દિવ્ય ભાસ્કરનો સર્વે:ગુજરાતની 73.1% યુવતીઓ-મહિલાઓએ કહ્યું- 'હા, લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ જ હોવી જોઈએ'

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતની 73.1% યુવતીઓ-મહિલાઓ 21 વર્ષ પછી લગ્ન કરવા પર સહમત, 25.7% અસહમત

કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં જ એક નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. હવે દેશમાં છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવામાં આવશે. આ કાયદાને લઈને દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપ દ્વારા એક ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓથી લઈને 60+ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બે દિવસ સુધી ચાલેલા આ સર્વેમાં 12000થી વધુ મહિલાઓ અને યુવતીઓએ પ્રતિભાવ આપ્યા છે, જેમાં સૌથી વધુ 22થી 30 વર્ષની ઉંમરની 33 ટકા યુવતીઓ-મહિલાઓએ પ્રતિભાવ આપ્યા છે. ત્યાર બાદ બીજા ક્રમે 31થી 40ની વયની 25 ટકા અને ત્રીજા ક્રમે 19થી 21ની વયની 16.5 ટકા મહિલાઓ-યુવતીઓ બિનધાસ્ત મંતવ્યો આપ્યા છે. આ સર્વેમાં 73.1 ટકા યુવતીઓ-મહિલાઓએ લગ્નની ઉંમર 21 કરવા પર સહમતી વ્યક્ત કરી છે.

આ ઉપરાંત સૌથી વધુ 77.7 ટકા, એટલે કે 7,386 યુવતી-મહિલાઓએ છોકરીઓ હવે કોલેજ સુધીનો અભ્યાસ પૂરો કરી શકશે અને જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય મેચ્યોરિટીથી લઈ શકશે, એમ બન્ને વિકલ્પ પર સહમતી દર્શાવી છે.

અમદાવાદની સૌથી વધુ યુવતીઓ-મહિલાઓ સર્વેમાં સામેલ થઈ
વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદની સૌથી વધુ 28 ટકા યુવતીઓ-મહિલાઓ આ સર્વેમાં સામેલ થઈ છે, જ્યારે સુરતની 8.2 ટકા અને રાજકોટની 6.1 ટકા યુવતી-મહિલાઓએ સર્વેમાં ભાગ લીધો છે.

1.3 ટકા અનિર્ણીત
આ સર્વેમાં ગુજરાતની લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવી જોઇએ કે નહીં એનો 11,610 યુવતી-મહિલાઓએ જવાબ આપ્યા છે. એમાંથી 73.1 ટકા યુવતી-મહિલાઓએ લગ્નની ઉંમર 21 કરવા પર સહમતી વ્યક્ત કરી છે, જ્યારે 25.7 ટકાએ ઉંમર વધારવા સામે અસહમતી દર્શાવી છે. 1.3 ટકા અનિર્ણીત રહી છે.

14 ટકાએ કહ્યું, જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય મેચ્યોરિટીથી લઈ શકશે
બીજો સવાલ એવો હતો કે લગ્નની ઉંમર વધારવા માગો છો તો શા માટે? જેમાં ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા. મોટા ભાગની છોકરીઓ હવે કોલેજ સુધીનો અભ્યાસ પૂરો કરી શકશે, જેના પર 8.4 ટકા એટલે કે 798 યુવતી-મહિલાઓ સહમત થઈ હતી. જ્યારે બીજો વિકલ્પ જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય મેચ્યોરિટીથી લઈ શકશે, તેના પર 14 ટકા યુવતી-મહિલાઓએ યોગ્ય માન્યો હતો તેમજ ત્રીજો વિકલ્પ બન્ને કારણ યોગ્ય છે, એમાં સૌથી વધુ 77.7 ટકા એટલે કે 7,386 યુવતી-મહિલાઓએ સહમતી દર્શાવી છે.

આ રીતે કર્યો સર્વે?
યુવતીઓની ઉંમર 18થી 21 વર્ષ કરવાના નવા કાયદાને લઈ દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપ દ્વારા 27-28 ડિસેમ્બર દરમિયાન ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો. આ સર્વેમાં કુલ 12000થી વધુ મહિલાઓ અને યુવતીઓએ ભાગ લીધો. સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યા હતા. પહેલો સવાલ હતો કે જો તમે લગ્નની ઉંમર વધારવા માગો છો? બીજો સવાલ હતો કે સહમત હોય તો કયા કારણથી લગ્નની ઉંમર 21 વર્ષ કરવા પર સહમત છો.

18થી વધુ, પરંતુ 21થી નાની વયની મહિલા જો સહમતીથી બનાવશે તો સંબંધ શું થશે?

