વિરોધ પ્રદર્શન:મુન્દ્રાના અદાણી પોર્ટ પર ડ્રગ્સ પકડાવા મુદ્દે યુથ કોંગ્રેસનું મીઠાખળી ખાતે અદાણી ઓફિસ બહાર સૂત્રોચ્ચાર, ચક્કાજામ

અમદાવાદએક મહિનો પહેલા

ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા મીઠાખળી ખાતે આવેલી અદાણી કંપનીની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુન્દ્રા અદાણી પોર્ટ પર અનેક વખત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. તેમ છતાં સરકાર દ્વારા પોર્ટના માલિક કે અધિકારીઓના વિરુદ્ધ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ કરાયો છે.

આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ કરશે
પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે અને ડ્રગ્સની બદી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસ આ મુદ્દે યુવાનો માટે જાગૃતિ અભિયાન અને ડ્રગ્સ માફિયાઓના વિરોધમાં આક્રમક રીતે લડાઈ ચલાવી રહ્યું છે. આગામી સમયમાં હજુ અમે આશ્ચર્યજનક કાર્યક્રમ કરીશું.

યુવા નેતાઓની હાજરીમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા આજે અદાણી ઓફિસના બહાર સૂત્રોચ્ચારો અને ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારસભ્ય જિગ્નેશ મેવાણી, ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ વિશ્વનાથસિંહ વાઘેલા, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી મનીષ ચૌધરી, પ્રભારી મહોમ્મદ શાહિદ તથા યુથ કોંગ્રેસના આગવાનો કાર્યકરો જોડાયા હતા.

યુથ કોંગ્રેસે પરિવર્તન બાઈક રેલી યોજી
ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલી પરિવર્તન જ સંકલ્પ અભિયાન યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન બાઈક રેલી, પરિવર્તન પદયાત્રા તથા પરિવર્તન સંવાદના સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો યોજવા જઈ રહી છે. જેના ભાગરૂપે પ્રથમ અમદાવાદમાં પરિવર્તન બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસની લડત
પરિવર્તન બાઈક રેલી કોંગ્રેસ કાર્યાલય પાલડીથી નીકળી સાબરમતી ગાંધી આશ્રમ પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા અને ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતના યુવાનો બેરોજગારી, મોંઘવારી, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓથી પરેશાન છે, ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આક્રમકતાથી લડત ચલાવવા અને ગુજરાતમાં પરિવર્તન લાવવા સંકલ્પ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...