ભાજપના કોર્પોરેટરની દાદાગીરીનો વિરોધ:અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરની મહિલાઓએ વિરોધ કર્યો, 'અવારનવાર કલાક સુધી મહિલાઓ સાથે બેસી અપશબ્દો કહેતા’

અમદાવાદ22 દિવસ પહેલા
ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલ અને વિરોધપ્રદર્શન કરી રહેલી મહિલાઓ.

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં મહિલા મેડિકલ ઓફિસર સાથે ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલે ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપ થયા છે. મહિલા ડોક્ટરે આક્ષેપ કર્યા છે કે કોર્પોરેટર વિપુલ પટેલે મોઢું પકડી જબરદસ્તી પાણી પીવડાવ્યું હતું અને આગળ કોઈને ફરિયાદ નહીં કરવા ધમકી આપી હતી. કોર્પોરેટર વિપુલભાઈ ભૂતકાળમાં અવારનવાર રિસેસ ટાઈમ દરમિયાન હેલ્થ સેન્ટરમાં આવીને બેસી જતા હતા. સોફ્ટ ટાર્ગેટ બનાવી મહિલા સ્ટાફ અને મહિલા ડોક્ટરને ગેરશબ્દો બોલી માનસિક પરેશાન કરતા હતા. આ માનસિક ત્રાસના વિરોધમાં આજે નરોડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મહિલા કર્મચારીઓએ ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ વિરુદ્ધ વિરોધપ્રદર્શન કર્યું હતું.

વિપુલ પટેલના નામના છાજિયાં લીધાં
નરોડા પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર અને નરોડા વોર્ડના ઉપપ્રમુખ સામે ફરિયાદ નોંધાવવા માટે મહિલા કર્મચારીઓએ રેલી કરી હતી. નરોડા પોલીસ સ્ટેશનમાં પણ મહિલા કર્મચારીઓએ ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલ તેમજ બોડા દરબારના નામનાં છાજિયાં લીધાં હતાં. સોમભાઈ અને બોડા દરબાર હાય હાય કરીને નારા લગાવ્યા હતા.

તપાસ કમિટિ બનાવી, ઘટનાને દબાવવાનો પ્રયાસ
આ મામલે ભાજપ શહેર પ્રમુખ અમિત પી. શાહ અને કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહની આગેવાનીમાં તમામ પદાધિકારીઓની અગત્યની બેઠક મળી હતી. બે કલાક જેટલી ચાલેલી મેરેથોન બેઠકમાં સમગ્ર બાબત ઉપર ભાજપના સત્તાધીશો દ્વારા પડદો પાડવા માટે થઈ અને એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓ સમગ્ર ઘટના મામલે તપાસ કરી અને જે પણ રિપોર્ટ આપશે છે તેના આધારે ભાજપના કોર્પોરેટર સામે પગલાં લેવા કે કેમ તે નક્કી કરવામાં આવશે તેમ પ્રભારી ધર્મેન્દ્ર શાહે જણાવ્યું હતું.

કોર્પોરેટરને બે કલાક બહાર બેસાડી રખાયા
​​​​​​​ભાજપના કોર્પોરેટર સામે આક્ષેપ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ શહેર પ્રમુખ, કોર્પોરેશન પ્રભારી ધર્મેન્દ્ર શાહ સહિત ભાજપના તમામ પદાધિકારીઓની બેઠક મળી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેલ્થ પ્રવીણ ચૌધરી, AMC ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીને પણ હાજર રાખવામાં આવ્યા હતા. ફરિયાદ કરનાર ડોક્ટરને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી સમગ્ર માહિતી મેળવવામાં આવી હતી. કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલને પણ હાજર રાખવામાં આવ્યા હતા. જોકે તેઓને બેઠકમાં બોલાવવાની જગ્યાએ બહાર બેસાડવામાં આવ્યા હતા. બે કલાક સુધી બેસાડ્યા બાદ બેઠક પૂર્ણ થઈ હતી અને બે મિનિટ માટે કોર્પોરેટરને બોલાવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓ ભોગ બનનાર ડોક્ટર અને કોર્પોરેટરો પાછલા બારણેથી રવાના થઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કરે સંપર્ક કર્યો, પણ કોર્પોરેટરે ફોન ન ઉપાડ્યો
ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલનો દિવ્ય ભાસ્કરે વારંવાર સંપર્ક કર્યો ત્યારે તેમણે ફોન ઉપાડ્યો નહોતો. નરોડા અર્બન હેલ્થ સેન્ટરની મહિલા સ્ટાફે આજે બેનરો સાથે ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલનો વિરોધ કર્યો હતો, જેમાં કોર્પોરેટર દ્વારા મહિલાઓ સાથેનો ખરાબ વ્યવહાર કઈ રીતે ચલાવી શકાય. ન્યાય આપો, ન્યાય આપો એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. નરોડાના જ યુવા મોરચાના લવ ભરવાડ વિરુદ્ધ પણ બેનરો દર્શાવી મહિલાઓ સાથેનું વર્તન કઈ રીતે ચલાવી શકાય, એમ કહી વિરોધ કર્યો હતો.

