અમદાવાદના પબ્લિક પ્લેસ પર મહિલાઓ કેટલી સલામત છે, તે જાણવાનો પ્રયાસ કરતી અમદાવાદ પોલીસ કરી રહી છે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર જ કેટલાક ટપોરીઓએ મહિલા ટીમને ઇશારા કર્યા હતા. જો કે, રોમિયાગીરી કરવા નીકળેલા આ નબીરાઓને સપનામાંએ ખ્યાલ ન હતો કે રિવરફ્રન્ટ પર પસાર થતી યુવતીઓ સામે હિરોપંટી કરવા તેમની મહાભૂલ હતી. તે સામાન્ય યુવતીઓ ન હતી પરંતુ રીયલ લાઇફની મદાર્નીઓ હતી. હિરોપંટી કરનારને મર્દાનીઓએ સબક શીખવાડીને લોકઅપના સળિયા દેખાડ્યા હતા. પોલીસે હવે કોઈની પણ આ પ્રકારે છેડતી કે કોમેન્ટ પાસ નહીં કરે તેવી પણ આ લોકો પાસે બાંયધરી લીધી હતી.
જાહેર સ્થળે રોમિયોથી ત્યાંથી પસાર થતી યુવતીઓની છેડતીના બનાવ બનતાં હોય છે. જાહેર સ્થળે છેડતીખોરની હેરાનગતિથી મહિલાઓ ત્રસ્ત હોય છે. ત્યારે મહિલાપોલીસની ટીમે ત્રણેય રોમિયોને ધોળાદિવસે બતાવેલા તારથી ત્યાં હાર મહિલાઓ અને યુવતીઓ ખુશ થઈ હતી. કેમ કે, ક્યારેક આવા તત્વો તેમની પણ છેડતી કે હેરાન-પરેશાન કરતા હોય છે. જેથી મહિલા પોલીસની એક્શનથી તેમને પોતે સલામત હોવાનો અહેસાસ થયો હતો.
પોલીસ ટીમને 3 વાર કોમેન્ટનો અનુભવ થયો
રવિવારે સાંજે એક PSI અને અન્ય કોન્સ્ટેબલ ડ્રેસ બદલીને એટલે કે સાદા કપડામાં રિવરફ્રન્ટ પર જઈ રહ્યા હતા. સાંજના છ વાગ્યાથી બેથી ત્રણ કલાક સુધી આ મહિલા પોલીસની ટીમ આ વિસ્તારમાં ફરી હતી. ત્યારે ત્યાં કેટલાક ટપોરીઓ પણ હાજર હતા. જો કે, તેઓ મહિલા પોલીસને ઓળખી શક્યા નહીં અને આ મહિલા પોલીસ ત્યાંથી નીકળી ત્યારે કોમેન્ટ કરવા લાગ્યા હતા. ત્યારબાદ આવા ત્રણેક બનાવો બન્યા હતા. જેના કારણે સાદા ડ્રેસમાં આવેલી મહિલા પોલીસે તેમને ખરેખર કાયદાની તાકાત બતાવી હતી અને કોઈપણ સામાન્ય વ્યક્તિને હવે હેરાન ના કરે તેવો સબક શીખવાડ્યો હતો.
ભણેલા-ગણેલા શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ
આ અંગે મહિલા PSI અલ્પા વણઝારાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, મારી સાથે આઠ એક મહિલા પોલીસ રિવરફ્રન્ટ પર વોક કરી રહ્યા હતા. ત્યારે અમારી મહિલા પોલીસ કોઈને શંકા ન જાય તે માટે સામાન્ય યુવતીઓની જેમ ફોટોગ્રાફી કરી રહી હતી. ત્યારે અમારી પાછળથી ખરાબ કોમેન્ટ પાસ થઈ હતી. એટલે અમારી મહિલા પોલીસની ટીમ સતર્ક હતી અને એક પછી એક અમે ત્રણ આવા લોકોને ઝડપી પાડ્યા છે. તેઓ ભણેલા ગણેલા યુવકો છે તેમ છતાં આ પ્રકારની ગતિવિધિ કરતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરના DCP કક્ષાના અધિકારી સહિતની ટીમ ઓપરેશનમાં
અમદાવાદ શહેરમાં પબ્લિક પ્લેસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને એવી દરેક જગ્યાએ યુવક-યુવતીઓની અવર-જવર થતી હોય છે. ત્યારે આવી જગ્યાએ ખરેખર શું સ્થિતિ છે? તે જાણવા માટે અમદાવાદ શહેરના ઝોન 1 DCP અને મહિલા પોલીસની ટીમ સતત કામ કરી રહી છે. એમાં પણ ખાસ કરીને DCP કક્ષાના અધિકારી હોય કે કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી દરેક પોતાની ઓળખ છૂપાવીને સામાન્ય લોકોની વચ્ચે નીકળી ગયા છે. દરેક મહિલા સલામત રીતે પોતાનું જીવન જીવી શકે તેવી લાગણી ઊભી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે..
DCP સિંહાએ AMTSમાં મુસાફરી કરી જાતમાહિતી મેળવી
બે દિવસ અગાઉ ઝોન 1 DCP ડો. લવીના સિંહા પોતે ખાનગી ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ સાથે AMTS બસમાં ટિકિટ લઈને સામાન્ય મુસાફરોની જેમ બેઠા હતા. આ દરમિયાન યુવતીઓને સ્કૂલ કોલેજની આસપાસ ટ્રાવેલિંગ દરમિયાન કોઈ ખરાબ કોમેન્ટ કે ખરાબ વાતો અથવા ઇશારા થતા હોય તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રથમ દિવસે આમાં કશું જ મળ્યું નહીં પણ તેમને ખરેખર મહિલાઓને શું સામનો કરવો પડે છે તેને થોડું અંદાજ આવ્યો હતો .
આવારાતત્વોને સબક શીખવવા પોલીસ સજ્જ
આ અંગે ઝોન DCP ડો. લવીના સિંહાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અમારી ટીમ હજી પણ સતત આ રીતે અલગ અલગ વિસ્તારમાં પબ્લિક પ્લેસ, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ખાનગી ડ્રેસમાં ફરશે અને ત્યાં આવી કોઈ ખરાબ કોમેન્ટ કે છેડતી કરશે. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મહિલાઓ સાથે કોઈ એવી ઘટના બને તો તેઓ અમારો સંપર્ક કરે. અમે તે દિશામાં તેમની મદદ પણ કરવા તૈયાર છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.