નમસ્કાર,
આજે શનિવાર છે, તારીખ 16 એપ્રિલ, ચૈત્ર સુદ-પૂનમ (હનુમાન જયંતિ).
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) રાજ્યમાં આજે યેલો અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર
2) PM મોદી મોરબીમાં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું વર્ચ્યુઅલ અનાવરણ કરશે
3) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) UPમાં બાબા, MPમાં મામા, હવે ગુજરાતમાં બુલડોઝર દાદા: ખંભાતમાં તોફાનીઓનાં ગેરકાયદે દબાણો દૂર કરાયાં
ખંભાતના સંવેદનશીલ શક્કરપુરમાં રામનવમીના દિવસે પથ્થરમારાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટના બાદ પોલીસે ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ખંભાત તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટ નક્કી કરીને ત્યાંનાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એના ભાગરૂપે શક્કરપુરમાં થયેલા ગેરકાયદે દબાણ હટાવવા કામગીરી શરૂ કરી છે.
2) 'ન હું કચ્છને છોડી શકું, ન કચ્છ મને છોડી શકે': ભુજમાં 150 કરોડના ખર્ચે બનેલી 200 બેડની કેકે હોસ્પિટલનું PM મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું
ભુજના મુન્દ્રા રોડ પર આવેલા શનિ મંદિર નજીક અંદાજિત 150 કરોડના ખર્ચે આકાર પામેલી 200 બેડની કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને જિલ્લાના પદાધિકારીઓ, દાતા પરિવાર, સ્વામિનારાયણ મંદિરના સંતો અને લોકોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
3) AAPનું આમંત્રણ: હાર્દિક પટેલ જેવા ક્રાંતિકારી યુવાનને આમ આદમી પાર્ટીમાં જોડાવવાનું અમારું આમંત્રણ છેઃ ઈટાલિયા
ગુજરાતમાં શિક્ષણમંત્રીએ આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ શિક્ષણ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને AAPના નેતા મનીષ સિસોદિયાએ તાજેતરમાં જ ગુજરાતના શિક્ષણમંત્રીના મતવિસ્તાર ભાવનગરની સરકારી સ્કૂલોની મુલાકાત લઈને સરકારની નિષ્ફળતાની પોલ ખોલી હતી. હવે આમ આદમી પાર્ટીએ શિક્ષણને લઈને નવું અભિયાન શરૂ કર્યું છે. એમાં પાર્ટી દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર જનતાને ખંડેર સ્કૂલોના ફોટા મોકલવા જણાવ્યું છે. આ ફોટાને પાર્ટી મીડિયા અને સોશિયલ મીડિયા થકી વડાપ્રધાનને મોકલશે અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરશે. ગોપાલ ઈટાલિયાએ એવું પણ કહ્યું હતું કે હાર્દિક પટેલ જેવા ક્રાંતિકારી યુવાનને AAPમાં જોડાવવાનું મારું આમંત્રણ છે.
4) IPL-2022નો પહેલો કોરોના કેસ:મેચના એક દિવસ પહેલા દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પોઝિટિવ, મેડિકલ ટીમે સારવાર શરૂ કરી
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 પર ફરીથી કોરોનાનું સકંટ ચિંતાનો વિષય બની ગયો છે. મીડિયા રિપોર્ટ્સના આધારે DCના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન IPLએ જે જાણકારી બહાર પાડી છે તેમાં કહ્યું છે કે પેટ્રિકને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે અને તેઓ અત્યારે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.
5) દેશનાં 7 રાજ્યમાં કોરોના ફરી બેકાબૂ:દિલ્હી-મુંબઈ અને ગુરુગ્રામમાં સૌથી વધારે કેસ વધ્યા, નોઇડામાં એક અઠવાડિયામાં 44 બાળક સંક્રમિત થયાં
એકવાર ફરી ભારત સહિત દુનિયામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હી, ગુરુગ્રામ અને મુંબઈમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સંજોગોમાં દેશમાં કોરોનાની ચોથી લહેરનું જોખમ ઊભું થયું છે. દિલ્હી સહિત ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, ગુરુગ્રામ જેવાં શહેરોમાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન બાળકો વધારે ઝપટમાં આવી રહ્યાં છે. ગૌતમબુદ્ધનગરના સીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અહીં એક સપ્તાહમાં 44 લોકો સંક્રમિત થયા છે. અને તેમની ઉંમર 16થી 18 વર્ષની છે. આમ, હવે નોઈડામાં સક્રિય દર્દીઓની સંખ્યા 167 થઈ ગઈ છે.દેશમાં કુલ 743 જિલ્લામાંથી 29 એવા છે, જ્યાં વીકલી પોઝિટિવ રેટ 5% કરતાં વધારે છે, એટલે WHOના મત પ્રમાણે, આ જિલ્લામાં સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. એમાં 23 જિલ્લામાં સ્થિતિ વધારે ખરાબ છે.