કોર્પોરેટરનો મહિલાઓ સાથેના ખરાબ વ્યવહારનો બેનરમાં ઉલ્લેખ કર્યો.
કોર્પોરેટરનો મહિલાઓ સાથેના ખરાબ વ્યવહારનો બેનરમાં ઉલ્લેખ કર્યો.

પોલીસ ફરિયાદ અક્ષરશઃ

તું-તારી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી
હું ડોકટર.. તા 20/1/2021થી નરોડા મૂઠિયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. નરોડા CHC ખાતે તા 07/09/2022ના રોજ સાંજે 5 કલાકે હું મેમ્કો ખાતે મીટિંગ પતાવીને નરોડા સેન્ટર ખાતે મારા સ્ટાફની સાથે અરજન્ટ મીટિંગ કરવા આવેલા ત્યારે નરોડાના કોર્પોરેટર સોમભાઈ પટેલ, બોડાભાઈ દરબાર, તેમનો ડ્રાઈવર અને અજાણ્યા ઇસમો હાજર હતા અને ‘તમે અમારી ઓળખાણવાળા દર્દીને જવાબ કેમ ન આપ્યો’ એમ ખરાબ શબ્દો, બોલાચાલી કરીને લવ ભરવાડના મમ્મી કૈલાસબેન ભરવાડ અને પત્ની મનીષાબેન ભરવાડે તું-તારી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને પોલીસને જાણ કરવા મેં 100 નંબર ડાયલ કરેલો ત્યારે કૈલાસબેન ભરવાડ દ્વારા મને ધક્કો માર્યો તો મારો ફોન પડી ગયો.

મારું મોઢું જબરદસ્તી પકડી મને બોટલથી પાણી પીવડાવ્યું
100 નંબર પર જાણ ન કરી શકતાં અને એ વખતે મારો સ્ટાફની બહેનો મંજુલાબેન અને સ્વેતા શાહ, પ્રવીણાબહેન, ધર્મિષ્ઠાબહેન, મીનાક્ષીબહેન, ચેતનાબહેન, મને રૂમ નંબર 7માં લઇ ગયા હતા, ત્યાર બાદ 10 મિનિટ પછી સોમભાઈ પટેલ અને બોડા દરબાર અમારે અંગત કામ છે એમ કહી ત્યાં રૂમ નંબર 7માં આવેલા અને બધા મારા સ્ટાફને બહાર કાઢી મૂકેલા, અમારા સ્ટાફે બહાર જવાની ના પાડી છતાં અમારે પર્સનલ કામ છે અને એકલામાં વાત કરવી છે, એમ કહી સ્ટાફને રૂમની બહાર કાઢી મૂકેલા, ત્યાર બાદ મારી પરમિશન વગર મને પકડીને મારું મોઢું જબરદસ્તી પકડી મને બોટલથી પાણી પીવડાવ્યું અને મને ધાકધમકી આપી કે આ મેટર અહીં પતાવી દેવી અને બધાની માફી માગી લેવી આવું સોમભાઈ પટેલ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું.

માનસિક ત્રાસના વિરોધમાં નરોડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મહિલા કર્મચારીઓએ ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ વિરુદ્ધ વિરોધપ્રદર્શન કર્યું હતું.
માનસિક ત્રાસના વિરોધમાં નરોડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મહિલા કર્મચારીઓએ ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ વિરુદ્ધ વિરોધપ્રદર્શન કર્યું હતું.

