ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ રાજ્યમાં કરોડોની આશ્રમની જમીનોને લઈ વિવાદ સપાટી પર આવ્યો છે. કરોડોની જમીન પચાવી પાડવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેવામાં હરિહરાનંદ સ્વામી તરફથી યદુનંદન ભારતી સ્વામીએ સરખેજ પોલીસ સ્ટેશને પહોંચી આશ્રમ પર કબ્જો કરવા માટે ૠષિભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ કર્યો છે. તો પોલીસે પણ આ મામલે રજૂઆત સાંભળી ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
ગયા મહિને પોસ્ટથી ફરિયાદ મોકલી હોવાનું યદુનંદન મહારાજે જણાવ્યું
ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આશ્રમની જમીન હડપવાનો વિવાદ સમવાનું નામ લેતો નથી. સરખેજ પોલીસ સ્ટેશને પહોંચેલા યદુનંદન મહારાજ મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસને રજૂઆત કરવા પહોંચેલા બાપુએ જણાવ્યું કે, અમે ગયા મહિને પોસ્ટ દ્વારા પણ પોલીસને ફરિયાદ મોકલી હતી. જેના પર હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. હવે રૂબરૂ ફરિયાદ કરવા આવ્યા છીએ. જે પણ લોકો આમાં ઇન્વોલ હોય તેમની સામે કાર્યવાહી થાય.
ભારતી બાપુ બ્રહ્મલીન થયાના એક મહિના પહેલા દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ
આશ્રમ પર કબ્જો કરવા માટે ૠષિભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ કર્યોં છે. રાજકોટના વકીલ પાસે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. ભારતી બાપુના બ્રહ્મલીન થયાના એક મહિના પહેલા દસ્તાવેજો બનાવ્યા હોવાનું તેમને જણાવ્યું છે. સાથે તેઓએ બે અલગ અલગ વીલ રજૂ કર્યા છે. બંનેમાં ભારતી બાપુની અલગ અલગ સહી હોવાનો આરોપ લગાવ્યો છે. ગુજરાતભરના આશ્રમોની કુલ 1500 કરોડની સંપત્તિ પચાવી લેવા કારસો રચાયો છે. બીજી તરફ એમ ડિવિઝનના એસીપી એસ ડી પટેલે જણાવ્યું હતું કે, આશ્રમ વિવાદ મામલે રજૂઆત મળી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે.
હરિહરાનંદ વિવાદને પગલે ગુમ પણ થયા હતા
મહત્વનું છે કે, ભારતી બાપુના બ્રહ્મલીન થયાની ઘટના બાદ રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર આવેલા આશ્રમોની જમીનને લઈ જૂનાગઢ મહંત હરિહરાનંદજી મહારાજ અને ૠષિ ભારતી મહારાજ સામસામે આવ્યા છે. અગાઉ હરિહરાનંદજી મહારાજે સરખેજ આશ્રમના વિવાદને કારણે ગુમ થયા હોવાનું પણ સામે આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.