'બોગસગીરી કેમ કરે છે':રામોલમાં પોલીસને બાતમી આપવા મુદ્દે થયેલા ઝઘડામાં યુવકની હત્યા, મિત્રો સાથે ચા પીવા ગયેલા યુવકને છરીના ઘા ઝીંકાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસ પહેલા નિખિલેશે માતાને જણાવ્યું હતું કે, મને મારી નાખવાની ધમકીઓ મળે છે
  • રામોલ વિસ્તારમાં ચા પીવા બેઠો ને અચાનક હુમલો થયો
  • જન્માષ્ટમીની રાત્રે અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ, મિત્રો સાથે ચા પીવા ગયેલા યુવકને બે શખ્સોએ છરીના ઉપરાછાપરી 6 ઘા મારી રહેંસી નાખ્યો
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, અગાઉ પણ ત્રણ વાર બોલાચાલી થઈ હતી, બે લોકો સામે ગુનો નોંધાયો

અમદાવાદ | રામોલ વિસ્તારમાં જન્માષ્ટમીની રાતે મિત્રો સાથે ચા પીવા ગયેલા યુવાનની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી ને કરપીણ હત્યા કરી દેવાઈ હતી. મુખ્ય બે આરોપીઓ પોલીસમાં મરનારની બોગસગીરી કરતા હોવા મામલે તેમની વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી જેની અદાવતમાં આ ઘટની ઘટી હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યંુ છે.

અમરાઈવાડીના સંતોષીનગર વિભાગમાં રહેતા ગાયત્રી દેવી રમાકાંત મિશ્રાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર તેમનો નાનો દીકરો નિખિલેશ (27) છૂટક મજુરી કામ કરે છે. આજથી પાંચ દિવસ પહેલા નિખિલેશે તેની માતાને કહ્યુ હતું કે, અજય ઉર્ફે અજ્જુ ખટીક અને સાગર ઉર્ફે શૂટર ખટીક મારી બાતમી પોલીસને આપે છે. આ બાબતે તેમની વચ્ચે અગાઉ બેથી ત્રણ વખત બોલાચાલી થઈ હતી અને તે બંનેએ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.

30મી ઓગસ્ટની રાતે 10 વાગે નિખિલેશ તેના ઘરે હાજર હતો ત્યારે તેના ફોન પર કોઈને ફોન આવતા તે ઘરની બહાર ગયો હતો.થોડા સમય બાદ ગાયત્રીદેવી પર નિખિલેશના મિત્ર વિશાલ આવ્યો હતો કે, તમારા દીકરા નિખિલેશને ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે, જેથી ગાયત્રીદેવી ત્યાં જતા તેમના દીકરો ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો જેનુ સારવાર દરમિયાન બાદમાં મોત નિપજ્યું હતું.

ત્રણ દિવસ પહેલા યુવકની માતાને પણ આપી હતી ધમકી
શહેરના રામરાજ્ય નગરમાં રહેતો નિખિલેશ નામનો યુવક મજૂરી કામ કરતો હતો અને તેના માતા-પિતા સાથે રહેતો હતો. પાંચેક દિવસ પહેલા નિખિલેશે તેની માતાને જણાવ્યું હતું કે, અજય ઉર્ફે અજ્જુ અને સાગર ઉર્ફે શૂટર નામના બે લોકો પોલીસમાં તેના નામની બોગસગીરી કરતા હોવાથી બોલાચાલી થઈ હતી અને અગાઉ ત્રણેકવાર પણ બબાલ થઈ હતી. જેથી આ બંને તેને મારી નાંખવાની ધમકીઓ આપતા હતા. તેથી નિખિલેશની માતાએ કોઈ સાથે ઝગડો ન કરી શાંતિથી નોકરી કરવાની સલાહ આપી હતી. નિખિલેશના માતા ત્રણેક દિવસ પહેલા ઘરની બહાર કચરો નાખવા ગયા ત્યારે અજ્જુ ત્યાં ઉભો હતો અને તેઓના દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

વચ્ચે પડનાર યુવકને પણ છરીથી ઈજા કરી
અજય ખટીક અને સાગર ખટીક તથા અજાણ્યા ઈસમે નિખિલેશને તુ મને બદનામ કેમ કરે છે તેમ કહીને માર મારી છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં નિખિલેશને ઈજા થઈ હતી. અજીતસિંહ વાધેલા છોડાવવા વચ્ચે માટે પડતા તેમને પણ આરોપીઓએ ઈજા કરી હતી.

ચા પીવા ગયેલા પુત્રના દોઢ વાગે આવ્યા મોતના સમાચાર
જન્માષ્ટમીની રાત્રે નિખિલેશને કોઈ ફોન આવતા તે ઘરની બહાર નીકળ્યો હતો. બાદમાં તેના કોઈ મિત્રએ દોઢેક વાગ્યે તેના ઘરે આવીને જાણ કરી કે નિખિલેશને ઈજાઓ થઈ હોવાથી તેને સિવિલ લઈ ગયા છે. બાદમાં સામે આવ્યું કે, નિખિલેશ તેના મિત્રો સાથે બેઠો હતો અને રામોલ વિસ્તારમાં તે ચા પીવા ગયો હતો. ત્યારે અજય ઉર્ફે અજ્જુનો ફોન આવ્યો અને તે અમરનાથ સોસાયટી પાસે ઉભો છે કહેતા નિખિલેશ ત્યાં ગયો હતો.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

શરીરના અલગ-અલગ ભાગે છ જેટલા છરીઓના ઘા કર્યા
ત્યાં જતા જ અજ્જુ એ, 'તું કેમ અમને બદનામ કરે છે' કહીને તેના સાથીઓ સાથે મળીને તેને છરીઓના ઘા માર્યા હતા. શરીરના અલગ અલગ ભાગે છ જેટલા છરીઓના ઘા વાગતા નિખિલેશને સિવિલ લઈ જવાયો હતો. નિખિલેશના અન્ય મિત્રને પણ ઈજાઓ થઈ હતી. સમગ્ર બાબતે રામોલ પોલીસને જાણ થતા પોલીસે અજય ઉર્ફે અજ્જુ ખટિક અને સાગર ઉર્ફે શૂટર ખટિક નામના બે લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવતા પોલીસે તે બાબતે પણ તપાસ શરૂ કરી છે.

જુની અદાવતમાં યુવકની હત્યા
અમદાવાદમાં ગઈકાલે બીજી પણ એક હત્યાની ઘટના સામે આવી હતી. જેમા જુના ઝઘડાની અદાવતમાં આરોપી પિતા અને તેના 3 દીકરાઓએ મળીને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર આસીફ નામના યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે સજુ છીપા, રાજા, તોસિફ અને ફઈમ પર હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...