જો કોઈ મહિલા 18 વર્ષની થવા એટલે કે પુખ્ત થવા પર અને લગ્નની વય (પ્રસ્તાવિત 21 વર્ષ) અગાઉ જ પોતાની સહમતીથી સંબંધ બનાવે છે તો શું થશે?

સુપ્રીમકોર્ટે 2006માં લતા સિંહ વિ. સ્ટેટ ઓફ ઉત્તરપ્રદેશ કેસમાં નિર્ણય આપતાં કહ્યું હતું કે જો કોઈ મહિલા પુખ્ત છે તો તે પોતાની પસંદની કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરવા કે પોતાની પસંદની કોઈપણ વ્યક્તિ સાથે રહેવા માટે સ્વતંત્ર છે.

7 મે, 2018ના એક આદેશમાં, જસ્ટિસ એ. કે. સીકરી અને અશોક ભૂષણની સુપ્રીમકોર્ટની બેન્ચે એવા જ એક કેસમાં જ્યાં યુવતીની વય 19 વર્ષની હતી, પરંતુ યુવક 21 વર્ષનો નહોતો, એ અંગે કહ્યું હતું, તેઓ બંને પુખ્ત છે, એટલે સુધી કે જો તેઓ લગ્નની વ્યવસ્થામાં સામેલ થવા યોગ્ય ન પણ, હોય તોપણ તેમને લગ્નની બહાર પણ સાથે રહેવાનો અધિકાર છે. પસંદની આઝાદી યુવતીની હશે કે તે કોની સાથે રહેવા માગે છે.

લિવ-ઈન રિલેશનશિપને ઘરેલુ હિંસાથી મહિલાઓના સંરક્ષણ કાયદા અંતર્ગત પણ માન્યતા મળી ચૂકી છે.

આ નિયમોથી સ્પષ્ટ છે કે ભલે મહિલાઓની લગ્નની વય 21 વર્ષ કરી દેવામાં આવે, પણ ત્યારેય કોઈ મહિલાને 18 વર્ષ થવા પર કે પુખ્ત થવા પર લગ્ન વિના પણ પોતાની સહમતીથી સંબંધ બનાવવા કે લિવ-ઈન પાર્ટનર તરીકે રહેવાનો અધિકાર હશે.

જો યુવક અને યુવતી બંને 18 વર્ષથી નાની વયનાં છે?

બાળ લગ્ન પ્રતિષેધ અધિનિયમ 2006ની કલમ 3 અનુસાર, જો યુવક અને યુવતી બંને સગીર, એટલે કે 18 વર્ષથી નાની વયનાં છે તો બાળ લગ્ન પ્રતિષેધ અધિનિયમ 2006ના અનુસાર, બાળ વિવાહને શૂન્ય માનવામાં આવશે.

જો યુવક 18 વર્ષથી વધુ અને યુવતી 18થી નાની વયનાં હોય?
જો યુવક 18 વર્ષથી વધુ અને યુવતી 18 વર્ષથી નાની વયની છે તોપણ બાળ લગ્ન હોવાને કારણે એને શૂન્ય માનવામાં આવશે. એવા મામલાઓમાં યુવતી ફરિયાદ કરે તો યુવકને બે વર્ષની જેલ થઈ શકે છે.

જો યુવક 21થી વધુ અને યુવતી 18થી ઓછી વયનાં હોય?
જો યુવક 21 વર્ષ કે એનાથી વધુનો હોય એટલે કે લગ્નની વય માટે કાયદાકીય રીતે યોગ્ય હોય, પરંતુ યુવતી 18 વર્ષથી નાની વયની હોય તો આ સ્થિતિમાં પણ એક બાળક હોવાને કારણે તેને બાળ લગ્ન જ માનવામાં આવશે અને લગ્નને શૂન્ય માનવામાં આવશે. આ સ્થિતિમાં પણ યુવતી ફરિયાદ કરે છે તો યુવકને બે વર્ષની જેલ થઈ શકે છે.

જો યુવતી 18થી વધુ, પણ 21 વર્ષથી નાની હોય?
અત્યારસુધી યુવતી 18ની કે એનાથી વધુ વયની હોવા પર તેને લગ્ન માટે કાયદાકીય રીતે યોગ્ય માનવામાં આવતું હતું, પરંતુ હવે જ્યારે યુવતીની લગ્નની વય 21 વર્ષ હશે તો જો તે 18 વર્ષથી વધુ પણ 21 વર્ષથી નાની વયમાં લગ્ન કરશે તો તેને પણ બાળ લગ્ન અંતર્ગત આવવાનું જોખમ રહેશે, એવામાં તેના માટે પુખ્ત હોવા છતાં લગ્ન કરવા મુશ્કેલ બનશે. જોકે એના વિશે સ્થિતિ કાયદો બન્યા પછી જ સ્પષ્ટ થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...