લાંભામાં મર્ડર:યુવાનને ફેકટરી બહાર બોલાવી છરી મારી હત્યા કરાઈ, ફેક્ટરીની બહારના CCTVથી હત્યારાની ઓળખ થઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અસલાલી પોલીસે હત્યારાને પકડવા માટે તપાસ હાથ ધરી

લાંભાના દેવરાજ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી કાપડની ફેકટરીમાં નોકરી કરતા યુવાનની ભરબપોરે ફેકટરી બહાર જ ગળાના ભાગે છરીનો ઘા મારી હત્યા કરવામાં આવી હતી. યુવાન ફેકટરીમાં કામ કરતો હતો ત્યારે હત્યારો તેને મળવા માટે ફેકટરી ઉપર ગયો હતો. જ્યાં હત્યારાએ યુવાનને મળવા માટે બહાર બોલાવ્યા બાદ છરીથી હુમલો કર્યો હતો.

ઈન્દીરાનગર વિભાગ - 2 માં રહેતો મનીષ રાઠોડ(24) કાપડની ફેકટરીમાં નોકરી કરતો હતો. નિત્યક્રમ અનુસાર ગુરુવારે મનીષ નોકરી આવ્યો હતો. લગભગ બપોરે 4.00 વાગ્યે મનીષ ફેકટરીમાં કામ કરી રહ્યા હતા. ત્યારે એક યુવાન તેમને મળવા માટે આવ્યો હતો. જેથી મનીષ તેને મળવા માટે બહાર આવ્યા હતા. જો કે મનીષભાઈ બહાર આવતાની સાથે જ તે યુવાને તેની પાસેની છરી વડે મનીષને ગળાના ભાગે ઘા મારી દીધો હતો. જેથી મનીષ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયા હતા.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મનીષને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા અસલાલી પોલીસ આવી પહોંચી હતી. પોલીસે ફેકટીરની બહારના સીસીટીવી ચેક કરતા હત્યારો જીગેશ પાટીલ હોવાનું જાણવા મળ્યું હતુ. આ અંગે પીઆઈ જાડેજા એ જણાવ્યું હતું કે હજુ સુધી હત્યારો પકડાયો નથી. જેથી મનીષની હત્યા પાછળનું ચોકકસ કારણ જાણવા મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...