મનીષાબહેને જાનથી મારી નાખવાની ધમકી આપી
આ વર્તન કર્યા બાદ લવ ભરવાડનો નાનો ભાઈ જયેશ ભરવાડ અને તેમના 2-3 મિત્ર તથા કૈલાસબહેન ભરવાડ અને પત્ની મનીષાબહેન ભરવાડ ફરીથી મારા રૂમમાં આવેલાં. કૈલાસબહેન ભરવાડ દ્વારા મને ધક્કો મારવામાં આવ્યો અને મનીષાબહેન દ્વારા જાનથી મારી નાખવાની તથા જોઈ લેવાની ધમકી આપવામાં આવેલી અને તેમના ભાઈ જયેશભાઈ ભરવાડ દ્વારા અહીંથી કેમની બહાર જાય છે એમ કહી ધાક-ધમકી આપી મને ડરાવવાનો પ્રયત્ન કરેલો છે અને તે લવ ભરવાડે પણ તેની પત્નીના ફોનમાં વીડિયો કોલ કરીને મને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો.

06/09/2022ના રોજ 11.45એ હું ડો.મેહુલ શાહ સાથે એક ક્રિટિકલ દર્દી માટે માર્ગદર્શન લેતી હોવાથી કૈલાસબહેન ભરવાડ તથા એક બહેનને બહાર બેસવાનું કહ્યું અને તાત્કાલિક ડો.મયંકને તેમની મદદ માટે મોકલીને તેમની સહાય પણ કરી હતી તેમજ તેમના દ્વારા પૂછવામાં આવતાં તે દર્દીને પહેલાંથી જ સી.એચ.સીના ડોક્ટર કિંજલ દ્વારા દાખલ કરીને સારવાર આપી ટ્રીટમેન્ટ પણ શરૂ કરી દીધી હતી, પરંતુ તેમને લેબોરેટરીની લાઈનમાંથી રિપોર્ટ લેવાના હતા,. જેમાં 300 દર્દીની લાંબી લાઈન હતી અને ડો.મયંકે સમજાવ્યું કે લેબમાં લાંબી લાઈન છે. રિપોર્ટ બપોરે આપવામાં આવશે અને ત્યાર બાદ તેમને કોઈ રજૂઆત કરી નથી કે મને મળ્યો પણ નથી. આ બાબત વિશે મને કોઈ જાણ નથી. જો મળેલો હોય તો મેં એનું નિવારણ કર્યું જ હોય અને પરંતુ આ લોકોએ 48 કલાક સુધી કશું કર્યું નહિ, એકદમથી બધા ભેગા થઈને આ રીતનું ગેરવર્તન મારી સાથે આચર્યું હતું.

7 નંબર રૂમની બંને ડોક્ટર વંઠેલી છે એવા શબ્દો કહ્યા
આ બધા બનાવ માટે પછી સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું કે તે કોર્પોરેટર સોમભાઈ પટેલ દ્વારા સેન્ટરનો બધો મહિલા સ્ટાફ રખડેલ છે તથા 7નંબર રૂમની બંને ડોક્ટર વંઠેલી છે, આવા ગેરશબ્દો બોલીને અપમાનજનક વર્તન કર્યું હતું. ભૂતકાળમાં પણ સોમભાઈ પટેલ દ્વારા રિસેસ ટાઈમ 1થી 2 દરમિયાન આવીને સુપરિન્ટેન્ડન્ટની રૂમમાં આવીને બેસી જતા હતા અને કારણ વગરની વાતો કરીને ડોક્ટરોના રિસેસ ટાઈમમાં ખલેલ પહોંચાડતા હતા, જેની ફરિયાદ મેં અમારા ઉપલી અધિકારી ડેપ્યુટી હેલ્થ ઓફિસરને અગાઉ પણ કરી હતી. તેના અનુસંધાનમાં તેમનું અહીં આવવાનું બંધ થઇ ગયું અને એને લીધે અમને સોફ્ટ ટાર્ગેટ બનાવીને વારંવાર આવી રીતે ગેરશબ્દો બોલીને મહિલા સ્ટાફ તથા મહિલા ડોક્ટરને માનસિક રીતે પીડિત કરવામાં આવે છે. મને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી મારે અહીં ફરજ કેવી રીતે નિભાવવી કરવી?, તો આપને વિનંતી છે કે આપ આ વિષયને ધ્યાનમાં લઇ કડક કાર્યવાહી કરો અને અમને ન્યાય આપવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી.

અન્ય સમાચારો પણ છે...