ગરમીનો વધુ એક રાઉન્ડ:અમદાવાદ અને ગાંધીનગરમાં 22 મે સુધી યલો એલર્ટ, ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ અને ગાંધીનગરમાં હિટવેવની આગાહી - Divya Bhaskar
અમદાવાદ અને ગાંધીનગરમાં હિટવેવની આગાહી
  • ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે રાજ્યમાં 10થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાન શક્યતાઓ

ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી ગરમીમાં થોડી રાહત મળી હતી, ત્યારે હવે ગરમીનો વધુ એક રાઉન્ડ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આગામી 20 થી 22 મે સુધી શહેરમાં હિટવેવની શક્યતાઓ છે. ગરમીનો પારો અમદાવાદ શહેરમાં ફરીથી એકવાર 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, આગામી ત્રણ દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના પ્રવર્તી રહી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છમાં આગામી 20થી 22 મે સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો
રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. 43 ડિગ્રી સાથે રાજકોટ શહેર સૌથી ગરમ રહ્યુ છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 42.8, અમદાવાદમાં 42.4 ડિગ્રી, કંડલામાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં પારો 41.5 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. ગાંધીનગરમાં 41.4 ડિગ્રી જ્યારે ભુજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી ગરમીનો પારો અચાનક વધ્યો હતો. જેથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે ગરમીનો પારો વધ્યો છે.

ગરમીનો પારો અમદાવાદ શહેરમાં ફરીથી એકવાર 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા
ગરમીનો પારો અમદાવાદ શહેરમાં ફરીથી એકવાર 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહેવાની શક્યતા
આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહે એમ મનાઇ રહ્યું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જોવા મળશે. 18મી બાદ ગુજરાત ગરમીનું પ્રમાણ ફરી વધી શકે છે, પરંતુ તાપમાન 45 ડીગ્રીથી વધે એવી સંભાવના નહિવત્ છે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.

નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું
હવામાન વિભાગ પ્રમાણે, 'નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી પાંચેક દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં આગામી ચારથી પાંચ દિવસમાં વરસાદ પડી શકે છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે. કેરળમાં 27 મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48 % વરસાદ નોંધાયો હતો.

કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે
ગુજરાતમાં જૂનના પ્રારંભે જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ જશે. કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે. ગુજરાતના પૂર્વ ભાગમાં હાલ વરસાદ સારો જણાય છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડી શકે છે. અમદાવાદમાં 43-44ની આસપાસ જ હવે તાપમાન રહેશે. 45ને પાર તાપમાન જવાની સંભાવના નહિવત્ છે, કેમ કે આગામી ત્રણથી ચાર દિવસમાં દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશાનો પવન ફૂંકાવવાનો શરૂ થઇ જશે, જેને કારણે અરબી સમુદ્રમાંથી જે હવા આવશે એ તાપમાન વધવા દેશે નહીં.