PSIની પરીક્ષા ફરી વિવાદમાં:અમદાવાદના લાંભાની ગીતા હાઈસ્કૂલમાં પેપર ફૂટ્યાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો

અમદાવાદ7 મહિનો પહેલા
પરીક્ષા કેન્દ્રમાં જતા ઉમેદવારોની તસવીર
  • અમદાવાદ અને ગાંધીનગરના 312 કેન્દ્રના 3209 વર્ગમાં બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું

પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાનું આજે રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ શારીરિક કસોટી યોજાઇ હતી જેમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની આજે લેખિત કસોટી યોજાઇ હતી. જેમાં અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્રો પર સવારે 9થી 11 સુધી રાજ્યભરના ઉમેદવારો પરીક્ષા આપી હતી. ત્યારે અમદાવાદમાં PSIની પરીક્ષા ફરી વિવાદમાં આવી હતી. લાંભાની ગીતા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ પેપર ફૂટ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

પેપર, OMR સીટ અને કોલ લેટર લઇ લેવાતા વિવાદ થયો હતો. બે કલાક સુધી વિદ્યાર્થીઓને કોલ લેટર આપવામાં આવ્યાં ન હતા. કેટલાક વિદ્યાર્થીઓએ OMRમાં જવાબ બાકી છોડ્યા હોય તેમના OMR શીટમાં સિરીઝ મેચ કરી જવાબ લખાયા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો.

અમદાવાદ-ગાંધીનગરના 312 કેન્દ્રોમાં પરીક્ષા
અમદાવાદ અને ગાંધીનગરના 312 કેન્દ્રના 3209 વર્ગમાં બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના કુલ 96,231 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે દરેક વર્ગમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા. ઉપરાંત નિરીક્ષકો દ્વારા સતત પરીક્ષા કેન્દ્રનું મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું હતા.

પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારોની તસવીર
પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારોની તસવીર

દરેક કેન્દ્રમાં મોબાઈલ જામર લગાવાયા
આ અંગે આજે પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ભરતી બોર્ડના પ્રમુખ વિકાસ સહાયે એક પ્રેસ-કોન્ફરન્સ કરીને પરીક્ષાની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું, શિક્ષકોને પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ માટે એક 75 પાનાંની ખાસ SOP બહાર પાડવામાં આવી છે, જેમાં વર્ગખંડ નિરીક્ષકની શી જવાબદારી છે, બોર્ડની શી જવાબદારી છે, કેન્દ્ર સંચાલકની શી જવાબદારી છે, દરેક કેન્દ્ર પર પોલીસ મૂકવામાં આવશે. મહિલા પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વ્યવસ્થાની સૂચના SOPમાં કરાઈ છે અને તેની કોપી દરેક કેન્દ્ર પર આપવામાં આવી છે.

પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ
પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય એ માટે અમદાવાદ શહેરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ કમિશનરે પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય એ માટે પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્સ સહિતની દુકાનો બંધ રાખવા સૂચના આપી હતી. એ ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં કોઈ મોબાઈલ અથવા તો ઈલેક્ટ્રિક ગેઝેટ લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતી. પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિએ ભેગા થવા પર પણ પ્રતિબંધ ફરમાવામાં આવ્યો હતી.

96 હજાર ઉમેદવારએ શારીરિક પરીક્ષા પાસ કરી
નોંધનીય છે કે PSI અને LRD બંનેની શારીરિક કસોટી વારાફરતી યોજાઈ હતી, જેમાં 3 ડિસેમ્બરથી શરૂ થયેલી આ પરીક્ષા 29 જાન્યુઆરી સુધી ચાલી હતી. એમાં PSI માટે 4.50 લાખમાંથી 96,243 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી.

PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...