મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે અમદાવાદ અને ગાંધીનગરમાં યેલો એલર્ટ, 2050 સુધી ગુજરાતમાં કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી, મેં મારા જીવનનાં 3 વર્ષ બગાડ્યા: હાર્દિક પટેલ

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર છે, તારીખ 20 મે, વૈશાખ વદ- પાંચમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે અમદાવાદ અને ગાંધીનગરમાં યેલો એલર્ટ, ગરમીનો પારો 46 ડીગ્રી સુધી પહોંચી શકે

2) દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે વડોદરાની મુલાકાતે, વાયુ સેનાના અધિકારીઓ સાથે સંવાદ કરશે

3) જ્ઞાનવાપી વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, વારાણસી કોર્ટની કાર્યવાહી પર રોક

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) 2050 સુધી ગુજરાતમાં કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી, મેં મારા જીવનનાં 3 વર્ષ બગાડ્યા, વારંવાર ધર્મની વાત અવગણે છે

પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. આ અંગે આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસનું 2050 સુધી કોઈ ભવિષ્ય નથી તેમજ રામમંદિર માટે ઈંટો મોકલવી, NRC-CAAને આવકાર, મસ્જિદોમાંથી મંદિર નીકળવા જેવા ભાજપના મુદ્દાઓને ઉઠાવ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

2) કિંગ નહીં, કિંગમેકર બનવું છે નરેશ પટેલને? દીકરા શિવરાજને 'ભાજપ'માં જોડી પડદા પાછળના 'સમ્રાટ' બનવાની સ્ટ્રેટેજી

ખોડલધામના નરેશ પટેલ રાજકરણમાં પ્રવેશ લેશે કે નહીં અને લેશે તો ક્યા પક્ષમાં જોડાશે એવી ચર્ચાને 100 દિવસ પૂરા થયા. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એમ ત્રણેય પક્ષના ટોચના નેતાઓને મળ્યા પછી પણ નરેશ પટેલ કોઈ એક નિર્ણય પર આવતા નથી. જોકે એક તદ્દન નવી વાત એ આવી છે કે નરેશ પટેલ ના કોંગ્રેસમાં જોડાશે કે ના ભાજપમાં. ઊલટાનું તેઓ પોતાના પુત્ર શિવરાજને સત્તાધારી ભાજપમાં આગળ કરી તેને ચૂંટણી જીતવામાં મદદ કરશે. તદુપરાંત સૌરાષ્ટ્ર અને સુરતમાં ભાજપને વધુ બેઠકોની જવાબદારી લઈ તેને સારી રીતે નિભાવે તો તેમના માટે દિલ્હી દરબારમાં પણ સ્થાન બની શકે છે, એવું આધારભૂત સૂત્રો જણાવે છે.

વાંચો સમાચાર વિગતવાર

3) અમદાવાદમાં બે મિત્રોની હત્યા, એકની લાશ રૂમમાંથી તો બીજાની ખેતરમાંથી મળી, બંનેને છરીના ઘા મારી પતાવી દીધા

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક જ દિવસમાં બે મિત્રોની અલગ-અલગ જગ્યાએ હત્યા કરાયેલી લાશ મળી આવી છે. આ બનાવ બાદ બંનેના પરિવારમાં માતમ છવાયો છે. બે હત્યામાં એકની લાશ તેના જ ઘરના રૂમમાંથી જ્યારે અન્ય એકની લાશ ખેતરમાંથી મળી આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, બંનેની હત્યા એક જ રીતે થઈ છે એટલે કે બંનેની છરી મારીને જ હત્યા કરાઈ છે. બીજીતરફ ત્રીજો મિત્ર ફરાર હોવાથી પોલીસને તેના પર શંકા છે. હાલમાં એકની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વાંચો સમાચાર વિગતવાર

4) 2015માં હાર્દિકે કહ્યું- 'રાજકારણમાં નહીં જોડાઉ', 2019માં રાજકારણી બન્યા ને હવે 3 વર્ષમાં જ કોંગ્રેસમાં હરિરસ ખાટો થઈ ગયો!

પાટીદાર અનામત આંદોલન સમિતિથી (PAAS) પાટીદાર સમાજના પોસ્ટરબોય, ક્રાંતિકારીનું બિરુદ મેળવનારા હાર્દિક પટેલના આજે ફરી સૂર બદલાયા છે. એક સમયે PAASનું આંદોલન ચરમસીમાએ હતું ત્યારે આ જ હાર્દિકે કહ્યું હતું કે મરતા મરી જઈશ, પણ કદી રાજકારણમાં નહીં જાઉ, કારણ કે હું રાજનેતા નથી, પરંતુ આ કથનનાં ચારેક વર્ષમાં જ કોંગ્રેસનાં ભરપેટ વખાણ કરીને હાર્દિક કોંગ્રેસમાં વિધિવત જોડાયો હતો. હવે ત્રણ વર્ષમાં જ હાર્દિકનો કોંગ્રેસથી પણ મોહભંગ થઈ ગયો છે. તેણે કોંગ્રેસ તો ફક્ત જાતિવાદનું રાજકારણ રમે છે એવા આક્ષેપ કરીને કોંગ્રેસને પણ સૂચક 'રામ..રામ..' કહી દીધું છે.

