અમદાવાદમાં સાસરિયાઓ પુત્રવધુ પર દહેજ માટે ત્રાસ ગુજરતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. શહેરમાં ફરીવાર એક પરીણિતાને સાસરિયાઓના આકરા તેવરનો સામનો કરવો પડ્યો છે. પરીણિતાને કોઈ સંતાન નહીં હોવાથી તેના સાસરિયા તેને વાંઝણી કહેતા અને દહેજ માટે મહેણાં ટોણાં મારતાં હતાં. તેનો પતિ પણ અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોવાથી કંટાળીને પરીણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તારા બાપે કરિયાવરમાં કઈ આપ્યું નથી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી પરીણિતાનો પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતો હતો. તે રાત્રે ફોન તથા મેસેજ કરતો હતો. ત્યારે પત્નીએ તેને ટોકતાં તે પત્નીને માર મારતો હતો. એટલું જ નહીં. પત્નીને તેના સાસુ સસરા તું વાંઝણી છે, કરિયાવરમાં કંઈ લાવી નથી. મારા દીકરાને છુટાછેડા આપી દે એવું કહીને મારઝૂડ કરતા અને ત્રાસ આપતાં હતાં.
સાસુ કહેતી મારા દીકરાને છુટા છેડા આપી દે
સાસરિયાઓના ત્રાસના કારણે પરીણિતા તંગ આવી ગઈ હતી અને પોતાના પિયરમાં રહેવા આવી હતી. 26 વર્ષિય યુવતીના લગ્ન 2015માં નોબલનગર ખાતે રહેતા યુવક સાથે થયાં હતાં. લગ્નના બે વર્ષ સુધી તેને પતિ તથા સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. બાદમાં યુવતીને નાની નાની વાતે મહેણાં ટોણાં મારીને હેરાન કરવામાં આવતી હતી. સાસરિયાઓ પરીણિતાને કહેતાં હતાં કે, તારા બાપે કરિયાવરમાં કંઈ આપ્યું નથી. તું વાંઝણી છે. મારા દીકરાને છુટા છેડા આપી દે.
પત્ની બીજી સ્ત્રી સાથે સંબંધ રાખતો હતો
આ દરમિયાન તેનો પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવા લાગ્યો હતો. તે અડધી રાત્રે ફોન કરીને વાતો કરતો તથા મેસેજો કરતો હતો. જેથી પત્નીએ પતિને કહ્યું હતું કે, બીજી મહિલા સાથે વાતો કેમ કરો છો. જેથી પતિ ઉશ્કેરાઈ ગયો અને તેની પત્નીને મારઝૂડ કરવા માંડ્યો હતો. સાસુ સસરા અને પતિના ત્રાસથી કંટાળીને પત્ની પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. તેણે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં સાસરિયા અને પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
(સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.