એક્સક્લૂઝિવ:ધંધૂકા-બગોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાઓ મહંત સ્વામીના જન્મદિવસની પૂજા માટે સાળંગપુર જઈ રહી હતી

અમદાવાદએક મહિનો પહેલા
સોસાયટીમાં અકસ્માતના સમાચાર સાંભળી ચકચાર મચી ગઈ.
  • ચારમાંથી એક ચેતનાબેન નામની મહિલા ઘાટલોડિયા સ્વામિનારાયણ મંદિર સત્સંગી મહિલા મંડળની પ્રમુખ હતી

અમદાવાદ જિલ્લાના ધંધૂકા-બગોદરા હાઇવે પર આવેલા હીરાપુર પાટિયા પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદના ઘાટલોડિયાની ત્રણ અને ગાંધીનગરની એક એમ કુલ ચાર મહિલાનાં ઘટનાસ્થળે મોત થયાં છે. અકસ્માતમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા યજ્ઞપુરુષનગર-1માં રહેતી ચેતનાબેન રાજેશકુમાર મોદીનું મૃત્યુ થયું હતું. દિવ્ય ભાસ્કરએ ચેતનાબેનનાં પરિવારજનો પાસેથી આ દુઃખદ ઘટના અંગે માહિતી મેળવી હતી.

સવારે ફોન આવ્યો કે ઈકો કારનો અકસ્માત થયો છે
મૃતક ચેતનાબેનના પરિવારજન કમલેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે સવારે અમારાં ભાભી ચેતનાબેન મોદી અક્ષરનિવાસી થયાં છે. તેઓ ઘાટલોડિયા સ્વામિનારાયણ મંદિર સત્સંગી મહિલા મંડળનાં પ્રમુખ હતાં. આજે મહંત સ્વામીનો તિથિ મુજબ જન્મદિવસ હોવાથી સાળંગપુર મંદિરે પૂજાના દર્શન માટે વહેલી સવારે અન્ય 7થી 8 મહિલા સાથે નીકળ્યાં હતાં. 4.30 વાગ્યાની આસપાસ મારા ભત્રીજા પર ફોન આવ્યો હતો કે ઇકો કારનો અકસ્માત થયો છે. 108માં બધાને ધંધૂકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેથી તાત્કાલિક તમે આવો. મારો ભત્રીજો તાત્કાલિક સવારે અન્ય લોકો સાથે ધંધૂકા જવા નીકળ્યો હતો.

ઘાટલોડિયા સ્વામિનારાયણ સત્સંગ મંડળની બહેનો મહંત સ્વામીનાં દર્શન કરવા જતી હતી.
ઘાટલોડિયા સ્વામિનારાયણ સત્સંગ મંડળની બહેનો મહંત સ્વામીનાં દર્શન કરવા જતી હતી.

મહંત સ્વામીએ પરિવારજનોને સાંત્વના પાઠવી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે સંયુકત કુટુંબમાં રહીએ છીએ અને કાલુપુર ખાતે ચાનો વ્યવસાય કરીએ છીએ. ચેતનાબેનના પરિવારમાં તેમના પતિ, બે દીકરા અને તેમની પૌત્રીઓ છે. આ ઘટના સમાચાર મહંત સ્વામીને પણ મળતાં તેમણે પરિવારજનોને ઓડિયો મારફત સાંત્વના પાઠવી છે. ધંધૂકા અકસ્માતમાં મૃત્યુ પામેલી ચારેય મૃતક મહિલાનાં પરિવારજનો અને ઇજાગ્રસ્તોનાં પરિવારજનોને મહંત સ્વામીએ સાંત્વના પાઠવતા મેસેજ આપ્યો છે કે આ દુઃખદ સમાચાર છે. જે થાય છે અને થવાનું છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે. બધા જ ધામમાં બેસી ગયા છે. બીજાને બળ મળે અને હિંમત મળે એવી પ્રાર્થના. જેમને વાગ્યું છે તે બધાને સારું થઈ જાય.

મૃતક મહિલાઓનાં પરિવારજનોને મહંત સ્વામીએ ઓડિયો મારફત સાંત્વના પાઠવી.
મૃતક મહિલાઓનાં પરિવારજનોને મહંત સ્વામીએ ઓડિયો મારફત સાંત્વના પાઠવી.

પાયલબેનનાં સંતાનોએ બૂમાબૂમ કરી ત્યારે પાડોશીઓને જાણ થઈ
અકસ્માતમાં ઘાટલોડિયા સૌંદર્ય એપાર્ટમેન્ટના S બ્લોકમાં રહેતાં પાયલબેન જિજ્ઞશભાઈ પટેલ પણ આ સત્સંગી મહિલાઓ સાથે સાળંગપુર મંદિરે દર્શન કરવા જતાં હતાં ત્યારે મૃત્યુ પામ્યાં છે. પાયલબેનના પાડોશીઓએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પરિવારમાં એક દીકરા અને દીકરી છે, જેઓ ધોરણ 10 અને કોલેજમાં અભ્યાસ કરે છે. આજે સવારે જ્યારે તેમનાં દીકરા-દીકરીએ બૂમાબૂમ કરી ત્યારે અમને જાણ થઈ હતી. જોકે બાળકોને પાડોશીઓએ પાયલબેન બીજા હોઈ શકે એમ કહીને શાંત પાડ્યાં હતાં. હજી સુધી પાડોશીઓમાં બ્લોકના લોકોને પણ જાણ કરાઈ નથી.