વાંચો સમાચાર વિગતવાર

5) યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં મોદીની અપીલ, 'હરિભક્તો એક વર્ષ સુધી શાકભાજીની લારીથી લઇને તમામ ચૂકવણી રોકડથી નહીં પણ ડિજિટલથી કરે'

વડોદરા શહેરના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ જય સ્વામિનારાયણ બોલી સંબોધન શરૂ કર્યું હતું અને યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જ્યાં સમસ્યા હોય ત્યાં ભારત સમાધાન લઇને સામે આવ્યું છે, કોરોના કાળમાં ભારત આત્મનિર્ભર બન્યું છે. ભારત આજે દુનિયાની નવી આશા બન્યું છે. ભારત ભવિષ્ય માટે દુનિયાનું નેતૃત્વ કરી રહ્યું છે. સ્ટાર્ટ અપમાં ભારતનું કદ વધ્યું, ભારતનું વિશ્વનું ત્રીજુ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ છે, જેનું નેતૃત્વ યુવાનો કરે છે. આ ઉપરાંત એક વર્ષ સુધી શાકભાજીની લારીથી લઇને તમામ ચૂકવણી રોકડથી નહીં પણ ડિજિટલથી કરવાની હરિભક્તોને PM મોદીએ અપીલ કરી હતી.

વાંચો સમાચાર વિગતવાર

6) મહારાષ્ટ્રમાં વિધવા પ્રથા ખતમ કરવાની પહેલ:પતિના મોત પછી મહિલાઓની બંગડી તોડાશે નહિ, માથાનું સિંદૂર હટાવવા અને સફેદ સાડી પહેરવાની મજબૂરીનો પણ અંત

મહારાષ્ટ્ર સરકારે એક હકારાત્મક પગલું લઈને વિધવાઓ માટે વર્ષોથી ચાલતી રૂઢિવાદી પરંપરાઓ પૂરી કરવાની જાહેરાત કરી છે. એમાં પતિના મૃત્યુ પછી બંગડી તોડવાનું, સિંદૂર લૂછવાનું અને મંગળસૂત્ર કાઢી દેવા જેવી ચુસ્ત પ્રથાઓ સામેલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે કોલ્હાપુરની હેરવાડ ગ્રામપંચાયતનું ઉત્તમ ઉદાહરણ લઈને હવે આ નિર્ણય સમગ્ર રાજ્યમાં લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

7) સિદ્ધુને એક વર્ષની સજા, સુપ્રીમ કોર્ટે 34 વર્ષ જૂના કેસમાં સજા કરી

34 વર્ષ જૂના રોડરેજના કેસમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રેસિડન્ટ નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સખત સજા કરી છે. સિદ્ધુએ કરેલા હુમલામાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. કોર્ટે 4 વર્ષ પહેલા આપેલા પોતાના ચુકાદાને બદલ્યો છે. તે સમયે સિદ્ધુને 1 હજાર રૂપિયાનો દંડ કરીને છોડી મુકવામાં આવ્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર

8) સુનીલ જાખડ ભાજપમાં જોડાયા:દિગ્ગજ હિન્દુ નેતાએ થોડા દિવસ પહેલાં કોંગ્રેસ છોડી હતી, દિલ્હીમાં નડ્ડાએ જાખડનું પાર્ટીમાં સ્વાગત કર્યું

પંજાબ કોંગ્રેસના દિગ્ગજ હિન્દુ નેતા સુનીલ જાખડ આજે ભાજપમાં જોડાયા છે. દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ જાખડનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતુ. જાખડે થોડા દિવસો પહેલા જ નોટિસ મળ્યા બાદ તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે. પાર્ટી છોડતા પહેલા તેમણે કોંગ્રેસને ઘણું ખરું-ખોટું કહ્યું હતું. જાખડનો પરિવાર લગભગ 50 વર્ષ કોંગ્રેસમાં રહ્યો હતો. હાલમાં તેમના ત્રીજી પેઢીના ભત્રીજા સંદીપ જાખડ કોંગ્રેસના ધારાસભ્ય બન્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

