અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા છ વર્ષના બાળકનું તેના જ ફ્લેટમાં રહેતા યુવકે અપહરણ કરી અને મારી નાખવાના ઇરાદે અવાવરું જગ્યાએ ફેંકી દીધો હતો. તેના માતાપિતા અને લોકોએ શોધખોળ કરતાં હતા. દરમિયાન ફ્લેટથી કોઈએ ફોન કરતાં ગભરાયેલા યુવકે બાળકને માથામાં મારીને તે મરી ગયો હોવાનું માનીને ફેંકી દીધો હતો. જો કે સીસીટીવી ફૂટેજમાં યુવક બાળકને લઈ જતાં દેખાતા પોલીસે તેની ધરપકડ કરી છે.
બાળકને પોલીસે જ હોસ્પિટલ પોલીસ ગાડીમાં લઈ ગઈ
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર. વાઘેલાએ જણાવ્યું હતું કે આરોપી રાહુલ પટેલે પોતાને આર્થિક સંકળામણ હોવાથી પૈસા મેળવવા માટે અપહરણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે જોકે હજી વધુ પૂછપરછ આરોપીની કરવામાં આવશે. આરોપી રાહુલ દ્વારા બાળકને માથામાં મારી અને હેબતપુર બ્રિજ નજીક અવાવરુ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હોવા નું જણાવતા પોલીસ તાત્કાલિક એ જગ્યા પર પહોંચી હતી ને ત્યારે જાણવા મળ્યું કે બાળક જિયાંશ હજી જીવિત હાલતમાં છે અને બેભાન છે તો તાત્કાલિક ધોરણે સોલા પોલીસની જ ગાડીમાં તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં માત્ર 10 મિનિટમાં પહોંચાડી દેવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર કરાવવામાં આવી હતી. જેથી તેનો જીવ બચી ગયો હતો
અપહૃત બાળક પહેલા ધોરણમાં ભણે છે
મળતી માહિતી મુજબ થલતેજ વિસ્તારમાં હેબતપુર રોડ પર આવેલા પાર્ક વ્યુ ફ્લેટમાં જીગર કાપડિયા તેમના પરિવાર સાથે રહે છે. તેઓ થલતેજમાં જ પોતાની રિક્રૂટમેન્ટની ઓફિસ ધરાવે છે. તેમનો છ વર્ષનો પુત્ર જિયાંશ પહેલાં ધોરણમાં અભ્યાસ કરે છે. બુધવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ જીગર જ્યારે પોતાની ઓફિસે હાજર હતા, ત્યારે તેમની માતાએ ફોન કરી અને જાણ કરી હતી કે જિયાંશ નીચે ફ્લેટમાં રમતો હતો અને અત્યારે મળતો નથી અમે તેને શોધી રહ્યા છીએ, જેથી તાત્કાલિક ઘરે આવી જા.
ખોવાયેલા બાળકની શોધખોળ થતી હતી
જીગરભાઈ તેમના ઘરે પહોંચ્યા ત્યારે પોલીસ અને ફ્લેટના લોકો આસપાસમાં જિયાંશને શોધતા હતા. ફ્લેટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા હતા ત્યારે ફ્લેટમાં જ એ બ્લોકમાં રહેતા રાહુલ પટેલ નામનો વ્યક્તિ પોતાની ગાડીમાં જિયાંશને ઉપાડી અને ડેકીમાં નાખતો નજરે પડ્યો હતો. સીસીટીવી ફૂટેજ ચેક કરતા હતા ત્યારે રાહુલ ત્યાં જ હાજર હતો અને પોલીસ પણ હાજર હોવાથી તેને ત્યાં પકડી લીધો હતો.
બાળકને બ્લોકનાં પગથિયાં ગણવાનું ટાસ્ક આપ્યું
ફ્લેટના લોકોને પોલીસની હાજરીમાં પૂછતાં રાહુલે જણાવ્યું હતું કે, સાંજે સાતેક વાગ્યાની આસપાસ બાળકો નીચે રમતા હતા, ત્યારે તેઓને બ્લોકના પગથિયા ગણવાનો ટાસ્ક આપ્યો હતો. જિયાંશ એ બ્લોકના પગથિયા ગણવા ગયો હતો ને ત્યારે મારી ગાડી ત્યાં જ પાર્ક હતી. જેથી જિયાંશને લલચાવી-ફોસલાવીને મારી ગાડી પાસે લઈ ગયો હતો અને બાદમાં તેને ડેકીમાં નાખી લઈને સોસાયટીની બહાર ગયો હતો. બાદમાં રોડ ઉપર ગાડીમાં લઈને તેને ફરતો હતો ત્યારે સોસાયટીના રહીશનો ફોન આવ્યો હતો કે, જીગરભાઈનો પુત્ર ખોવાઈ ગયો છે, જેથી તાત્કાલિક સોસાયટીમાં આવી જા.
સોસાયટીના રહીશનો ફોન આવતાં યુવક ગભરાયો
જિયાંશનું મેં અપહરણ કર્યું હોવાની સોસાયટીમાં જાણ થશે તેનાથી ગભરાઈ જઈ અને ગાડી અવાવરુ જગ્યાએ લઇ ગયો હતો અને ત્યાં અને બહાર કાઢી અને માથામાં માર્યું હતું. મરી ગયો હોવાનું માની તેને ત્યાં જ ફેંકી અને સોસાયટીમાં પરત આવી ગયો હતો. બાદમાં રાહુલે આવેલી જગ્યા પર પોલીસ અને ફ્લેટના લોકો પહોંચ્યા હતા ત્યાં જિયાંશ બેભાન અને ગંભીર હાલતમાં પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સોલા પોલીસે હાલ આરોપી રાહુલની ધરપકડ કરી લીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.