સામાન્ય બોલચાલ બબાલમાં ફેરવાઈ:​​​​​​​નરોડામાં સામાન્ય ઝઘડામાં બે પરિવાર વચ્ચે મારામારી, પાડોશીએ પહેલા બીભત્સ ગાળો આપી, પછી મારપીટ કરી હાથે બચકું ભરી લીધું

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારામારીમાં પરિવારના બે સભ્ય ઈજાગ્રસ્ત થતાં સિવિલ લઈ જવાયા
  • નરોડા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી

શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય ઝઘડા બાબતે બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે. પાડોશમાં રહેતા યુવકે ઘરમાં ઘૂસી પરિવાર સાથે માથાકૂટ કરી મારામારી કરી હતી. એમાં પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચતાં સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. પરિવારે આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

'મારા પરિવાર સાથે ઝઘડો કેમ કર્યો' એવું કહી ગાળાગાળી શરૂ થઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડાના હરિદર્શન ચાર રસ્તા પાસે સ્વામિનારાયણ પાર્કમાં સુરેશ વાઘેલા પોતાના પરિવાર સાથે રહે છે. ગઈકાલે રાત્રે નવેક વાગ્યાની આસપાસ પાડોશમાં રહેતો પ્રતાપ નામના યુવકે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. સુરેશભાઈએ દરવાજો ખોલતાં તારા પિતાએ આજે બપોરે 'મારા પરિવાર સાથે ઝઘડો કેમ કર્યો' એમ કહી ગાળાગાળી કરવા લાગ્યો હતો. સુરેશભાઈએ ગાળો ન બોલીશ એમ કહેતાં ઉશ્કેરાઈને પ્રતાપે તેમની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. સુરેશના પિતા વચ્ચે પડતાં પ્રતાપના પરિવારના અન્ય સભ્યોએ પણ મારપીટ શરૂ કરી દીધી હતી.

પ્રતાપની બહેને હાથની કોણી પર બચકું ભરી લીધું
સુરેશના પિતાને શરીરે ગડદાપાટુનો માર મારતા ંતેમને નાક તેમજ કાન પર સામાન્ય ઈજાઓ થઈ હતી. ત્યાર બાદ સુરેશની પત્ની તેમજ પ્રતાપની બહેન વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી. સુરેશ બંનેને છોડાવવા માટે જતાં પ્રતાપની બહેને તેના ડાબા હાથની કોણી પર બચકું ભરી લીધું હતું, જેને કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પાડોશી પરિવાર પરત જતો રહ્યો હતો, પરંતુ 5 મિનિટ બાદ પ્રતાપનો ભાઈ વિશાલ ઘરે આવીને સુરેશના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગયો હતો. અંતે, પરિવારે પાડોશીઓ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...