ઉમિયા મંદિરનું નિર્માણ:પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મદદ તો કરી, નવા મુખ્યમંત્રી એ મદદ કરી છે અને કરશે હું તો વચ્ચે જ રહેવાનો છું:નીતિન પટેલ

અમદાવાદ15 દિવસ પહેલા
ભૂપેન્દ્ર પટેલને મા ઉમિયાના મંદિરની પ્રતિમા ભેટ અપાઈ
  • પૂર્વ CM-DyCM, આરોગ્ય મંત્રી સહિતનાએ દિપપ્રાગટ્ય કર્યુ
  • નીતિન પટેલ બોલ્યાં- ભૂપેન્દ્રભાઈના વેવાઈ એ ₹ 1 કરોડનું દાન આપ્યું છે
  • જીતુ વાઘણી સ્ટેજ પર આવ્યા અને આવીને નીતિન પટેલને પગે લાગ્યા હતા

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીનું મંદિર નિર્માણ સમારોહમાં સ્વાગત કરાયું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈના વેવાઈ એ ₹ 1 કરોડનું દાન આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મદદ તો કરી, નવા મુખ્યમંત્રી એ મદદ કરી છે અને કરશે હું તો વચ્ચે જ રહેવાનો છું. અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભના સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને સંતો-મહંતો તથા સમાજ શ્રેષ્ઠીઓ સામેલ થયા હતા. નિર્માણ કાર્યારંભ સમારોહની શરૂઆત દિપપ્રાગટ્યથી કરાઈ હતી. કાર્યક્રમમાં મુખ્ય દાતાઓ અને પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા છે. વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે- નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પરંપરામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જોડાયું છે અને મંદિર નિર્માણ કરે છે.

આપણે કોઈના સૂપડાં સાફ નથી કરવાના, આપણે જીતવું છે તો જીતવાનું: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમારોહમાં સંબોધન કરતા કહ્યું હતું કે, 3-3 કલાકના કાર્યક્રમ હવે ટૂંકા કરવા જોઈએ. સમાજને કીધું છે કે તમારે ભી (પણ) તકલીફ અને અમારે ભી (પણ) તકલીફ છે. કાર્યક્રમનો સમય ઓછો કરવો જોઈએ. જેમજેમ નવા આવશે તેમ જૂનાને સ્ટેજ પરથી નીચે આવવાનું છે. આપણે મુખ્યમંત્રી છીએ ત્યાં સુધી સારું છે કે આપનું તો ગોઠવાઈ ગયું છે. નીતિનભાઈના ત્યાં જાવ તો ઘાટો તો ખાવો જ પડે. ઘાટો ખાવ તો જ કામ થાય. અમે ભી (પણ) ઘાટો ખાધો જ છે, પ્રદીપસિંહને પૂછો એમને ખબર જ છે. લોકોને છોડમાં રણછોડ દેખાય પણ આપણને એકબીજામાં રણછોડ નહીં દેખાતો. આપણામાં ભી (પણ) રણછોડ છે જ, કોઈની હરિફાઈમાં રહેવાનું નથી. આપણે કોઈના સૂપડાં સાફ નથી કરવા, આપણે જીતવું છે તો જીતવાનું, કોઈ હારવા માટે નથી ઉભું રહેતું.

નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પરંપરામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જોડાયું: રૂપાણી
સમારોહમાં હાજર રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ તમામ સમાજ માટે ગૌરવની વાત છે, ગુજરાતમાં સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા, સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં અને સૌથી મોટો પાર્ક કચ્છમાં બન્યો છે. જે પરંપરા નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે તેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જોડાયુ અને મંદિર બનાવશે.

મુખ્યમંત્રી મહેમાન નહીં ટ્રસ્ટી છે:નીતિન પટેલ
નીતિન પટેલે દરમિયાન નિવેદન આપ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલ મહેમાન નથી એ ટ્રસ્ટી છે. વેવાઈ મુખ્યમંત્રી હોય અને બીજા વેવાઈ આવે તો દાન તો આપવું પડે. ભૂપેન્દ્રભાઈના વેવાઈએ રૂ. 1 કરોડનું દાન આપ્યું છે. આખા ગુજરાતમાં મા ઉમિયા માતાની રથયાત્રા કાઢી હતી. 2-3 દાતા કે નેતાઓ યાદ ના રાખવા. નાના માણસોને પણ યાદ રાખવા. અનેક મિટિંગો કરી તે બાદ પ્રોજેક્ટ નક્કી કર્યા હતા. હું પાયાથી અત્યાર સુધીનો એકેએખ કામનો સાક્ષી છું. જમીનનો કબ્જો લેવા મટે પણ સમાજના લોકોએ કામ કર્યું છે. મંદિરનો ઈતિહાસ લખાશે ત્યારે બધું નોંધાશે. મંદિરના કાર્યમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મદદ તો કરી, નવા મુખ્યમંત્રી એ મદદ કરી છે અને કરશે હું તો વચ્ચે જ રહેવાનો છું.

