તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિધાનસભા ડાયરી:વાહ અને આહ જેવા શબ્દો અહીં નહીં ચાલે, ગૃહની ગરિમા જાળવો

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી શિસ્ત પાલન માટે જાણીતા છે અને કોઇપણ પક્ષના ધારાસભ્યોને સહેજ પણ ગેરશિસ્ત જણાય તો ટકોર કરતા હોય છે. ગૃહમાં રાજ્યપાલના સંબોધન પરની ચર્ચા દરમિયાન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કોંગ્રેસ ઉપર જોરદાર પ્રહાર કરી રહ્યા હતા જેમને સમર્થન આપવા ભાજપના ધારાસભ્યોએ વાહ વાહ પોકારવાનું શરૂ કર્યું હતું. જેથી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ટકોર કરતા કહ્યું હતું કે વાહ અને આહ જેવા શબ્દો અહીં નહીં ચાલે, ગૃહની ગરીમા જળવાય તેવું વર્તન હોવું જોઇએ. સમર્થનમાં પાટલી થપથપાવો, શબ્દોનું ઉચ્ચારણ કરવાની જરૂર નથી.

રસી મુકાવવા તમે પહેલ કરો તેની જ અમે રાહ જોતા હતા
કોરોના રસીકરણના બીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના નાગરિકો માટે રસીકરણ શરૂ થયું છે ત્યારે લોકોમાં રસીકરણ માટેનો સંકોચ દૂર થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી મૂકાવ્યા બાદ રાજ્યમાં પણ નેતાઓ રસી મૂકાવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સૌરભ પટેલે આજે રસી મૂકાવ્યા બાદ ગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમનું અભિવાદન કર્યું હતું. નીતિન પટેલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને કહ્યું કે તમે પણ તમારા ધારાસભ્યોને રસી લેવાનું કહેજો. ચાવડાએ જવાબ આપ્યો કે અમે તમારી જ રાહ જોતા હતા, તમે શરૂ કર્યું એટલે અમારા ધારાસભ્યો પણ હવે રસી લેવામાં ખચકાટ નહીં અનુભવે.

તાળી કોના માટે પાડો એ જ ખબર પડતી નથી, થોડી રાહ તો જોવી'તી
રાજ્યપાલના સંબોધન પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સરકારની આકરી ટીકા કરી અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. વીરજી ઠુમ્મરનું પ્રવચન પુરૂ થયા બાદ તરત જ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો બોલવાનો વારો હતો એટલે ભાજપના સભ્યોએ તાળીઓ અને પાટલી થપથપાવીને અભિવાદન કર્યું હતું. પરંતુ માહોલ એવો સર્જાયો કે સરકારની ટીકા કરી હોવા છતાં વીરજી ઠુમ્મરને ભાજપના સભ્યોએ તાળીઓથી વધાવ્યા હોય. જેથી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોમેન્ટ કરી હતી કે તમે તાળી કોના માટે પાડી એ તો કહો, વચ્ચે થોડી રાહ તો જોવી હતી.

30 હજારની ગ્રાન્ટ અપાતી ત્યારે ભાવ કેટલા હતા એ પણ જણાવો
​​​​​​​વિધાનસભામાં ગ્રામ પંચાયતોના મકાન બનાવવા અંગેનો પ્રશ્ન ચર્ચામાં હતો. કોંગ્રેસના સભ્યો આક્રમકતાથી પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા જેથી પંચાયત મંત્રી જયદ્રથસિંહે કોંગ્રેસના ધારાસભ્યોને સંભળાવ્યું હતું કે તમારી સરકાર હતી ત્યારે 1992-93માં પંચાયતનું મકાન બનાવવા માટે માત્ર 30 હજાર રૂપિયાની ગ્રાન્ટ આપતા હતા. જેથી કોંગ્રેસના બળદેવજી ઠાકોરે કહ્યું કે એ સમયે ઇંટ, સિમેન્ટ, રેતી અને લોખંડના કેટલા ભાવ હતા એ પણ જણાવો ને. જોકે, એ અલગ વિભાગનો વિષય છે એવું કહીને જયદ્રથસિંહે જવાબ ટાળ્યો હતો.

તમે રાહ જોશો ત્યાં સુધીમાં તો ઇમારત ખંડેર બની ગઇ હશે
રાજ્યપાલના સંબોધન પરની ચર્ચા દરમિયાન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કોંગ્રેસના ધારાસભ્યોના આક્ષેપોનો જવાબ આપી રહ્યા હતા. તેમના પ્રવચન દરમિયાન કોંગ્રેસના બહુબોલકા ધારાસભ્ય વીરજી ઠુમ્મર વચ્ચે વચ્ચે કોમેન્ટ કરતા હતા જેથી પ્રદિપસિંહ જાડેજાએ તેમની ટિખળ કરતા કહ્યું હતું કે વીરજીભાઇ આ તમારા આગલી હરોળમાં બેઠેલા કોઇ નેતાનું હ્યદય પરિવર્તન થાય તો તમને ત્યાં સ્થાન મળી શકે. ઠુમ્મરે કહ્યું ત્યાં સુધી સીધી રીતે પહોંચી શકાય તેટલી હું રાહ જોઇશ. પ્રદિપસિંહે વળતો પ્રહાર કર્યો હતો કે રાહ જોવામાં આ ઇમારત (કોંગ્રેસ) ખંડેર બની ગઇ હશે.

આખો દિવસ કોંગ્રેસની ટીકા સાંભળીને અમે પણ કંટાળી ગયા
​​​​​​​મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા- તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસ સાવ ધોવાઇ ગઇ છે ત્યારે વિધાનસભામાં પણ રોજે રોજ તેની ગૂંજ સંભળાઇ રહી છે. કોંગ્રેસના સભ્યો કોઇપણ મુદ્દો ઉઠાવે ત્યારે મંત્રીઓ તેમજ ભાજપના ધારાસભ્યો તેમને ચૂંટણીમાં સાફ થઇ ગયા, પ્રજાએ જાકારો આપ્યો તેવા મહેણા મારતા હોય છે. રાજ્યપાલના સંબોધન પરની ચર્ચામાં બોલવા ઉભા થયેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કહ્યું કે કોંગ્રેસ તમામ જગ્યાએ હારી ગઇ, કોંગ્રેસ સાફ થઇ ગઇ આવા રોજેરોજના શબ્દોથી હવે અમે પણ કંટાળી ગયા છીએ. જનાદેશને અમે પણ સ્વીકારી લીધો છે પરંતુ એનો મતલબ એ નથી કે અમે અમારા મતવિસ્તારના પ્રશ્નો ઉઠાવીશું નહીં.

અન્ય સમાચારો પણ છે...