6) સિરોહીમાં અજાણી બિમારીથી ભય:7 માસૂમોના મોતથી ગામમાં શોકનું વાતાવરણ, આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સની દુકાનો બંધ કરાવાઈ
રાજસ્થાનનાં સિરોહી જીલ્લામાં ફુલાબાઈ ખેડામાં ભેદી બિમારીથી ચાર દિવસમાં 7 બાળકોના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ભય ફેલાયો છે. આરોગ્ય વિભાગની ટીમ માસુમોના મોતના કારણ બાબતની તપાસ કરવામાં વ્યસ્ત છે. ટીમોંએ ગુરૂવારે ગામનાં 250થી વધું ઘરોમાં સર્વે કર્યો હતો. ઘરે-ઘરે જઈને 58 બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેની તપાસ માટે સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યા છે.
7) ગુજરાત સહિત દેશમાં 20 લાખ લોકોને રોજગારી આપતા ફાઉન્ડ્રી ઉદ્યોગે ઉત્પાદન ક્ષમતા 50% જેવી ઘટાડી
ફાઉન્ડ્રી ઉદ્યોગને ઓટોમોબાઇલ અને એન્જિનિયરિંગને લગતી તમામ ઇન્ડસ્ટ્રીઝની માતા તરીકે ઓળખવામાં આવે છે. કોરોના આવ્યા બાદ દેશ અને દુનિયામાં જે બદલાવ આવ્યા તેની સામે ટક્કર ઝીલવામાં દેશના ફાઉન્ડ્રી ઉદ્યોગને ભારે મુશ્કેલી આવી રહી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ફાઉન્ડ્રીમેન (IIF)ના જણાવ્યા પ્રમાણે આના કારણે ઘણા ફાઉન્ડ્રી એકમો અત્યારે 50% કેપેસિટી સાથે ચાલી રહ્યા છે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ખંભાત હિંસા કેસમાં IBને મળ્યા ઇનપુટ:એક પોલીસ અધિકારીનું તોફાનીઓ સાથે કનેક્શન, કેટલાક લોકો અધિકારીને સવાર-સાંજ નોનવેજનું ટિફિન પહોંચાડતા
2) રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ: ગુજરાતના સ્થાપના દિવસે રાહુલ ગાંધી દાહોદથી આદિવાસી અધિકાર યાત્રાની શરૂઆત કરાવશે
3) સુરતમાં AAPના નગરસેવક KGF ફિલ્મ જોવા ગયા ને કારના કાચ તોડી પાલિકાના 100 કરોડના કૌભાંડના ડોક્યુમેન્ટ ભરેલી બેગની ચોરી
4) યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રક્ષામંત્રીને આવ્યો હાર્ટ-એટેક, પુતિન સાથે અણબનાવ થયો હતો
5) મ્યાનમારમાં સેનાનો કહેર,લોકશાહી સમર્થક ભિક્ષુકોના ગામને આગમાં હોમી દીધું, ગોલ્ડન સ્તૂપોની પાસે વિનાશના અવશેષ બચ્યા
6) KGF ચેપ્ટર 2:'રોકીભાઈ'એ બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું, કમાણીમાં 'વૉર', 'ઠગ્સ ઑફ હિંદુસ્તાન'ના રેકોર્ડ તોડ્યા
આજનો ઈતિહાસ
વર્ષ 1853માં આજના દિવસે ભારતમાં સૌ પ્રથમ વખત મુંબઈથી થાણે વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી
અને આજનો સુવિચાર
સુધારાની શરૂઆત આજથી થવી જોઇએ, કાલે વધુ વિલંબ થઇ શકે છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.