9) અમેરિકામાં મંકી પોક્સનો પ્રથમ કેસ, સ્પેન,પોર્ટુગલ અને કેનેડામાં પણ ઘણા કેસ મળ્યા; બ્રિટનમાં સમલૈંગિકોને વધુ જોખમ

બ્રિટન પછી મંકી પોક્સ વાઈરસ હવે અમેરિકામાં ફેલાઈ રહ્યો છે. કેનેડાથી મેસેચ્યુસેટ્સથી આવેલી એક વ્યક્તિમાં બુધવારે તેના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ વર્ષે અમેરિકામાં આ મંકી પોક્સનો પહેલો કેસ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોમાં બ્રિટન, સ્પેન, પોર્ટુગલ અને કેનેડામાં પણ આ દુર્લભ બીમારીના ડઝનેક કેસ સામે આવી ચૂક્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

10) જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ, કંગના રનૌતે શિવલિંગના દાવા પર કહ્યું, 'કાશીના કણ કણમાં મહાદેવ છે'

હાલમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ ચાલુ છે. સરવેમાં હિંદુ પક્ષે દાવો કર્યો છે કે મસ્જિદમાં શિવલિંગ મળી આવ્યું છે. મુસ્લિમ પક્ષે એવો બચાવ કર્યો છે કે તે ફુવારો છે. હાલમાં આ કેસ કોર્ટમાં છે. આ અંગે હવે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પણ વાત કરી છે. કંગના પોતાની અપકમિંગ ફિલ્મ 'ધાકડ'ની ટીમ સાથે અહીંયા આવી હતી. કંગનાએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.કંગનાએ મીડિયા સાથેની વાતચીતમાં જ્ઞાનવાપી મસ્જિદ અંગે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે જે રીતે મથુરાના કણ કણમાં શ્રીકૃષ્ણ છે, જે રીતે અયોધ્યાના કણ કણમાં શ્રીરામ છે તે જ રીતે કાશીના કણ કણમાં મહાદેવ છે. તેને કોઈ સ્ટ્રક્ચરની જરૂર નથી. હર હર મહાદેવ.'

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) પ્રાઈવેટ સ્કૂલોને ટક્કર આપતી AMCની SVP સ્કૂલ, એડમિશન માટે ગુજરાતીમાં 125 અને અંગ્રેજીમાં 200નું વેઈટિંગ 2) પાટીદાર સાથીઓથી લઈને 'વિરોધી'ઓએ આપી પ્રતિક્રિયા, અલ્પેશ કથીરિયાએ કહ્યું- નિવેદન પરથી ભાજપમાં જોડાવાનો સંકેત 3) સુરતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અને આચાર્ય સંઘની પડતર માગણીઓ સરકારે સ્વીકારતાં ઢોલ-નગારા તાલે ગરબા કરી ઉજવણી 4) સૌરાષ્ટ્રમાં મહાસંમેલન યોજાશે, 15 જૂન પહેલા રાહુલ ગાંધી અથવા સોનિયા ગાંધીના રોડ શોનું આયોજન: જગદીશ ઠાકોર 5) દહેગામની ICICI બેંકમાંથી સાત ગ્રાહકોએ ગીરવે મૂકેલા રૂ. 20.50 લાખના દાગીના ગાયબ, બેંકના ડેપ્યુટી મેનેજર વિરૂદ્ધ ફરિયાદ 6) જ્ઞાનવાપી કેસમાં SCએ 5 મિનિટની સુનાવણીમાં કહ્યું- બનારસ કોર્ટ નિર્ણય ના લે, કાલે 4 વાગે એક જજના ફેરવેલ પહેલાં 3 વાગે વાત કરીશું 7) જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર RSSનું નિવેદન:સત્ય ક્યારેય છુપાવી શકાતું નથી, હકીકતો બહાર આવવા દેવી જોઈએ 8) મથુરા મસ્જિદ વિવાદની સિવિલ કોર્ટમાં ટ્રાયલ થશે, અરજીને જિલ્લા કોર્ટે સ્વીકારી 9) આતંકી ફંડિંગ કેસ:ભાગલાવાદી નેતા યાસીન મલિક દોષિત જાહેર, 25 મેના રોજ સજા સંભળાવવામાં આવી શકે છે 10) ઘર ઘર રાશન યોજના પર રોક, દિલ્હી હાઈકોર્ટે કહ્યું- કેજરીવાલ સરકાર કેન્દ્રના રાશનનો ઉપયોગ ન કરી શકે

આજનો ઈતિહાસ
20 મે, 1990ના દિવસે હબલ સ્પેસ ટેલીસ્કોપે પહેલી વખત અંતરિક્ષની તસવીર ધરતી પર મોકલી હતી.

અને આજનો સુવિચાર

પહેલાં કદાપિ થયું નથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...