પહેલા હું આપવા આવતો હવે હું સમાજ માટે માગીશ:નીતિન પટેલ
પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર સમાજ અને ગુજરાતની જનતા એક છે. મોદીનું સૂત્ર સૌનો સાથ અને સૌનો વિકાસના સૂત્ર સાથે ચાલવાનું છે. આજે પહેલું પગથિયું ચઢ્યા છીએ. મંદિર બનાવવાનું કામ હવે શરૂ થશે. જેટલા લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવશે, તેઓ બીજા નંબરે ઉમિયા માતાનું મંદિર જોવા આવશે. આખી દુનિયાનું આકર્ષણ બનશે. ટુરિઝમ સ્પોટમાં મંદિરને સમાવવા આવે તેવી મુખ્યમંત્રીને અપીલ કરી છે. પહેલા હું આપવામાં આવતો હતો, હવે હું માંગવામાં આવીશ. સમાજ માટે માંગવાનું છે એ હું માંગીશ.

ભાજપના નેતાઓ અને સરકારના મંત્રીઓ પણ જોડાયા
અમદાવાદમાં સાંજે મંદિર નિર્માણ કાર્યારંભ સમારોહની શરૂઆત થઈ હતી. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ પૂર્વ ગૃહરાજ્યમંત્રી સહિતના નેતાઓ તો વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી બ્રિજેશ મેરજા, ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા. લવ જેહાદના કાયદાને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાનું અભિવાદન કરાયું હતું. જ્યારે જીતુ વાઘણી સ્ટેજ પર આવ્યા અને આવીને નીતિન પટેલને પગે લાગ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલના વેવાઈ રમેશ પટેલે 1 કરોડનું દાન કર્યું હતું.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને સંતો-મહંતો તથા સમાજ શ્રેષ્ઠીઓ સામેલ થયા
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને સંતો-મહંતો તથા સમાજ શ્રેષ્ઠીઓ સામેલ થયા

આ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત સવારે 8 વાગ્યે ભવ્ય શોભાયાત્રા સાથે થઈ હતી. જેમાં અમેરિકા સહિત વિશ્વભરમાં પરિભ્રમણ કરેલાં ગંગાજળથી ભરેલાં 108 નીધિ કળશ અને 500થી વધુ જવેરા સાથેની શોભાયાત્રા માલાબાર કાઉન્ટી(નિરમા યુનિવર્સિટી પાછળ) એથી શરૂ થઈ હતી અને જાસપુર મંદિર નિર્માણ સ્થળે પહોંચી હતી.

ક્યારે કયો કાર્યક્રમ

  • સવારે 8.30 કલાકે શતચંડી મહાયજ્ઞની શરૂઆત
  • 9.30 કલાકથી શ્રી મહાયંત્ર પુજા
  • 12.30 કલાકથી 108 નીધિ કળશનું મંદિર પરિસરમાં પુજન
  • બપોરે 5 કલાક શ્રી શતચંડી મહાયજ્ઞની પુર્ણાહૂતિ
  • સાંજે મંદિર નિર્માણ કાર્યારંભ સમારોહ
  • 31000 દિવડાઓનો દિપોત્સવ, જેમાં મંદિરની આકૃતિના આકારમાં દિવડા પ્રગટાવાયા
  • મહાયજ્ઞનું આયોજન, 100 યજમાનો ભાગ લીધો

62 કરોડનું દાન આપનારો નદાસા પરિવાર શતચંડી યજ્ઞમાં બેઠો
કોરોનાના કારણે મંદિર નિર્માણ કાર્યની શરૂઆત થઇ શકી ન હતી. જેથી હવે મંદિર નિર્માણ કાર્યની શરૂઆત થઈ રહી છે. જે માટે મહાયજ્ઞ, એટલે કે શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય દાતા નદાસા પરિવાર કે જેમને 62 કરોડનું દાન ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ માટે આપ્યું છે, તેઓ યજ્ઞમાં બેઠો હતો. સાથે સાથે અન્ય 100 યજમાનો પણ આ યજ્ઞમાં ભાગ લીધો હતો.

મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે
મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે

31 હજાર દીવડાની મદદથી મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરાઈ
આ કાર્યક્રમ માટે મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સવારે 8:30થી સાંજે 5 કલાક સુધી આ મહાયજ્ઞ ચાલશે, જે બાદ મહાઆરતી કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ 31 હજાર દીવડાની મદદથી મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. સાથે સાથે 108 કળશ કે જે ગુજરાત સહિત દેશ-વિદેશમાં યજમાનો લઈને ફર્યા હતા, જે તમામ કળશો મંદિરના ગર્ભગૃહમાં સ્થાપીને પૂજન કરવામાં આવ્યું છે તથા JCB સહિત અન્ય ઓજારો ઉપકરણોની પૂજા કરીને મંદિર બનાવવાની પ્રત્યક્ષ રીતે શરૂઆત કરવામાં આવી હતી.

