મારી પાસે હાલમાં બે ડોગ્સ છે, પાછલા વર્ષે મારા ત્રીજા ડોગ બડીને 1 વર્ષનું થવા પર સ્ટમક ઓબ્સેશન આવી ગયું અને તે કંઈપણ ખાઈ લેતું હતું, જેથી તેના પેટમાં કંઈક ભરાઈ ગયું. અમે 12 દિવસ બહુ ફર્યા ટ્રિટમેન્ટની તપાસ કરી, ડોક્ટર પાસે ફર્યા, પરંતુ અમદાવાદમાં ડાયગ્નોસ્ટિક સુવિધા એટલી સારી નહોતી અને કોઈ સર્જરી કરવા તૈયાર નહોતું. ફેસિલિટી ઓછી હોવાથી પેટ્સની સર્જરી કરવામાં મરી જવાના ચાન્સ વધારે હતા. એટલે તેનું મોત થઈ ગયું. ત્યારે મેં નક્કી કર્યું હતું કે તેની માનમાં હું હોસ્પિટલ શરૂ કરીશ, જેથી કોઈ જોડે આવું ન થાય.

હોસ્પિટલમાં પેથોલોજી લેબ, એક્સ-રે, અલ્ટ્રા સાઉન્ડ સુવિધા
હોસ્પિટલમાં પેથોલોજી લેબ, એક્સ-રે, અલ્ટ્રા સાઉન્ડ સુવિધા

ગુજરાતનું પહેલું એનિમલ વેન્ટિલેટર ઉપલબ્ધ
શૈવલે વધુમાં ઉમેર્યું કે, અત્યારે મારી હોસ્પિટલમાં ફુલ્લી ફ્લેટેડ પેથોલોજી લેબ, એક્સ-રે, અલ્ટ્રા સાઉન્ડ સુવિધા, તથા ગુજરાતનું પહેલું એનિમલ વેન્ટિલેટર છે. અહીં ગુજરાતના સૌથી શ્રેષ્ઠ વેટરનરી ડોક્ટર આણંદના ડો. દિવ્યેશ કેલાવાલા છે. અમે તમામ પ્રકારના પાલતું પ્રાણીઓ માટે હોસ્પિટલ શરૂ કરી છે. અમે પાલતું પ્રાણીઓ, પક્ષીઓ, કાચબા અને હાલમાં એક ખિસકોલીની પણ સારવાર કરી છે. પ્રાણીઓ માટે અલગ પ્રકારના ટેબલ આવતા હોય છે, આવા ખાસ ટેબલ પણ અમારી પાસે છે.

હોસ્પિટલમાં વધુ એન્ડોસ્કોપી સહિતના સાધનો વસાવવાનો ટાર્ગેટ
તેઓ વધુમાં કહે છે, આમ તો આ હોસ્પિટલ નોન-પ્રોફીટ સંસ્થાથી ચાલે છે, પરંતુ અમે ચાર્જ લઈએ છીએ. આ પાછળનો હેતુ એવો છે કે હું ઈચ્છું છું કે, સંસ્થાને આવક થાય જેથી સારી સુવિધા સાથેના મશીનો લઈ શકાય અને પેટ્સની ટ્રિટમેન્ટ સારી થાય. મારો આગામી 3, 6 અને 12 મહિનાનો ટાર્ગેટ છે. આગામી ટાર્ગેટમાં મારે ઓપરેટિંગ માઈક્રોસ્કોપ અને કેટરેક્ટના ઓપરેશન થાય તેવા સાધનો લેવા છે અને ત્રીજું મારે એન્ડીસ્કોપીના સાધનો પણ લેવા છે. જેનાથી બડી બચી શક્યું હોત.