વિરોધ:જામનગરમાં નાથુરામ ગોડસેના સ્ટેચ્યુનું અનાવરણ થતાં અમદાવાદમાં યુથ કોંગ્રેસના આગેવાનો ફરિયાદ કરવા પહોંચ્યા

અમદાવાદ22 દિવસ પહેલા
યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો
  • પોલીસે યુથ કોંગ્રેસના આગેવાનોની હાલમાં માત્ર અરજી લીધી છે

જામનગરમાં સોમવારે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના સ્ટેચ્યૂનું અનાવરણ થતાં ચારેકોર વિરોધ થઈ રહ્યો છે. યુથ કોંગ્રેસે આ પ્રવૃત્તિને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ ગણાવી અને તેના વિરોધમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે યુથ કોંગ્રેસના આગેવાનો ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતાં. જો કે પોલીસે હાલમાં કાર્યકરો પાસેથી માત્ર અરજી જ લીધી છે.

પોલીસે માત્ર અરજી લીધી
પોલીસે માત્ર અરજી લીધી

યુથ કોંગ્રેસ જિલ્લા અને શહેરોમાં ફરિયાદ કરશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે યુથ કોંગ્રેસના કાર્યકરો સ્ટેચ્યૂ બનાવનાર અને તેનું અનાવરણ કરનાર 4 લોકો વિરૂદ્ધ રાષ્ટ્રદ્રોહની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. આ અંગે યુથ કોંગ્રેસના નેતા પાર્થિવરાજ સિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે 4 લોકો દ્વારા જામનગરમાં ગોડસેનું સ્ટેચ્યુ બનાવી અનાવરણ કરવામાં આવ્યું છે. સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સરકારનું પણ સમર્થન લાગી રહ્યું છે.અમે આજે અમદાવાદમાં ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ. હવે અન્ય જિલ્લા અને શહેરોમાં પણ યુથ કોંગ્રેસ ફરિયાદ નોંધાવશે.

જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેચ્યૂ તોડી નાંખ્યું હતું
જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેચ્યૂ તોડી નાંખ્યું હતું

જામનગરમાં હિન્દુ સેનાએ નથુરામ ગોડસેની પ્રતિમા મૂકી
જામનગરમાં હિન્દુ સેના દ્વારા છેલ્લા થોડા સમયથી ગોડસેની પ્રતિમા મૂકવા માટે જમીનની માગ કરવામાં આવી હતી. જોકે એ માટે જમીન ન મળતાં હિન્દુ સેના દ્વારા હનુમાન આશ્રમ ખાતે ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હોવાની જાણ થતાં જ શહેર કોંગ્રેસે એનો વિરોધ કર્યો હતો. પ્રતિમા સ્થાપિત થયાના 24 કલાકમાં જ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરીને એને તોડી પાડવામાં આવી હતી. આ અંગે હિન્દુ સેનાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અહિંસાનો માર્ગ છોડીને હિંસાના માર્ગે ચાલી રહી છે. આ મામલે હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટ દ્વારા શહેર કૉંગ્રેસ પ્રમુખ અને કૉંગ્રેસના કોર્પોરેટર ધવલ નંદા સામે ફરિયાદ નોંધાવી છે.