ગુજરાત કોંગ્રેસમાં ભડકો:રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલાં યુથ કોંગ્રેસના પ્રમુખનું રાજીનામું; કહ્યું-પ્રમુખ બનાવવા પાર્ટીએ દોઢ કરોડ લીધા

અમદાવાદ3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે. કોંગ્રેસમાંથી એક પછી એક દિગ્ગજ નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમારે રાજીનામું આપીને કેસરીયો ખેસ ધારણ કર્યો છે. આમ તો 2002થી જોઈએ તો અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી કુલ 65 નેતાઓએ રાજીનામાં આપ્યાં છે. 2017 બાદ 15 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહ્યું છે. ત્યારે આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેતાં રાજકારણ ગરમ થયું છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે યુવક કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટે દોઢ કરોડ લીધાં છે.

કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ બનવા માટે દોઢ કરોડ લીધા
વિશ્વનાથસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, આવતીકાલે રાહુલજી સંમેલનમાં હાજર રહેવાના છે પણ 100માંથી 10 લોકોને પોતાનું બુથ ખબર નહીં હોય. મારા પિતા ગુજરી ગયા તેના પૈસા આવ્યા તે પૈસાથી ચૂંટણી લડ્યો છું. મારી સાત પેઢીમાં કોઈ રાજકારણમાં આવ્યું નથી હું એકલો જ આવ્યો છું. મને નિષ્ફળ કરવા અનેક નેતાઓએ પ્રયત્નો કર્યાં છે. મારી શક્તિ પુરી થઈ ગઈ એટલે મેં રાજીનામું આપ્યું છે. મારી પાસેથી પાર્ટીએ યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવા માટે દોઢ કરોડ લીધા છે.

સાત પાનાના પત્રમાં અનેક પ્રકારના આક્ષેપો કર્યાં
વિશ્વનાથસિંહ વાઘેલાએ સાત પાનાના પત્રમાં અનેક પ્રકારના આક્ષેપો કર્યાં છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ સાથે જોડાવાનું સૌથી મોટું કારણ હતું કે, નાનપણથી જ ઈતિહાસની ચોપડીઓ વાંચતા અને તેમાં એવું ભણ્ચા કે કોંગ્રેસના નેતાઓએ આઝાદી અપાવી. તેથી કોંગ્રેસ પક્ષ પસંદ કર્યો હતો. પરંતુ જેમ જેમ પક્ષમાં કામ કરતાં ગયાં તેમ તેમ ખબર પડી કે જે નેતાઓએ દેશને આઝાદી અપાવી હતી એમાંના ઘણા ખરા નેતાઓને 1969માં કોરાણે મુકી દેવાયાં હતાં. આઝાદી અપાવનારા જે નેતાઓ મારા પ્રેરણાસ્ત્રોત છે એમના ફોટા પણ મેં કોંગ્રેસની ઓફિસમાં જોયા નથી.

કોંગ્રેસે મને જે પદ આપ્યા એ વેચાતા આપ્યા
હું ઘણા સમયથી હાલની કોંગ્રેસ એક પરિવારની ભક્તિમાં લીન હોય તેવું અનુભવી રહ્યો હતો. કોંગ્રેસ પક્ષે મને જે કોઈ પદ આપ્યા એ મારી પાસેથી પૈસા લઈને વેચાતા આપ્યા. જેથી વેચાતા મળેલા પદ પર કોઈ વ્યક્તિને કેવી રીતે પ્રેમ આવી શકે. હું જ્યારથી યુથ કોંગ્રેસનો પ્રમુખ બન્યો ત્યારથી જ પક્ષના સિનિયર નેતાઓના જૂથવાદનો ભોગ બનતો આવ્યો છું. યુથ કોંગ્રેસમાં જે સિનિયર નેતાઓએ મારી મદદ કરી હતી તેમની સામેના જૂથના નેતાઓએ મને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું.

પાર્ટીમાં 10 વર્ષથી જુથબંધી ચાલી રહી છે
પરિસ્થિતિથી કંટાળીને મેં રાજીનામુ આપ્યું છે.મેં 3-4 દિવસ અગાઉ શ્રીનિવાસ અને ક્રિષ્નાને મેસેજ કર્યા હતા તે લોકોએ મારા ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. હાર્દિક 3-4 માહિજ અગાઉ જઈ ચુક્યા છે. અમારી વેદના સરખી હોઈ શકે. નામ નહીં લઉ પરંતુ કોંગ્રેસના સિનિયર નેતાઓને ખબર જ છે કોના કારણે છોડી રહ્યો છે. 10 વર્ષથી જુથબંધી ચાલી રહી છે. પાર્ટીનો જૂથવાદ પાર્ટીને મુબારક. ભાજપ સાથે મારે કોઈ વાત નથી થઈ. રાજકારણ કરવાનું છે.મારી જેમ અસંખ્ય યુવાનો પાર્ટીથી નારાજ છે. મારી સાથે જેને જોડાવવું હોય તે આવી શકે છે.વિશ્વનાથસિંહ સાથે ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય અને ગુજરાત યુનિવર્સીટીના સિન્ડિકેટ મેમ્બર વનરાજસિંહ ચાવડા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...