100 વીઘામાં મંદિર પરિસર
29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનાનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય તથા દેશભરમાંથી પાટીદાર સમાજના લોકો, ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો હાજર રહ્યા હતા. 100 વીઘા વિસ્તારમાં તૈયાર થનાર મંદિર પરિસરની સાથે અન્ય આયામો પણ જોડવામાં આવ્યા છે. જેમાં સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટ સંકુલ,NRI ભવન, કુમાર-કન્યા, વર્કિંગ વુમન હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલિમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન તથા સૌથી મહત્વની એવી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. ફાઉન્ડેશનનો લક્ષ્યાંક છે વૈશ્વિક કક્ષાનું મંદિર પરિસર બને પ્રવાસ ક્ષેત્રે તેની ગણના થાય.

નીતિન પટેલ પોતાની જગ્યા છોડીને જીતુ વાઘણી પાસે બેઠા
નીતિન પટેલ પોતાની જગ્યા છોડીને જીતુ વાઘણી પાસે બેઠા

જમીનથી 52 ફૂટ ઊંચે મા ઉમિયાની મૂર્તિ સ્થપાશે
જાસપુરમાં 100 વીઘા જમીનમાં બનવા જઈ રહેલા 504 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમયે ગર્ભગૃહથી 10 ફૂટ નીચે સોનું, ચાંદી, તાંબુ, ઝવેરાત, મોતી એમ પંચધાતુનું 14 કિલોનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નાખવામાં આવ્યું હતું. મંદિરમાં જમીનથી 52 ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે. જ્યારે 270 ફૂટ ઊંચાઈએ વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવશે.

કૂર્મ શીલા, નંદ શિલા સહિત 9 વિશેષ શિલા પર તૈયાર થશે
મા ઉમિયા મંદિરનું ગર્ભગૃહ મુખ્ય 9 શિલા પર તૈયાર કરાશે. આ નવ વિશેષ શિલા- કૂર્મ શીલા, નંદ શિલા, ભદ્રા શિલા, જયા શીલા, પૂર્ણા શિલા, અજિતા શિલા, અપરાજિત શિલા, શુકલા શિલા, સૌભાગિની શિલાની પૂજન વિધિ કરવામાં આવી હતી. આ સાથે કુલ 500 દંપતીએ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે 500 શિલાઓ તથા 108 કળશનું પૂજન કર્યું હતું. વિશ્વ ઉમિયાધામમાં એક હજાર કરોડના ખર્ચે ઉમિયા મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

નીતિન પટેલ, વિજય રૂપાણી, પ્રદીપ સિંહ જાડેજા, બ્રિજેશ મેરજા,હસમુખ પટેલે દીપ પ્રગટાવ્યો
નીતિન પટેલ, વિજય રૂપાણી, પ્રદીપ સિંહ જાડેજા, બ્રિજેશ મેરજા,હસમુખ પટેલે દીપ પ્રગટાવ્યો

ભીડ ન થાય તે માટે ગર્ભગૃહ પાસે ઓટોમેટિક ક્યુઇંગ સિસ્ટમ
વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસના બીજા દિવસે જર્મન આર્કિટેક્ટ પણ જાસપુર આવ્યા હતા. તેમણે ઇન્ડોર જર્મન ટેક્નોલોજીથી મંદિરનું નિર્માણ કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક્ટ્સ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મા ઉમિયા મંદિરના નિર્માણમાં પાંચ વર્ષનો સમય લાગી શકે છે. આ મંદિરની ડિઝાઇન પારંપરિક મંદિરો કરતાં જુદી છે. મંદિરની ડિઝાઇન તૈયાર કરતા પહેલાં જર્મની અને દુબઈથી આવેલી આર્કિટેક્ટની ટીમે તિરુપતિ બાલાજી, અંબાજી, અક્ષરધામ અને શિરડીની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ આ ડિઝાઇન તૈયાર કરાઈ છે. આ તમામ મંદિરોમાં લોકોની ભીડ થાય ત્યારે અફરાતફરી થતી હોય છે. આવી સમસ્યાને ધ્યાનમાં રાખીને મંદિરની ડિઝાઇન તૈયાર કરાઈ છે. ઉપરાંત મંદિરના ગર્ભગૃહ પાસે ઓટોમેટિક ક્યુઇંગ સિસ્ટમ મુકાશે, જેથી મંદિરમાં ભીડ નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...