આપઘાત:મેમનગરમાં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવા 15 લાખની વ્યવસ્થા ન થતાં યુવાને ગળેફાંસો ખાધો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માતા-પિતાના છૂટાછેડા બાદ યુવક માતા સાથે રહેતો હતો
  • 10 વર્ષથી લીવ ઈનમાં રહ્યા બાદ માતાએ તાજેતરમાં કોર્ટ મેરેજ કર્યા હતા

મેમનગરના યુવાને બુધવારે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાતનું કારણ એવું સામે આવ્યું છે કે કેનેડા જવા માટે 15 લાખની વ્યવસ્થા ન થતા તેણે આ પગલું ભર્યું હતું.

વસ્ત્રાપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સ્ટર્લિંગ રો હાઉસમાં રહેતા ધ્રુવીલ ધીરેનભાઈ પટેલ(23)એ 5 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે પોતાના ઘરમાં ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ધ્રુવીલની માતા હેતલબહેનના પહેલા લગ્ન ધીરેનભાઈ પટેલ સાથે થયા હતા, પરંતુ બંને વચ્ચે મન મેળ નહીં રહેતા વર્ષો પહેલા તે બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. હેતલબહેને લીવ ઈનમાં રહેતા અમિત બેનર્જી સાથે થોડા સમય પહેલા કોર્ટમાં લગ્ન કર્યા હતા.

ધ્રુવીલને સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા જવાનું હતુ. થોડા પૈસાની વ્યવસ્થા તેના પિતાએ કરી આપી હતી, જ્યારે થોડા પૈસાની વ્યવસ્થા ધ્રુવીલને કરવાની હતી. બાકીના પૈસાની વ્યવસ્થા નહીં થતા કેનેડા જવાનું સપનું રોળાઈ ગયુ હોવાનું માનીને ધ્રુવીલે આત્મહત્યા કરી લીધી હતી.

રાજકોટના વેપારીનો સરખેજમાં આપઘાત
રાજકોટમાં રહેતા વેપારી વિશાલભાઈ સાગઠીયા(25) સરખેજ ઉજાલા સર્કલ પાસે આવી રાજવી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. 4 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે તેમણે ગેસ્ટ ગાઉસના રૂમમાં જ ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતુ. આ અંગે સરખેજ પોલીસે આત્મહત્યા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વેજલપુરમાં કિશોરીએ જીવન ટૂંકાવ્યું
વેજલપુરના એકતાનગરમાં રહેતા ગુલશનબાનુ ઉર્ફે સોનિયા સમસુદ્દીન સૈયદ(17) એ બુધવારે સાંજે 5.30 વાગ્યા પહેલા પોતાના ઘરમાં છતના લોખંડના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. વેજલપુર પોલીસે આત્મહત્યા અંગે ગુનો નોંધી પોસ્ટ મોર્ટમ સહિતની વિધિ પૂરી કરીને ગુલશનબાનુનો મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...