જમીન સંપાદનના એક કિસ્સામાં દોઢ વર્ષ સુધી વળતર નહિ ચૂકવાતાં જમીનમાલિકે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન ખંડપીઠે સરકારને આડેહાથ લીધી હતી અને માત્ર 3 મિનિટમાં જવાબદાર અધિકારી પાસેથી સૂચના મેળવવા મદદનીશ સરકારી વકીલને આદેશ કર્યો હતો.
કોર્ટના વલણને જોતાં સરકારી વકીલે તાત્કાલિક સુનાવણીમાંથી નીકળીને સૂચના મેળવી હતી. સરકારે 6 મહિનાનો સમય માગતા કોર્ટે ફટકાર લગાવતાં કહ્યું હતું કે, અમે હાથમાં હંટર ન લઈએ ત્યાં સુધી તમે જવાબ રજૂ નથી કરતા. સરકારને પોતાને જ્યારે ઇચ્છા હોય ત્યારે 3 મિનિટમાં પણ કામ કરે છે જ. તો શું કામ કાયમ અમને હંટર હાથમાં લેવા મજબૂર કરો છો?
ગાંધીનગરમાં જમીન સંપાદન મામલે સરકારે દોઢ વર્ષથી જમીનનું વળતર ન ચૂકવતાં કોર્ટે ફટકાર લગાવી છે. ખંડપીઠે એવી પણ ટકોર કરી હતી કે, જમીન સંપાદન અધિકારી જમીન સંપાદન કરીને પછી સૂઈ જાય છે. 2018માં સંપાદન કરવા કે વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી હજુ સુધી વળતર ચૂકવાયું નથી.
ગબ્બરસિંહનું નામ આપ્યા વિના કામ કરો તો ક્યાં વાંધો છે?
ચીફ જસ્ટિસની ખંડપીઠે ટકોર કરી હતી કે, ગાંધીનગર પાટનગર છે છતાં ત્યાં જમીન સંપાદન મામલે કામ આટલા ઢીલમાં ચાલે છે. સરકાર તરફથી કોર્ટનું વલણ જોતા કેટલાક આકરા અવલોકનો ઓર્ડરમાંથી હટાવવા વિનંતી કરાઈ હતી. તેની સામે ખંડપીઠે એવી ટકોર કરી કે, ગબ્બરસિંહનું નામ આપ્યા વગર તમારા અધિકારી કામ કરે તો અમને ક્યાં વાંધો છે?
3 મહિનામાં વળતર ન મળે તો અધિકારી સામે કાર્યવાહી
3 મહિનામાં વળતર નહી ચુકવાય તો કોર્ટ દ્વારા જવાબદાર અધિકારી સામે કાયદેસરના પગલાં લેવાનો હુકમ કરવામાં આવશે તેવો આદેશ કરવામાં આવ્યો છે. ખંડપીઠે આદેશની નકલ ચીફ સેક્રેટરીને મોકલી આપવા રજીસ્ટ્રીને આદેશ કર્યો છે. સરકારી વકીલો અધિકારીઓને એફિડેવિટ કરવા માટે 2 વર્ષથી કહ્યા કરે છે છતા તેમને અમારા આદેશની કોઇ પડી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.