વર્લ્ડ ફોટોગ્રાફી ડે:જેની એક ગર્જનાથી 8 કિમી સુધીનો વિસ્તાર ભયભીત થઈ જાય એ ગીરના સાવજોની 17 એક્સક્લૂઝિવ તસવીરો

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: હિરેન પારેખ
  • કૉપી લિંક
  • જંગલનાં 2000 જાતનાં પ્રાણી પર રાજ કરે છે ગીર સાવજો
  • વિદેશી હોય કે ફિલ્મસ્ટાર, ગીરના સાવજોને નિહાળવા દોડી આવે છે ગુજરાત

આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે. આ દિવસ એવા લોકો માટે ઊજવાય છે, જેમણે વિપરીત સંજોગોમાં સુંદર ફોટા દુનિયા સામે રજૂ કર્યા છે. 19મી ઓગસ્ટ, 1839ના રોજ આવો પ્રથમ ફોટો ખેંચવામાં આવ્યો હતો, જેને દુનિયાભરમાં જોવાયો હતો. ત્યારથી આજ સુધી દરેક ક્ષેત્રમાં ફોટોગ્રાફીનું આગવું મહત્ત્વ રહ્યું છે. આજે ફોટોગ્રાફીનાં 181 વર્ષ પૂરાં થવાના પ્રસંગે દિવ્ય ભાસ્કર તમારા માટે ગુજરાતના ગીર જંગલના રાજા અને સિંહ પરિવારની કેટલીક ખાસ તસવીરો તેમજ વાતો જણાવશે, જે ભાગ્યે જ તમે જોઈ તેમજ સાંભળી હશે.

સિંહની ફોટોગ્રાફી સરળ નથી, ભાગ્ય સાથ આપે તો જ મળે: શ્રીનાથ શાહ
આજે વર્લ્ડ ફોટોગ્રાફીના દિવસે અમે ગુજરાતના વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફીના શોખીન એવા શ્રીનાથ શાહ સાથે વાતચીત કરી તેમના ગીર જંગલના અનુભવો વિશે જાણ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લાં 20 વર્ષથી ફોટોગ્રાફી કરી રહ્યો છું અને અસંખ્યવાર ગીર જંગલની મુલાકાતે ગયો છું. કેટલીકવાર મહિનામાં બે-બે વાર સમય કાઢીને સિંહ સહિત અન્ય પ્રાણી-પક્ષીઓના ફોટા પાડવા પહોંચી જાઉં છું. મારા અનુભવની વાત કરું તો, ગીરમાં સિંહની ફોટોગ્રાફી કરવી સરળ નથી હોતી. ઘણીવાર 5-5 સફારી કર્યા બાદ પણ કંઈ ના મળે અને ક્યારેક ભાગ્ય હોય તો કંઈક અલગ જ નજારો તમે જોઈ શકો છો.

સિંહની ગર્જના ડીજે વાઈબ્રેશનની જેટલી ફીલ અપાવે છે
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં ધીરજ ખૂબ જ જરૂરી છે. ક્યારેક 100 ફોટો ક્લિક કર્યા બાદ માંડ એક-બે ફોટા સારા મળી રહે. એના માટે તમારે નજર રાખીને ક્યારેક 2-3 કલાક પણ બેસી રહેવું પડે છે. કોરોનાકાળ બાદ ગીર જંગલ ખૂલ્યું ત્યારે પહેલી સફારી મેં કરી અને મારા Canon 7D mk-2 કેમેરાથી આ તસવીરો પાડી હતી. સિંહ સાથે મેં અન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓના પણ અનેક ફોટા કેમેરામાં કેદ કર્યા છે. જંગલમાં પડેલાં એમનાં યુરિન અને પંજાની છાપથી અમે સિંહ ક્યાં છે એ જાણીએ છીએ અને તરત જ સ્થળ પર પહોંચી ફોટાશૂટ શરૂ કરી દઈએ છીએ.

16 માસથી જ બાળ સિંહ શિકારી બની જાય છે
ગીર અભયારણ્યમાં સિંહ સહિત 2000 જાતનાં પ્રાણી, પક્ષી, 450 જાતની વનસ્પતિ છે, જેમાં 36 જાતનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ, 6 જાતિનાં ઊભયજીવી, 33 જાતનાં સરીસૃપ અને 2000 કરતાં વધારે જાતનાં સપૃષ્ઠવંશી પ્રાણીઓનો વૈવિધ્યપૂર્ણ સમુદાય વસે છે. સિંહણ 110 દિવસના ગર્ભાધાન બાદ 2થી 5 બચ્ચાંને જન્મ આપે છે. સિંહનાં બચ્ચાં 4થી 8 મહિના થાય ત્યારે સિંહણ તેમને શિકાર પાસે લઈ જાય છે, પરંતુ શિકારમાં ભાગ લેવા દેતી નથી, 16 મહિનાથી ઉપરનાં બચ્ચાં શિકાર કરતાં થઈ જાય છે અને ચાર વર્ષની ઉંમરે સિંહના ટોળાથી છૂટા પડે છે.

સિંહની ગર્જના 8 કિલોમીટર દૂર સુધી સંભળાય છે
સામાન્ય રીતે સિંહણ શિકાર કરે છે, પરંતુ ખાસ કોઈ મોટો શિકાર હોય તો સિંહ પણ ભાગ લે છે. સમૂહમાં રહેતી સિંહણો બે-ત્રણ દિવસ બચ્ચાંનું ધ્યાન રાખે છે અને સ્તનપાન પણ કરાવે છે. સિંહ સામાજિક પ્રાણી છે, સિંહ સમૂહમાં રહે છે, પરંતુ સમૂહમાં ભાઈ-બહેન કે માતા-પુત્ર કે પિતા-પુત્રી સમાગમ કરતા નથી. સિંહનું મનપસંદ ભોજન ચિતલ છે. સિંહ એક સાથે 54 કિલોમીટરનું અંતર કાપી શકે છે અને એની ગર્જના 8 કિલોમીટર દૂર સુધી સંભળાય છે. સિંહ પરિવાર પાણી વિના લાંબા સમય સુધી રહી શકે છે, પણ જ્યાં પાણીની ઉપલબ્ધિ હોય તો નિયમિત પાણી પીવા માટે આવે છે.

કેવી રીતે કરે છે સિંહ શિકાર?
સિંહમાં પંજાની ઝાપટ ખૂબ ભયંકર હોય છે. આરામની અવસ્થામાં એના નહોર અંદર સંકોચી લીધેલા હોય છે, પરંતુ જ્યારે શિકાર કરવાનો થાય ત્યારે પંજા બહાર કાઢી હૂકની માફક પ્રાણીના શરીરમાં ઘુસાડી દે છે. આ સાથે જ સિંહના ગળા અને ખભાના સ્નાયુઓ પણ ખૂબ શક્તિશાળી હોય છે. દાંત અને પંજાના બળે પ્રાણી ઉપર ત્રાટકતાં માથા ઉપર આખા શરીરનો ભાર આવે છે. પૂંછડીના સ્નાયુઓ એ વખતે શરીરની સમતુલા જાળવે છે. જૂનથી ઓક્ટોબર દરમિયાન ગીરના જંગલમાં માત્ર સિંહો જ નહીં, બલકે દીપડા સહિતના બિલાડી કુળનાં પશુઓ અને મોર સહિતનાં પ્રાણી-પક્ષીઓ માટે પ્રજનનકાળ હોય છે.

ઊધઈનો રાફડો કે સિંહાસન.
ઊધઈનો રાફડો કે સિંહાસન.