અમિત જેઠવા હત્યા કેસ:કોઇને શૂટ કરતાં પહેલાં તમને તેના પરિવારની દયા નથી આવતી: હાઈકોર્ટ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીની હંગામી જામીન અરજી ફગાવાઈ

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસના આરોપી બહાદુરસિંહ વાઢેર અને શિવા પાંચાણે હાઇકોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. હાઇકોર્ટે બંનેની હંગામી જામીન અરજી ફગાવતા ટકોર કરી હતી કે, કોઇને શૂટ કરતાં પહેલાં આપણને તેના પરિવારની દયા નથી આવતી, પોતાના પરિવાર પર વીતે ત્યારે કોર્ટને કોઇ સહાનુભૂતિ નથી. તમારી સજાની અપીલ પર ઝડપથી સુનાવણી પૂર્ણ થાય તે માટે પ્રયત્ન કરીશું. અપીલમાં તમે નિર્દોષ સાબિત થાવ તો તમારી પત્નીની તબિયત સાચવજો, બાકી જેલમાં રહેજો.

અરજીમાં દલીલ કરી હતી કે, પત્નીને સ્પાઇનની સર્જરી કરવાની છે, પત્ની અને બાળકોનું ધ્યાન રાખનાર કોઇ નથી. બીજા આરોપીની દલીલ હતી કે તેની વૃધ્ધ માતાની સંભાળ માટે બે સપ્તાહના જામીનની જરૂર છે.

સાક્ષીના દીકરાના અપહરણ કેસની તપાસ સીબીઆઇને સોંપવા હાઇકોર્ટમાં અરજી
સાક્ષી ધર્મેન્દ્ર ગૌસ્વામી વતી એડવોકેટ આનંદ યાજ્ઞિકે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે, સીબીઆઇ કોર્ટમાં સજા જાહેર કરી ત્યારે તેમના દીકરાનું અપહરણ કર્યું હતું. દીનુ બોઘા સોલંકીના સમર્થકોએ વારંવાર ધર્મેન્દ્રને જુબાની બદલવાનું દબાણ કરતા હતા.

આ મામલે સીબીઆઇએ રિપોર્ટ રજૂ કર્યો હતો કે, સાક્ષીના પુત્રનું અપહરણ કરાયું છે તેમાં જવાબદારો સામે ઉનામાં પોલિસ ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ ઉના પોલીસે આજદિન સુધી તપાસ કરી નથી. જ્યાં સુધી હાઇકોર્ટ આખરી હુકમ ન કરે ત્યાં સુધી ઉના પોલીસ દ્વારા થતી તપાસ પર સ્ટેની માગણી કરી છે. હાઇકોર્ટે સીબીઆઇ અને ગુજરાત પોલિસને નોટિસ ફટકારીને વધુ સુનાવણી 19 જુલાઇ પર મુકરર કરી છે.

અન્ય સમાચારો પણ છે...