ચૂંટણી પૂર્ણ થયા બાદ દરરોજ શહેરમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. પોલીસની ટીમે ચાંદખેડા ગાંઠિયારથ પાસેથી એક કારમાંથી દારૂની 4242 બોટલો લઈને જતા યુવકને ઝડપી પાડી દારૂની બોટલો સહિત રૂ.6.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. આ દારૂનો જથ્થો તે કલોલથી લાવ્યો હોવાનું સામે આવતા દારૂનો જથ્થો આપનાર સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
એલસીબીના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રકુમાર સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા, તે સમયે બાતમી મળી હતી કે, એક કારમાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક યુવક ચાંદખેડા ગાંઠિયારથ તરફથી પસાર થવાનો છે. જેના આધારે પોલીસ ટીમે તે જગ્યાએ વોચ ગોઠવી કારને ઉભી રાખીને તપાસ કરી હતી. કારમાંથી થેલાની અંદર અલગ અલગ વિદેશી દારૂની 4242 બોટલો મળી આવી હતી. કારચાલકની પૂછપરછમાં તેણે પોતાનું નામ રોનકકુમાર સોલંકી અને ચાંદખેડામાં રહેતો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
એલસીબીની ટીમે દારૂના જથ્થા-કાર સહિત 6.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને રોનકકુમારની ધરપકડ કર્યા બાદ સ્થાનિક ચાંદખેડા પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા રોનકે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો કલોલમાં રહેતા મિહિર પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે કલોકના બુટલેગર સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
હિરાવાડીમાં દારૂ ભરેલી ટ્રક સાથે એક ઝડપાયો
ક્રાઈમ બ્રાંચના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભવાનીસિંહને બાતમી મળી કે, એક આઈશર દારૂ અને બિયરનો જથ્થો લઈને નરોડા પાટિયાથી નીકળી નારોલ તરફ જવાની છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે હિરાવાડી ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવીને આઈશરને ઉભી રાખી તપાસ કરતા 1620 દારૂની બોટલો અને 264 બિયર મળી આવી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે આઈશર ચાલક સોમાજી ઉર્ફે રાજુ ઠાકોરની ધરપકડ કરી દારૂના જથ્થા સહિત 10.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પૂછપરછમાં સરસપુરમાં રહેતા હુસેન ઉર્ફે બાટલાએ શામળાજી બોર્ડરથી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. જેથી તેની વિરુદ્ધ પણ ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.