કોંક્રિટનું નહીં, હવે બનશે ખરું જંગલ:અમદાવાદનું ગ્રીન કવર એક દાયકામાં જ 4.66%થી વધીને 13% થઈ ગયું, 15 લાખ વૃક્ષો વાવ્યા ને હજુ 21 લાખ રોપાશે!

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

સમગ્ર વિશ્વ સમક્ષ હાલ સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે પર્યાવરણની જાળવણીની છે. દિવસેને દિવસે ઘટી રહેલું ગ્રીન કવર અનેક આફતો નોતરે છે.આજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણદિન નિમિત્તે અમદાવાદના ગ્રીન કવર અંગે દિવ્યભાસ્કરે એક એક્સક્લૂઝિવ અહેવાલ તૈયાર કર્યો છે. છેલ્લા એક દાયકામાં શહેરના ગ્રીન કવરમાં 117 ટકાથી વધુનો વધારો થયો છે. 2012માં માત્ર 4.66 ટકા ગ્રીન કવર હતું, જે 2022માં વધીને 13 ટકા સુધી પહોંચ્યું છે.

કોર્પોરેશન પ્લોટથી લઈ ખુલ્લી જગ્યામાં વૃક્ષો વાવ્યા
કોર્પોરેશનના પ્લોટ હોય કે વિશાળ જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવી અને શહેરમાં ગ્રીન કવર વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય દરેક જગ્યાએ નાનું વન બનાવી અને તેનું જતન કરવામાં આવી રહ્યું છે.

શહેર અને જિલ્લા વિસ્તારમાં પણ વૃક્ષો કોપાશે
આ અંગે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરને હરીયાળું બનાવવા માટે કોર્પોરેશન દ્વારા ગાર્ડન વિભાગના પ્લોટ અને કલેક્ટર વિભાગના પ્લોટમાં વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. ઔડા સાથે પણ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરી અને શહેરના રિંગરોડ પર પણ વૃક્ષો વાવવામાં આવશે જેથી રિંગરોડ પણ હવે હરિયાળો બની શકે.

AMCની હદમાં આવતો ગાંધીનગર લોકસભા વિસ્તાર પણ હરિયાળો
ગાંધીનગર લોકસભાના વિસ્તારને હરિયાળો બનાવવામાં આવ્યો છે. જેમાં પાંચ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. ચારેય વિધાનસભામાં જે વૃક્ષારોપણનો લક્ષ્યાંક હતો તે પૂર્ણ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે 21 લાખ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે, જેમાં 11 લાખ જેટલા વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી ઉગાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...