રેસ્ક્યૂ:અડાલજ કેનાલમાં ડૂબતા યુવાનને CISFના જવાને બચાવી લીધો, બે મિત્રો માછલીને ખવડાવવા જતાં એકનો પગ લપસ્યો હતો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મિત્રો માછલીને ખવડાવવા જતાં એકનો પગ લપસ્યો હતો

અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા સીઆઇએસએફના જવાને અડાલજ કેનાલમાં ડૂબતા યુવાનને બહાર કાઢી નવજીવન આપ્યું છે. અડાલજ કેનાલમાં માછલીઓને ખવડાવવા આવેલા બેમાંથી એક યુવકનો પગ લપસતા પાણીમાં ડૂબતો જોઇને તેનો મિત્ર બચાવવા પડ્યો હતો. જોકે, એક યુવાન પાણીમાં ગરકાવ થઇ ગયો હતો, જયારે મિત્રને બચાવવા પડેલા યુવાનને સીઆઇએસએફના જવાને બચાવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા સીઆઈએસએફના ઇન્સ્પેક્ટર શેરસિંગ દહિંયાએ આ અંગે જણાવ્યું કે, શુક્રવારે સવારે તેઓ પરિવાર સાથે અડાલજ ખાતે આવેલી ડિવાઇન ચાઇલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ પાસેની કેનાલ પાસે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. દરમિયાન સુમિત શાહ અને સોહમ મિશ્રા નામના બે યુવકો સવારે માછલીને ખવડાવવા માટે કેનાલ પર આવ્યા હતા.

આ બે યુવકોમાંથી સુમિત શાહ નામના યુવકનો પગ લપસી જતા તે સીધો કેનાલમાં ખાબક્યો હતો અને ડૂબવા લાગ્યો હતો. આથી સોહમ મિશ્રાએ પણ મિત્રને બચાવવા માટે કેનાલમાં ઝંપલાવ્યું હતું. પરંતુ, સુમિતનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. જયારે સોહમને બચાવવા તેઓ કેનાલમાં કૂદયા હતા અને લગભગ 15 ફૂટ જેટલું તરીને સોહમને ડૂબતો બચાવ્યો હતો.

યુવકનો અવાજ સાંભળી જવાન કેનાલમાં કૂદયો
શેરસિંગ દહિંયાના જણાવ્યા અનુસાર, તેઓ પરિવાર સાથે રોજ અડાલજ પાસે મોર્નિંગ વોક માટે જાય છે. આથી રોજની જેમ શુક્રવારે સવારે તેઓ પરિવાર સાથે સવારે 8.30 કલાકની આસપાસ અડાલજ કેનાલ પાસે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. દરમિયાન તેમણે એક યુવકનો ‘બચાવો બચાવો’નો અવાજ સાંભળ્યો હતો. આથી યુવકને જોઈ તેમણે તરત જ કેનાલમાં કૂદકો માર્યો હતો અને 15 ફૂટ અંદર સુધી તરીને યુવકને બહાર કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...